Sunday, December 22News That Matters

પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત કરવાના વિરોધમાં રાજકારણીઓના રવાડે ચડી સ્થાનિક લોકોએ સોનેરી તક ગુમાવી દીધી?

પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ અંતર્ગત પાર અને તાપી નદી વચ્ચેની પાર, ઔરંગા, અંબિકા અને પૂર્ણા નદીમાં થઈ દરિયામાં ભળી જતા વધારાના પાણીના જથ્થાને વાળીને ગુજરાતના પાણીની અછત વાળા વિસ્તારમાં પહોંચાડવાનો ઉદ્દેશ્ય છે. જેના થકી સિંચાઈ અને પીવાનું પુરતું પાણી મળી રહે. યોજના માટેનું પ્લાનિંગ પૂર્ણ થઈ ગયું હતું. વર્ષના અંત સુધીમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી કામનો પ્રારંભ થવાનો હતો. જો કે એ પહેલાં જ સ્થાનિક આદિવાસી સમાજે વિસ્થાપિત થવાના ભય હેઠળ તેનો વિરોધ કરતા આખરે આ પ્રોજેકટ ગુજરાત સરકારે પડતો મુક્યો છે. જો કે રાજકારણીઓ ના રવાડે ચડી વિરોધ કરી પ્રોજેકટ ને સ્થગિત કરનારા સ્થાનિક લોકોએ ખૂબ જ મોટી તક ગુમાવી હોવાનું આ પ્રોજેકટને સારી રીતે જાણનારા નિષ્ણાંતોનું માનવું છે.
સૌ પ્રથમ આ પ્રોજેકટ અંગે વાત કરીએ તો કેન્દ્ર સરકારનો આ મહત્વનો પ્રોજેકટ હતો. પ્રોજેકટ અંતર્ગત નવા 7 બંધ બનાવવાની યોજના હતી. જેમાં પાર નદી પર ઝરી, મોહનકાવચાલી અને પૈખડ, ઔરંગા નદી પર ચાંસમાંડવા, અંબિકા નદી પર ચીકારા અને દાબદર અને પૂર્ણા નદી પર કેલવણ બંધ બનાવવામાં આવનારા હતા. યોજનાનો મુખ્ય હેતુ જળાશયોની ઉપરવાસ તથા તે વિસ્તારમાં ઘરેલું વપરાશ અને સિંચાઈ માટેની પાણીની મહત્તમ જરૂરિયાત તેમજ જોડાણનાં માર્ગમાં આવતી સિંચાઈ વ્યવસ્થા તેમજ નર્મદાના સિંચાઈ વિસ્તારમાં પુરવઠો પૂરો પાડવાનો હતો.
પ્રોજેકટ નદીઓને જોડવા સાથે ડેમ બનવાનો છે. ડેમ બનાવવાથી વિજળી ઉત્પન્ન કરી શકાય, આસપાસના વિસ્તારોમાં પીવાના પાણી માટેની સમસ્યાનો અંત લાવી શકાય, આશરે 60 થી 80 હજાર લોકોને વર્ષે પીવાનું પાણી પૂરું પાડી શકાય. કેમ કે જ્યાં આ પ્રોજેકટ ને ધ્યાનમાં રાખીને ડેમ બનાવવાના છે. તે વિસ્તારમાં ચોમાસામાં ખૂબ સારો વરસાદ વરસતો હોવા છતાં પણ ઉનાળામાં પાણી ની તંગી રહે છે. ઉનાળામાં ખેતીની જમીન બંજર બની જાય છે. સ્થાનિક લોકોએ રોજગારી માટે નજીકના વાપી વલસાડ કે સુરત, સંઘપ્રદેશમાં, નાસિકમાં રોજગારી માટે જવું પડે છે.
ડેમ બન્યા બાદ અહીં જમીનમાં પાણીનું સ્તર ઉંચું આવતે, બારેમાસ ખેતી કરી શકતે, અત્યારે ભલે પ્રોજેકટને કારણે 75 ગામના 35 હજાર લોકો પ્રભાવિત થાત પરંતુ તે જ લોકોને તે બાદ રોજગારી માટે અન્ય જિલ્લાઓમાં ભટકવું અટકી જાત વીજળીની સમસ્યામાંથી છુટકારો મેળવી શકતે. હા પ્રભાવિત થનારા લોકોએ સરકાર સામે જે અવાજ ઉઠાવ્યો તે ઉઠાવવો જરૂરી હતો. પરંતુ તે વિરોધ વિસ્થાપિત કરતા પહેલા સરકાર તેમને માટે ટાઉનશીપ ઉભી કરી આપે….. તેમાં તમામ પાયાગત સુવિધા આપે…. ખેતી ની જમીન સામે જંગલખાતાની જમીન ફાળવે…… આધુનિક ખેતી માટે…. કલા કારીગરી માટે…. ઔદ્યોગિક કૌશલ્ય…. માટે જરૂરી કેન્દ્રો ઉભા કરી આપે તેવી માંગ કરતો વિરોધ કરવાનો હતો. જે તક અનંત પટેલ જેવા ટૂંકી દૃષ્ટિના રાજકારણીના રવાડે ચડી સ્થાનિક લોકોએ ગુમાવી દીધી છે.
આ પ્રોજેકટ અનેક રીતે મહત્વનો હતો તેવું માનતા નિષ્ણાતોએ કરેલી દલીલો અને તર્ક મુજબ પ્રોજેકટ ગામો માટે આશિર્વાદ રુપ સાબિત થશે. 6 ડેમ બનાવવામાં આવશે દરેક ડેમ પાસે પાવર હાઉસ પણ બનાવાશે. 395 કિલોમીટર જેટલી લાંબી નહેર બનશે. જેમાં 205 કિલોમીટર પાર તાપીના ભાગમાં ફીડર કેનાલની લંબાઈ સહિત તેમજ 190 કિમીની નહેર તાપી નર્મદાના ભાગમાં બનશે, જેમાં ત્રણ ડાયવર્ઝન વીયર્સ, 2 બોગદા (ટર્નલ્સ) બનાવાશે, જે 5 કિલોમીટર લંબાઈના રહેશે.
અંદાજિત 6 હજાર કરોડ રૂપિયાના આ પ્રોજેકટ માટે પ્રાથમિક સર્વેની કામગીરી વર્ષ 2009માં શરૂ કરવામાં આવી હતી, શરૂઆતથી જ સ્થાનિક લોકોએ પ્રચંડ વિરોધ કરતાં વિલંબ થયો હતો. 6 હજાર કરોડ રૂપિયાના પ્રોજેકટ દ્વારા વર્ષે 618.24 કરોડની આવકનું લક્ષ્ય હતું. જેમાં સિંચાઈ થકી 563 કરોડ અને વિદ્યુત ઉત્પાદન થકી 55 કરોડની આવક થવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે.
પાર-તાપી-નર્મદા યોજના અંતર્ગત જે પાણી બચવાનું હતું તે 1300 MCM હતું. ઉદાહરણ તરીકે જોઈએ તો મધુબન ડેમની સંગ્રહશક્તિ 520 MCM છે. અને (એક MCM એટલે 1ની પાછળ 9 મીંડા એટલા લીટર પાણી) ટૂંકમાં 2 મધુબન ડેમ માં જેટલું પાણી સમાયેલું હોય એટલું પાણી આપણે ચોમાસામાં તેના કશા જ ઉપયોગ વિના દરિયામાં વહાવી દેવું પડે છે. જો આ પાણી આ રિવર લિંક પ્રોજેકટ થકી બચાવી સદઉપયોગ કરાય તો સૌરાષ્ટ્રમાં કુલ 3 લાખ હેક્ટર જમીનને તેમજ નવસારી, સુરત, ડાંગ અને ભરૂચ જિલ્લામાં 0.50 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઈ શકે. ટૂંકમાં આદિવાસી સમાજના 35 હજાર લોકોની થોડીક તર્ક બુદ્ધિથી બીજા હજારો આદિવાસી પરિવારોની ગરીબીનો અંત આવી શકે છે.
અત્યંત મહત્વના આ પ્રોજેકટ માટે 2010માં ગુજરાત, મહારાષ્ટ્ર અને ભારત સરકાર વચ્ચે સમજૂતી કરાર થયા હતા. જો કે રાજકારણીઓના રવાડે ચડી સ્થાનિક લોકોએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરવાની સોનેરી તક ગુમાવવા સુધીનો વિરોધ કર્યો છે. હાલમાં ગુજરાતની ભાજપ સરકારના મંત્રીઓ અને આદિવાસી સમાજના નેતાઓએ વિરોધનો પવન જોઈ સઢ ફેરવી લીધું છે. પ્રોજેકટ સ્થગિત કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસી અનંત પટેલ જેવા નેતાઓ પ્રોજેકટ સ્થગિતનો શ્વેતપત્ર નહિ મળે ત્યાં સુધી આંદોલન ચાલું રાખવાની ચીમકીઓ આપી રહ્યા છે. ત્યારે હજુ પણ સ્થાનિક આદિવાસીઓ પોતાની જરૂરિયાત એવી અદ્યતન સુવિધા સાથેનું ટાઉનશીપ, રોજગારલક્ષી કેન્દ્રો ની માંગ કરી તે પુરી કરે તો પ્રોજેકટ નિર્વિઘ્ને પૂરો કરવાની ખાતરી આપી તક ઝડપી લેશે તો આવનારા સમયમાં અનેક લાભાલાભ થશે બાકી તો ચોમાસુ ખેતી બાદ અન્ય જિલ્લાઓમાં સ્થળાંતર એ જ આજની પ્રથા ભવિષ્યમાં પણ કાયમ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *