Friday, October 18News That Matters

વાપી GIDC ના J’ ટાઈપ વિસ્તારની ઔદ્યોગિક ગટર માં લીકેજ થતા કાળો રગડો રસ્તા પર પથરાયો, સમારકામ હાથ ધર્યું

વાપી GIDC ના J’ટાઈપ વિસ્તારમાં R-3 કંપની સામે અન્ડરગ્રાઉન્ડ ઔદ્યોગિક ગટરમાં લીકેજ થતા કલરવાળું અને કાળા રગડા જેવું પાણી રસ્તા પર પથરાયું હતું. જેની જાણ નોટિફાઇડ વિભાગને થતા JCB ની મદદથી ખોદકામ કરી મરામત કામગીરી હાથ ધરી હતી. જો કે ગટર માં કલરયુક્ત કાળો રગડો નીકળતા આશ્ચર્ય ફેલાયું હતું.
વાપી GIDC વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાંથી નોન હેઝાર્ડ કહેવાતા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર લાઇન પાથરવામાં આવી છે. જ્યારે ચોમાસાના પાણીના નિકાલ માટે વરસાદી પાણીની ગટર બનાવવામાં આવી છે. ઉદ્યોગો દ્વારા એ સિવાય કેમિકલ યુક્ત નીકળતું પ્રદુષિત પાણી તે લાઈનમાં છોડવાની સખત મનાઈ છે. કેમિકલયુક્ત પ્રદુષિત પાણી જે તે ઔદ્યોગિક એકમમાંથી સીધું પાઇપલાઇન દ્વારા CETP માં મોકલવામાં આવે છે.
જો કે આ નિયમો માત્ર કાગળ પર હોય તેવું ઉદાહરણ વાપીના J’ ટાઈપ વિસ્તારમાં ગટરના ભંગાણ બાદ નીકળેલા દુર્ગંધયુક્ત રગડાએ પૂરું પાડ્યું છે. J’ટાઈપ વિસ્તારમાં R-3 કંપની સામે રસ્તા પર કાળા રગડા જેવુ પ્રવાહી વહેતુ હોય તે અંગે નોટિફાઇડને જાણ કરવામાં આવી હતી. જે જાણકારી આધારે નોટિફાઇડના કર્મચારીઓએ JCB મંગાવી ખોદકામ હાથ ધર્યું હતું. ખોદકામ દરમ્યાન ગટરનું લીકેજ ફુવારા સ્વરૂપે બહાર નીકળવા માંડ્યું હતું.
આ રગડો જોતા તે કેમિકલયુક્ત પાણી હોવાની દહેશત સ્થાનિક એકમોના સંચાલકોએ વ્યક્ત કરી હતી. ગટર ના સમારકામ માટે ખોદેલા ખાડામાંથી મોટાપાયે કાળો રગડો અને સ્લજ નીકળ્યો હતો. જે જોતા કહી શકાય કે વાપી GIDC ના ઔદ્યોગિક એકમોના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે. જેઓના પાપે વાપીનું ભૂગર્ભ જળ કેમિકલયુક્ત બન્યું છે. જે આસપાસના ઉદ્યોગોમાં તેમજ રહેણાંક વિસ્તારમાં બનાવેલ બોર ના પાણીને ખરાબ કરી રહ્યા છે.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *