20મી ઓગસ્ટના ગુંજન વિસ્તારમાં આવેલ કોટડીયા ક્લિનિકમાંથી રોકડા 19 લાખની અને એ ઉપરાંત અન્ય 6થી વધુ દુકાન-ઓફિસના શટર ઊંચા કરી ચોરી કરનાર 2 ચોરને LCB એ દબોચી લીધા છે. આ ચોર ટોળકીએ દોઢેક મહિનામાં વાપી અને દમણના વિવિધ કોમ્પ્લેક્ષની દુકાનોમાં લાખોની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો હતો.
કોમ્પ્લેક્ષની દુકાનો, ઓફિસોમાં ચોરી કરતા બન્ને ચોર મૂળ બાંસવાળા રાજસ્થાનના છે. જેમાંના એકનું નામ સંજય ઉર્ફે સંજેશ ડીંડોર છે. જ્યારે બીજાનું નામ મનીષ ઉર્ફે મનિયો ડીંડોર છે. બંનેને LCB ના PSI એમ. કે. ભીંગરાડીયાએ બાતમી આધારે મોરાઈ રેલવે ફાટક નજીકથી ઝડપી પાડ્યા છે. જેમની અંગ ઝડતી કરતા તેમની પાસેથી 3.55 લાખ રૂપિયા રોકડા, 23 હજારના સોના ચાંદીના દાગીના અને 15 હજારના 2 મોબાઈલ મળી કુલ 3.93 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ બને રીઢા ચોરની પૂછપરછ કરતા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસમાં બનેલી ચોરીની ઘટનાઓનો પર્દાફાશ થયો છે. આ ચોર ટોળકીએ છરવાડા વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષની 6 જેટલી દુકાનોના શટર ઊંચા કરી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક દુકાનમાંથી 10 હજાર રોકડા, બીજી દુકાનમાંથી મોબાઈલ, કેમેરાની ચોરી કરી હતી. એ જ રાત્રે ગુંજન વિસ્તારમાં અંબામાતા મંદિર નજીકના કોમ્પલેક્ષ માં આવેલ કોટડીયા ડેન્ટલ ક્લિમિકમાંથી 19 લાખ રોકડની ચોરી કરી હતી.
તો, આ ચોર ટોળકીએ દોઢેક મહિના પહેલા દમણના સોમનાથમાં આવેલ એક કોમ્પ્લેક્ષની 2 ઓફિસો અને એક દુકાનમાં શટર ઊંચા કરી પ્રવેશ કર્યો હતો. જ્યાંથી 70 હજારની ચોરી કરી હતી. એ જ અરસામાં ગુંજન વિસ્તારમાં એક કોમ્પ્લેક્ષ માં આવેલ 6 ઑફિસોને નિશાન બનાવી હતી.જ્યાંથી એક વકીલની ઓફિસમાંથી 2 લાખ રોકડા અને અન્ય ઓફિસોમાંથી 20 હજાર આસપાસની ચોરી કરી ફરાર થઇ ગયા હતાં.
પકડાયેલ બન્ને ચોર સાથે રાકેશ ડીંડોર નામનો અન્ય સાગરીત પણ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ છે. આ ચોર ટોળકીએ વલસાડ જિલ્લા ઉપરાંત દમણ, સુરતમાં મળી 11 જેટલા ચોરીના ગુન્હા આચર્યા છે. પકડાયેલ બન્ને ચોર બાંસવાળા થી સુરતમાં કન્સ્ટ્રકશન સાઇટ પર મજૂરી કામે આવ્યા બાદ ચોરીના રવાડે ચડી ગયા હતાં. સુરત અને વાપી સહિતના વિસ્તારમાં તેઓ બાંધકામ સાઇટ પર કામ કરતા તેમના સગાને મળવા આવતા એ બહાને આસપાસના વિસ્તારમાં રકી કરી રાત્રે બંધ દુકાનોના શટર ઊંચા કરી ચોરીને અંજામ આપતા હતાં.
ત્યારે વલસાડ જિલ્લામાં ઉપરાછાપરી 15થી વધુ દુકાનો-ઓફિસોમાં ચોરીને અંજામ આપી વલસાડ પોલીસને પડકાર ફેંકતા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા, LCB PI વી. બી. બારડની સૂચના અને માર્ગદર્શન આધારે LCB ની ટીમે 2 ચોરને ઝડપી પાડી 4 ચોરીના ગુન્હા ઉકેલવામાં સફળતા મેળવી છે