Friday, October 18News That Matters

દમણમાં ઇન્ડિયા ડે નિમિત્તે આયોજિત તિરંગા રેલી અને કાર્નિવલનો અંતિમ ક્ષણે ફિયાસ્કો?

દમણમાં જામપોર બીચથી મોટી દમણ લાઈટ હાઉસ સુધીના અંદાજિત 4 કિલોમીટર લાંબા રૂટ પર ઇન્ડિયા ડે નિમિત્તે તિરંગા રેલી અને કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગંતવ્ય સ્થાન સુધી પહોંચેલી રેલી દરમ્યાન વરસાદ વરસતા ભવ્ય કાર્યક્રમનો અંતિમ ક્ષણે ફિયાસ્કો થયો હતો.
સંઘપ્રદેશ દમણમાં પ્રશાસક પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રશાસનના અધિકારીઓ દ્વારા દમણના નગરજનો તેમજ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારો ને બોલાવી ભવ્ય તિરંગા રેલી સાથે કાર્નિવલનું આયોજન કરી ઇન્ડિયા ડે ની ઉજવણી કરી હતી. જેમાં વરસાદના વિઘ્નએ ઉપસ્થિત લોકોને ભીંજવ્યા હતાં.
આઝાદીના અમૃત મહોત્સવને દેશવાસીઓ ઉત્સવ તરીકે મનાવી રહ્યા છે. ઠેર ઠેર દેશ ભક્તિના દર્શન થઈ રહ્યા છે. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 13 થી 15 ઓગસ્ટ સુધી કરેલા હર ઘર તિરંગા અભિયાનના આહવાન અંતર્ગત દમણ પ્રશાસન દ્વારા તિરંગા રેલી સાથે કાર્નિવલના રૂપમાં ઇન્ડિયા ડેનું આયોજન કર્યું હતું. જેમાં સંઘપ્રદેશમાં વસતા વિવિધ પ્રાંત અને રાજ્યોના લોકોએ જામપોર બીચ ખાતે એકત્ર થઈ ત્યાંથી મોટી દમણ લાઈટ હાઉસ સુધી પોતપોતાની સંસ્કૃતિનું કલાકૃતિના માધ્યમથી ભવ્ય પ્રદર્શન યોજયું હતું,
જો કે નિયત સમય થી મોડો શરૂ થયેલા કાર્યક્રમ દરમ્યાન વરસાદ વિઘ્ન બનતા હોંશે હોંશે આવેલા નગરજનોએ રેલીમાં ભીંજાતા બચવા રેલી છોડી નજીકમાં આવેલા મંડપના ઓથ તરફ ભાગમભાગ મચાવતા અંતિમ ક્ષણે કાર્યક્રમ ફ્લોપ શૉ સાબિત થયો હતો.
બપોરે સાડા ત્રણ વાગ્યે દમણના જમ્પોર બીચથી લાઈટ હાઉસ સુધી નિકળનારી રેલી સાડા ચાર વાગ્યે રવાના થઈ હતી. આ વિશાળ કાર્નિવલનો નજારો જોવા મોટી સંખ્યામાં દમણના લોકો ઉમટી પડયા હતા, કાર્નિવલમાં દમણના સ્થાનિક નેતાઓ રાજકીય અગ્રણીઓ સહીત પ્રદેશના તમામ સમુદાયના લોકો અને સાંસ્કૃતિક કલાકારો પારંપરિક વેશભૂષા સાથે સામેલ થયા હતા, વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંગઠનો અને પોલીસ દ્વારા ફલેગ માર્ચ સાથે કાર્યક્રમને સફળ બનાવવા પ્રયાસ કર્યો હતો,
કાર્નિવલના રુટ પર ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સતત ગુંજતા રહેતા હતા ત્યારે જ અચાનક વરસાદી ઝાપટું વરસતા દેશભક્તિના રંગમાં ભંગ પડ્યો હતો. લોકો  વરસાદ ભીંજાયા હતાં. જેઓએ લાઈટ હાઉસ ખાતે પહોંચતા જ વરસાદથી બચવા રેલી છોડી નજીકમાં બનાવેલ મંડપ તરફ દોટ મૂકી અંતિમ ક્ષણે કાર્નિવલનો ફિયાસ્કો કરી મુક્યો હતો. જો કે તે બાદ વરસાદ અટકતા પાંખી હાજરીમાં લોકોએ રાષ્ટ્રગાન ગાયું હતું. આ તબક્કે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે તિરંગો લહેરાવી દરિયા કિનારે લોકોને બે ઘડી મોજ કરાવી હતી.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *