Friday, December 27News That Matters

વાપીમાં SSRCNમાં યોજાયો લેમ્પ લાઈટનિંગ સમારોહ, 60 BSc અને 40 GNM વિદ્યાર્થીઓએ નર્સિંગના લીધા શપથ

વાપીની સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના પ્રથમ વર્ષની BSc નર્સિંગની 19મી બેચ અને પ્રથમ વર્ષની જનરલ નર્સિંગ અને મિડવાઇફરી (GNM) વિદ્યાર્થીઓની બેચનો લેમ્પ લાઈટનિંગ શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં 60 BSc નર્સિંગ અને 40 Diploma in Nursingના વિદ્યાર્થીઓએ નર્સિંગ વ્યવસાયનો સંકલ્પ લીધો હતો. 
20મી ઓગસ્ટ 2022ના રોજ વાપીમાં શ્રીમતી સાંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના ઓડિટોરિયમ ખાતે સાન્દ્રા શ્રોફ રોફેલ કોલેજ ઓફ નર્સિંગના 100 વિદ્યાર્થીઓનો લેમ્પ લાઈટનિંગ સમારોહ યોજાયો હતો. સમારોહમાં સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ સાન્દ્રાબેન શ્રોફ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, હરિયા એલ જી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશયન ડૉ. એસ.એસ. સિંઘ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમની શરૂઆત તમામે દીપ પ્રાગટય દ્વારા કરી હતી. જેમાં નર્સિંગ કોલેજ સ્થાપવા પાછળ નો ઉદેશ્ય, વિદ્યાર્થીઓને કઈ રીતે તાલીમ આપવામાં આવે છે. આગામી વિઝન શુ છે તે અંગેની માહિતી કોલેજના આચાર્ય મેજર જનરલ ટી. કે. ભૂટિયા દ્વારા અપાઈ હતી. જે બાદ નર્સિંગ ક્ષેત્રે પ્રથમ નર્સિંગ કોલેજની શરૂઆત કરનાર 19મી સદી ના Florence Nightingaleની જીવન કહાની પ્રસ્તુત કરવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી ભારતની વિવિધતામાં રહેલી એકતાના દર્શન કરાવ્યા હતાં.
કાર્યક્રમમાં ઉપસ્થિત સાન્દ્રાબેન શ્રોફ, રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇ, રોટરી ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન કલ્યાણ બેનર્જી, હરિયા એલ જી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશયન ડૉ. એસ.એસ. સિંઘ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 100 વિદ્યાર્થીઓને નર્સિંગ વ્યવસાયના શપથ લેવડાવ્યા હતાં.
જેમાં નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ શ્રોતાઓને માહિતગાર કર્યા હતા કે જેમ જેમ ભારત ડિજિટલાઈઝેશન તરફ આગળ વધી રહ્યું છે તેમ હેલ્થ કેર પ્રોવાઈડરોએ પણ ડિજિટલાઈઝ્ડ ક્ષેત્રે આગળ વધવાની જરૂર છે. હરિયા એલ જી રોટરી હોસ્પિટલના ચીફ ફિઝિશયન ડૉ. એસ. એસ. સિંઘએ જણાવ્યું હતું કે SSRCN માં ઉત્તમ તાલીમ સુવિધાઓ છે, હવે હોસ્પિટલમાં કેન્સર અને લિવર ટ્રાન્સપ્લાન્ટ યુનિટ ઉમેરવામાં આવતાં તેમને વધુ સારી તક મળશે.
આચાર્ય મેજર જનરલ ટી.કે. ભુટિયાએ હાલમાં જ કોલેજમાં શરૂ કરેલ સિનિયર સીટીઝનની સેવા કરવાના કોર્સ અંગે માહિતી આપી તે અંગેની પુસ્તિકાનું વિમોચન કરાવ્યું હતું. જેમાં સિનિયર સિટીઝન હેલ્થ આસિસ્ટન્ટ સર્ટિફિકેટ મેળવી વિદ્યાર્થીઓ આ સેવા કરી શકશે. કોવિડ કાળમાં આવા એકલા રહેતા વૃદ્ધ લોકોએ તેમની સેવા માટે નર્સની ડિમાન્ડ કરી હતી. જે પરથી આ નવો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર 1,000 લોકો દીઠ માત્ર 1.7 નર્સો છે.  તે WHO ના નિર્ધારિત લઘુત્તમ દર 3 ગણો ઓછો છે. WHO ના ધોરણોને પૂર્ણ કરવા માટે ભારતને 2024 સુધીમાં 4.3 મિલિયન વધુ નર્સોની જરૂર છે, આ જરૂરિયાતને પહોંચી વળવા 2021 માં કોલેજે કોર્સ સાથે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી કોર્સ (GNM) શરૂ કર્યો.  પ્રતિ બેચ 40 ની ક્ષમતા અને બીએસસી નર્સિંગ કોર્સની 60 સીટ ગુજરાતમાં નર્સની ખાલી જગ્યા ભરવામાં મદદ કરશે. કાર્યક્રમમાં કોલેજ ટોપર્સ અને યુનિવર્સિટી ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આ કોલેજમાં ખાસ કરીને કપરાડા, ધરમપુર અને ડાંગના આદિવાસી યુવક-યુવતીઓને નર્સિંગ ક્ષેત્રે આગળ વધવાની તક મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *