દેશભરમાં આંખોની સારવાર માટે અદ્યતન શાખાઓ ધરાવતી ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલની વધુ એક શાખા વાપીમાં ખુલી છે. વાપીમાં સોનોરસ બિલ્ડીંગ માં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ આ હોસ્પિટલનું રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, પદ્મશ્રી ગફુર બીલખિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
વાપીમાં ડો.અગરવાલ્સની પ્રથમ સુપર સ્પેશિયાલ્ટી આઈ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, ડૉ. આશિષ ગુસાની સાથે ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ શહેર અને આસપાસના વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે. લોકોને તેમની આંખની સારવાર માટે મુંબઈ કે સુરત સુધી જવું નહિ પડે. વાપીમાં જ આ અદ્યતન સાધનોથી સજ્જ હોસ્પિટલમાં ઓછા ખર્ચે શ્રેષ્ઠ સારવાર મેળવી શકશે. તેમજ અન્ય હેલ્થકેર સેવાઓ પુરી પાડવામાં સરકારના અભિયાનમાં જોડાય આવા અભિયાનમાં મહત્વનું યોગદાન આપશે.
આ પ્રસંગે પદ્મશ્રી ગફુર બીલખિયાએ તમામ તબીબોને અભિનંદન પાઠવી વધુ પ્રગતિ કરતા રહે સામાજિક જવાબદારી નિભાવી જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થતા રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તો, ડૉ. અગરવાલ્સ આઈ હોસ્પિટલ વાપીના હેડ ક્લિનિકલ સર્વિસીસ ડૉ. આશિષ ગુસાનીએ જણાવ્યું હતું કે, અમને આ હોસ્પિટલ્સ ગ્રૂપનો ભાગ બનવા પર ગર્વ છે. આ સેન્ટર ખાનગી ક્ષેત્રનું છે. પરંતુ તેમાં થતા ઓપરેશન માટે અદ્યતન થિયેટર અને આંખનું નિદાન કરવા લેટેસ્ટ ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમે ઓથેલ્મોલોજિસ્ટ્સની અનુભવી ટીમ ધરાવીએ છીએ , જેઓ મોતિયા, ગ્લુકોમા, રેટિનલ કોર્નીયલ, રિફ્રેક્ટિવ અને બાળકોની આંખોની બિમારીઓ જેવી આંખ ને લગતી વિવિધ સમસ્યાઓની કુશળ સારવાર કરીએ છીએ.
આઈ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શહેરના જાણીતા તબીબો, ઉદ્યોગપતિઓ, સમાજના શ્રેષ્ઠીઓ, નગરપાલિકાના પ્રમુખ, કારોબારી ચેરમેન, વાપી નોટિફાઇડના ચેરમેન સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.