રાજસ્થાનના ખાટું ધામ ખાતે બિરાજમાન આસ્થાના પ્રતીક સમા ખાટું શ્યામ બાબાની નિશાન યાત્રા અને સિંગડી યાત્રાનું દર વર્ષે ભક્તો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત વાપીમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા 28 અને 29 ડિસેમ્બરે 19 મી નિશાન અને સિંગડી યાત્રા સાથે ભજન સંધ્યા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે સંસ્થાના પાલીરામ સૈની એ વિગતો આપી હતી.
દર વર્ષે ડિસેમ્બર મહિનાના અંતિમ રવિવારે યોજાતા આ કાર્યક્રમ અંગે શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ દ્વારા વિગતો આપવામાં હતી. જેમાં શ્રી ખાટું શ્યામ પ્રચાર મંડલ વાપી દમણ સેલવાસના અધ્યક્ષ પાલીરામ સૈની એ વિગતો આપી હતી કે, 28 અને 29 ડિસેમ્બરે આ આયોજન કરવામાં આવ્યું છે. રાજસ્થાનના સુરજગઢના ખાટું ધામ ખાતે 4 દિવસીય મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારો ભક્તો ખાટું શ્યામ બાબાના દર્શને આવે છે. આ મહોત્સવમાં બાબા ની જ્યોતનો અને નિશાનનો અનેરો મહિમા છે. જેથી જે ભક્તો ખાતું ધામ દર્શને નથી જઇ શકતા તેઓ માટે વાપીમાં દર વર્ષે નિશાન અને સિગડી (જ્યોત) યાત્રાનું આયોજન કરી તેના દર્શનનો લાભ આપે છે.
આ વર્ષે વાપીમાં આ 19મો વાર્ષિક મહોત્સવ છે. જેમાં 28મી ડિસેમ્બરે બપોરે સુરજગઢ થી આવેલી સિગડીની વાપીના સિદ્ધનાથ મહાદેવ મંદિરેથી ભવ્ય યાત્રા નીકળશે. આ યાત્રા વાપીના નામધા રોડ સ્થિત બાબા રામદેવ મંદિરે આવશે. જેમાં હજારો ભક્તો જ્યોતના દર્શન કરવા સાથે આ યાત્રામાં જોડાશે. જેના બીજા દિવસે 29મી ડિસેમ્બરે સાંજે ભજન સંધ્યાનું અને રાત્રે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.
ભજન સંધ્યામાં જાણીતા ભજનીકો ભજનની રમઝટ બોલાવશે. આ મહોત્સવ માટે ખાટું ધામ સુરજગઢ દરબારના ભગત હજારીમલ ઇન્દોરિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. જેઓએ ખાટું શ્યામ બાબા કઈ રીતે કળિયુગના દેવ મનાય રહ્યા છે. મહાભારત યુદ્ધ દરમ્યાન તેમણે કેવા પરચા પૂર્યા હતાં. ભગવાન કૃષ્ણએ કેમ તેની પરીક્ષા લઈ શ્યામ નામ આપ્યું હતું. તેના ત્રણ તીર નું શુ મહત્વ છે. તે અંગે વિસ્તૃત જાણકારી ઉપસ્થિત બાબાના ભક્તોને આપશે.
ઉલ્લેખનીય છે કે વાપીમાં આયોજિત મહોત્સવ દરમ્યાન નામધા સ્થિત બાબા રામદેવ મંદિર પ્રાંગણમાં અંદાજિત 20 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. જેઓ ખાટું શ્યામ બાબાની અખંડ જ્યોત, ભવ્ય શૃંગાર ના દર્શન સાથે મહાપ્રસાદનો લાભ લઇ શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વાર્ષિક મહોત્સવમાં વાપી, સેલવાસ, દમણના ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લઇ શકે પોતાની માનતા બધા પુરી કરી શકે તે માટે ઉત્સાહભેર પધારવા અપીલ કરી હતી.