Sunday, September 8News That Matters

ખાન પરિવારની પહેલ:- વાપીના જીવાદોરી સમાન ROBનું કામ વહેલું પૂર્ણ થાય એ માટે બ્રિજ નિર્માણમાં જતી મિલકતને સ્વૈચ્છીક ખર્ચે દૂર કરી લોકોને રાહ ચીંધી

વાપીમાં છેલ્લા 2 વરસથી અધ્ધરતાલ રહેલા ROB નિર્માણના કાર્યમાં ખાન પરિવારે વાપીના અન્ય લોકોને રાહ ચીંધતુ કાર્ય કર્યું છે. આ પરિવારની 100 વર્ષ જૂની જમીન હાલ ROB ના નિર્માણમાં સંપાદન થઈ છે. જેની નોટિસ મળ્યા બાદ તેઓએ સ્વૈચ્છિક ખર્ચે જ પોતાની મિલકતનું બાંધકામ દૂર કરી આ ROB વહેલી તકે નિર્માણ થાય તેવી આશા સેવી છે.વાપીમાં RGAS હાઈસ્કૂલ સામે છેલ્લા 100 વર્ષથી ખાન પરિવાર વસવાટ કરે છે. હાલ આ પરિવારમાં અબ્દુલ વહાબ અબ્દુલ ગની ખાન અને મોહમ્મદ યુનુસ ખાન બન્ને ભાઈઓની સહિયારી મિલકત છે. રહેણાંક મકાન અને વ્યવસાયિક દુકાનો ધરાવતા આ પરિવારની મિલકતનો કેટલકો હિસ્સો વાપી માં નિર્માણાધિન રેલવે ઓવર બ્રિજમાં જતો હોય તેની જમીન સંપાદન કરવામાં આવી છે. જેને હાલ તેઓ પોતાના સ્વખર્ચે દૂર કરી રહ્યા છે.આ અંગે ખાન પરિવારના વડીલ અબ્દુલ વહાબ ખાને જણાવ્યું હતું કે, વાપીના આ ROBના નિર્માણ દરમિયાન તેમની જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં તેમને શરૂઆતમાં અસંતોષ હોય તે અંગે પ્રાંત ઓફિસમાં ચર્ચા કરી હતી. જમીન સંપાદન અંગે સમાધાનકારી નિર્ણય આવ્યા બાદ તેઓની કુલ આઠ મીટર જેટલી જમીન કપાતમાં જતી હતી. મકાન-દુકાન સાથેની આ મિલકતનું ડિમોલિશન કરવા માટે PWD તરફથી જમીનની 80 ટકા રકમ ચૂકવ્યા બાદ નોટિસ મળી હતી. જો કે, PWD મકાનનું ડિમોલિશન કરે ત્યારે તેમની આ 100 વર્ષ જૂની વડીલોપાર્જીત મિલકતને વધુ નુકસાન થઈ શકે છે. તેવી ભીતિ સેવાઇ હોય જાતે જ જમીન સંપાદનમાં જતો ભાગ પોતે સ્વૈચ્છિક રીતે દૂર કરવાનો નિર્ણય લીધો હતો. અને હાલ તેઓ જાતે જ JCB દ્વારા તે ભાગ દૂર કરી રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વાપીના વિકાસ માટે તેમનો પરિવાર હંમેશા તત્પર રહ્યો છે. આ ઓવરબ્રિજ વાપીના લોકો માટે જીવા દોરી સમાન બનશે. ત્યારે તે જેટલો વહેલો પૂર્ણ થાય તે આશા સાથે આ પહેલ કરી છે. આવી જ પહેલ અન્ય જે મિલકત ધારકો છે. જેઓની જમીન આ ઓવરબ્રિજમાં જાય છે. અને 80 ટકા રકમ મેળવી લીધી છે. તે તમામે પણ કરવી જોઈએ.ઉલ્લેખનીય છે કે 160 કરોડના ખર્ચે બની રહેલ વાપીનો આ રેલવે બ્રિજ વાપીવાસીઓ માટે જીવાદોરી સમાન મનાય છે. ઇસ્ટ-વેસ્ટને જોડતા આ બ્રિજનું નિર્માણ કાર્ય છેલ્લા 2 વર્ષથી ચાલી રહ્યું છે. જેને કારણે વાપીવાસીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે, આશા રાખીએ કે ખાન પરિવારની જેમ અન્ય જે મિલ્કતધારકો 80 ટકા રકમ મેળવી ચુક્યા છે તેઓ પણ પોતાની મિલકતો દૂર કરવા આગળ આવે. જો કે, આ પહેલમાં વાપીના જાણીતા કરોડપતિઓ, રાજકીય આગેવાનો જ જમીન સંપાદનમાં ગયેલી મિલકતો દૂર કરવા ટસ ના મસ થતાં નથી એ શરમજનક બાબત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *