ગુજરાતમાં ચૂંટણી સમયે ભાજપ પાર્ટી દ્વારા આયુષ્માન ભારત યોજનામાં મળતી 5 લાખની આરોગ્ય સહાયને 10 લાખ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સંઘપ્રદેશ DDDNH માં ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમી આ આયુષ્માન ભારત યોજનામાં 10 લાખ સુધીની સારવાર મળે તેવી NRI ગ્રુપ લંડન UK ના કન્વીનર કેશવ બટાકે પ્રશાસક પ્રફુલ પટેલને લેખિત પત્ર મારફતે રજુઆત કરી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ તેમજ લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલને સંઘપ્રદેશ માં કાર્યરત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના ‘આયુષ્માન ભારત’ વીમા યોજનાનો લાભ 5 લાખથી વધારીને 10 લાખ સુધી કરવા NRI ગ્રુપ લંડન UK ના કન્વીનર કેશવ બટાકે લેખિત પત્ર મારફતે રજુઆત કરી છે. લેખિત પત્રમાં કેશવ બટાકે અનુરોધ કર્યો છે કે, દાદરા નગર હવેલી અને દમણ અને દીવમાં ‘આયુષ્માન ભારત’ નો 5 લાખ સુધીનો જે લાભ મળે છે. તે લાભ ગુજરાતની જેમ 10 લાખ કરવામાં આવે. જેથી સંઘ પ્રદેશનાં લોકોને ઑપરેશન અને સારવારમાં વઘુ મોટી રાહત સાથે સહારો મળી શકે.
આ સાથે જ કેશવ બટાકે ‘આયુષ્માન ભારત’ સુરક્ષા કવચનો લાભ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન હોય દરેક જરૂરિયાતમંદ તેનો લાભ લઈ શકે તે માટે દરેક પંચાચતો, હેલ્થ સેન્ટરોમાં નોંધણી- રિન્યુઅલ સમયસર શરૂ થાય, આયુષ્માન ભારત યોજનાથી સંલગ્ન ગુજરાત-મહારાષ્ટ્રની ઘણી હૉસ્પિટલોમાં દમણના આયુષ્માન કાર્ડધારક લાભાર્થીઓમાના કેટલાકને સારવાર દરમિયાન કડવો અનુભવો થતો હોય આયુષ્માન ભારત યોજનાથી જોડાયેલ પ્રાઇવેટ હૉસ્પિટલોમાં આયુષ્માન કાર્ડધારક દમણ- દીવ- દાનહનાં લાભાર્થીઓને આનાકાની વગર સમયસર યોગ્ય સેવા આપે એવો બંદોબસ્ત કરવા, દમણની મરવડ સિવિલ હોસ્પિટલ અને સેલવાસની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરો અને પેરામેડીકલ સ્ટાફ દ્વારા દર્દીઓ અને તેમનાં પરિવારજનો સાથે સુમેળભર્યું વર્તન કરે તેવી વિનંતી પણ આ પત્ર મારફતે કરી છે.
પ્રશાસક પ્રફુલ પટેલને ઉદ્દેશીને લખેલ પત્રમાં કેશવ બટાકે નવા શરૂ થયેલ વર્ષ 2023ની અને મકર સંક્રાતિ ની શુભેચ્છા પાઠવી. દાનહ અને દમણ-દીવનાં વિકાસનાં ભગીરથ પ્રયાસોમાં નૈતિક સહયોગ પૂરો પાડી અનેક લોકહિતના કાર્યો કર્યા છે તે બદલ આભાર પ્રગટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સંઘપ્રદેશના ગરીબ દર્દીઓ માટે ખરા અર્થમાં આરોગ્ય કવચ પુરી પાડનારી યોજના બની છે. ત્યારે જો તેનો લાભ 10 લાખ સુધી કરવામાં આવે તો અનેક મોટી બીમારીઓમાં દર્દીઓને તેનો વધુ સારો લાભ મળી શકશે.