પશ્ચિમ રેલવે રૂટ પર મેગા બ્લોકને કારણે કર્ણાવતી એક્સપ્રેસમાં મુંબઈ જવા નીકળેલા યાત્રીઓને વાપી સ્ટેશનથી બીજી ટ્રેનમાં વ્યવસ્થા કરી આપવા સાથે યાત્રીઓને રિફંડ આપવામાં આવ્યું હતું. વાપી રેલવે સ્ટેશને એક કલાક સુધી ટ્રેન થોભ્યા બાદ આગળનો રૂટ ટર્મિનેટ કરવામાં આવ્યો હતો.
મહારાષ્ટ્રના વાંનગાવ અને દહાણુ રોડ વચ્ચે બ્રિજ એસી નંબર 166 અને 169 બ્રિજની કામગીરી ને લઈ રેલવે દ્વારા 8મી મેં ના મેગા બ્લોક અપાયો હતો. સવારે 6.30 થી બપોરે 2.30 સુધી અપાયેલ મેગા બ્લોક દરમ્યાન મુંબઈ અમદાવાદ જતી અને અમદાવાદ-મુંબઇ જતી 16 ટ્રેન કેન્સલ કરવામાં આવી હતી. જેમાં લાંબા રૂટની ટ્રેનોમાં 32 જેટલી ટ્રેનો અલગ-અલગ સ્ટેશન ઉપરથી ઉપાડી હતી

આ ટ્રેન વાપી, ભીલાડ, વલસાડ, નવસારી, સુરત જેવા સ્ટેશનથી ઉપડી હતી. જ્યારે મેગા બ્લોક પૂરો થતા 16 ગાડીઓ રેગ્યુલર દોડતી થઈ હતી. જો કે મેગા બ્લોક દરમ્યાન અમદાવાદ થી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસને વાપીમાં થોભાવી દેવામાં આવી હતી. અહીં એકાદ કલાક સુધી થોભાવ્યા બાદ મુંબઈ તરફનો રુટ ટર્મિનેટ કરાયો હતો. તેમજ જે યાત્રીઓ મુંબઈ જવા માંગતા હતા તેઓને સયાજી એક્સપ્રેસ સહિત અન્ય ટ્રેનમાં ટ્રાન્સફર કર્યા હતાં. જ્યારે પ્રવાસ ટૂંકાવનાર પ્રવાસીઓને વાપી રેલવે સ્ટેશન રિફંડ આપવામાં આવ્યું હતું. જે દરમ્યાન કેટલાક યાત્રીઓએ રેલવે સ્ટેશને પોતાની હૈયા વરાળ ઠાલવી હતી. જો કે વાપી રેલવે વિભાગે તમામ યોગ્ય વ્યવસ્થા કરી હતી.


