વલસાડ જિલ્લામાં નવા વર્ષની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા પ્રધાન અને કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ તેમના ઘરે નવા વર્ષનું સ્નેહમિલન યોજયું હતું. સ્નેહ મિલનમાં વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ સાથે મોટી સંખ્યામાં કપરાડા વિસ્તારના સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તમામે એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
ધારાસભ્ય અને પાણી પુરવઠા મંત્રી જીતુ ચૌધરી સતત ચાર ટર્મથી કપરાડા વિધાનસભા બેઠક પર ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. ત્યારે દર વર્ષે નવા વર્ષના દિવસે તેમના ઘરે નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું અયોજન કરે છે. આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં તેમના મત વિસ્તારના મતદારો, કાર્યકરો તેમને શુભેચ્છા પાઠવવા આવે છે. આ વર્ષે તેઓ રાજ્યના નર્મદા કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી તરીકેનો પદભાર સંભાળી રહ્યા છે. જેથી આ વર્ષે તેમના ઘરે અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જેમાં આ વર્ષે આદિવાસી વિસ્તારનું પરંપરાગત એવા ઘેર નૃત્યનું પણ આયોજન કરાયું છે.
સ્નેહ મિલન કાર્યક્રમમાં પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીના ઘરે ઘેરૈયાઓ ઘોર નૃત્ય કરી એક બીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરે છે. આ ઘેરૈયાઓ જે ઘરે જાય છે તેમને નવા વર્ષના આશીર્વાદ પાઠવે છે. યજમાન પરિવારો તેમને આવકારી અને તેમની પૂજા કરી યથાશક્તિ દાન-દક્ષિણા આપે છે. ચૌધરીએ પણ તેઓને દાન દક્ષિણા આપી નવા વર્ષના આશીર્વાદ મેળવ્યા હતાં.