Friday, January 31News That Matters

ચમચાઓની વાતોમાં કનુભાઈએ શહેરીજનોનું સાંભળ્યું નહિ! હવે, જે દહેશત શહેરીજનોને હતી તે સાચી ઠરી!

વાપીના ROB ને તોડી નવા ROB ની તૈયારીઓ આરંભવા સાથે જ વાપીના શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાના સુચારુ આયોજન અંગે વહીવટીતંત્ર સાથે કે પોલીસ તંત્ર સાથે સંકલન સાધી ડાયવર્ઝન ના ટ્રાફિક રહિત રૂટ નક્કી કરવાને બદલે અણઘડ વહીવટમાં ડાયવર્ટ રૂટ તૈયાર કરી ROB ને બંધ કરી દેતા તેના 2 દિવસમાં શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે.
વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા રેલવે ઓવર બ્રિજને ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે. જો કે, આ બ્રિજ બંધ થશે તો તે બાદ શહેરીજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરશે તેવી દહેશત શહેરીજનોમાં હતી. જે અંગે વલસાડના પારડી ના ધારાસભ્ય અને હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ એક જ સુચારુ આયોજન કરી શકે છે. પરંતુ કનુભાઈએ માત્ર તેમની આગળ પાછળ ફોટા પડાવવા ફરતા ચમચાઓની વાતો માની શહેરીજનોના કોઈ અભિપ્રાય લીધા નહિ. આ તરફ પાલિકાના સત્તાધીશોએ પણ માત્ર PWD, વહીવટીતંત્ર, પોલીસતંત્ર સાથે રહી સુચારુ આયોજન કરવાને બદલે ગુલબાંગો જ મારી હોય હવે હાલત એ થઈ છે કે, બ્રિજ ને બંધ કરી દીધા બાદ જુના રેલવે ફાટકે, બલિઠા ફાટકે, ગરનાળામાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
વાપીના ઇસ્ટ વેસ્ટમાં આવાગમન કરતા વાહનચાલકો, શહેરીજનો, શાળા-કોલેજે જતા વિદ્યાર્થીઓ, કામધંધે જતા કામદારો છેલ્લા 2 દિવસથી ટ્રાફિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જુના ફાટકે અને બલિઠા ફાટકે ટ્રેનના આવાગમન દરમ્યાન ફાટક બંધ કરી દેતા લાંબો ટ્રાફિક જામ થઈ રહ્યો છે. જેમાં આખરે શહેરીજનો અને પોલીસતંત્ર ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.
અધૂરામાં પૂરું વળી બસ સ્ટેશન પણ હાઇવે પર લઈ જતા બસમાં મુસાફરી કરતા 300 જેટલા રૂટના મુસાફરો પણ અટવાઈ રહ્યા છે. એક બ્રિજ વાપીની જનતા માટે કેટલો ઉપયોગી હતો. તેની પ્રતીતિ કરી જનતા માથું ફૂટી રહી છે. હાલમાં વાપી ટાઉનમાં તમામ મુખ્ય માર્ગો પર નાના વાહનોની ભરમાર ટ્રાફિક ની સમસ્યા વકરાવી રહી છે. તો, બસ સ્ટેશનને હાઇવે પર ખસેડાયા બાદ નેશનલ હાઇવે નંબર 48ના સર્વિસ રોડ પર બસોનું અને પેસેન્જર વાહનોનું આવાગમન વધતા અકસ્માતોની ભીતિ સેવાઈ છે. વાહનચાલકો ટ્રાફિકથી બચવા નૂતન નગર જેવા ઇન્ટરનલ રોડ પરથી નીકળી રહ્યા હોય વર્ષોથી શાંત આવા સોસાયટીઓના માર્ગ પર અવાજનું પ્રદુષણ વધ્યું છે.
જો કે હજુ પણ જો પાલિકા અને વહીવટીતંત્ર જયનગરના રોડ પર નિર્માણ પામનાર બ્રિજ, રેલવે ફાટક નજીક આકાર લેનાર અન્ડરપાસ, અતુલ સોસાયટી પાસે બનનાર અન્ડરપાસ, બલિઠા ફાટક પર બનનાર બ્રિજ, મોરાઈનો બ્રિજ આ બધા કામ રેલવે ROB ના નિર્માણ દરમ્યાન શરૂ કરશે તો ટ્રાફિક સમસ્યા વધુ વકરશે. જે માટે કનુભાઈ દેસાઈ આ હાલના તમામ ડાયવર્ટ રૂટ પર ચમચાઓને સાથે રાખ્યા વિના ફરે અને શહેરીજનોની આપવિતી સાંભળી સુચારુ આયોજન અંગે ગંભીરતાથી વિચારે તેવી આશા વાપીના શહેરીજનો સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *