Sunday, December 22News That Matters

ભુપેન્દ્ર પટેલની સરકારમાં પારડી વિધાનસભા ક્ષેત્રના કનુભાઈ દેસાઈ બન્યા બીજીવાર નાણા-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન 

વલસાડ જિલ્લાના પારડી વિધાનસભા ક્ષેત્રના ભાજપના ધારાસભ્ય કનુદેસાઈને ભુપેન્દ્ર પટેલની સરકારમા બીજી વખત સામેલ કરાયા છે. વર્ષ 2021-22 માં કનુભાઈ દેસાઈ નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગનો હવાલો સંભાળતા હતાં. અને આ બીજી ટર્મમાં પણ તેઓને એજ હવાલો સોંપયો છે. કનુભાઈ દેસાઈને કેબિનેટ પ્રધાન બનાવતા વલસાડ જિલ્લામાં ભાજપ અને કનુભાઈના અતરંગ વર્તુળ સમાન ઉદ્યોગકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
વલસાડ જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા આવેલી છે. જેમાં 180-પારડી વિધાનસભા હાલના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈનું વિધાનસભા ક્ષેત્ર છે. 43 ગામ અને વાપી શહેર તેમજ વાપી GIDC આ વિધાનસભા ક્ષેત્રમાં આવે છે. એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતી પારડી વિધાનસભા છેલ્લી 4 ટર્મથી ભાજપનો ગઢ બની છે. જેમાં સતત ત્રીજી વખતની 2022ની ચૂંટણીમાં કનુભાઈ દેસાઈ 96,982 મતની લીડ સાથે વિજેતા બન્યા છે. કનુભાઈ દેસાઈ 2021માં ભુપેન્દ્ર પટેલની સરકારમાં રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રાલયનો હવાલો સંભાળતા હતાં. જે 2022ની ચૂંટણી માં પણ યથાવત રહ્યો છે.
કનુભાઈ દેસાઈ 96,982 મતની લીડથી વિજયી બન્યા છે….
ડિસેમ્બર 2022માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં 180- પારડી બેઠક પર 6 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જે માટે કુલ 2,60,634 મતદારો પૈકી 1,65,685 મતદારોએ મતદાન કર્યું હતું. જેમાં ભાજપના ઉમેદવાર અને રાજ્યના નાણાં-ઉર્જા-પેટ્રોકેમિકલ્સ પ્રધાન કનુભાઈ મોહનલાલ દેસાઈને 1,21,743 મત મળ્યા હતાં. કોંગ્રેસના મહિલા ઉમેદવાર જયશ્રીબેન પટેલને 24,761 મત મળ્યા હતાં. આમ આદમી પાર્ટીના ઉમેદવાર કેતનભાઇ કિશોરભાઈ પટેલને 15,173 મત મળ્યા હતાં. 20 રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈ 96,982 મતની લીડથી વિજયી બન્યા હતાં. આ જીત તેમની ત્રીજી જીત હોય હેટ્રિક નોંધાવી છે.
2017માં કનુભાઈએ 52,086 મતની લીડ સાથે જીત મેળવી હતી……
પારડી વિધાનસભા વલસાડ જિલ્લામાં રાજનીતિના ચાણક્ય કહેવાતા કનુભાઈ દેસાઈનો મત વિસ્તાર છે. પારડી વિધાનસભામાં 43 ગામ તેમજ પારડી શહેર અને વાપી શહેર, વાપી GIDC નો સમાવેશ થાય છે. વર્ષ 2017 માં પારડી વિધાનસભા ક્ષેત્રમાં 1,16,520 પુરુષ મતદારો, 1,04,329 સ્ત્રી મતદારો મળી કુલ 2,20,849 મતદારો હતા. અને તે વખતે કનુભાઈ દેસાઈ જંગી મતોથી વિજયી બન્યા હતા. કોળી પટેલ, ધોડિયા પટેલ, ભંડારી પટેલ, હળપતિ સમાજ, દેસાઈ, જૈન, ટંડેલ, મુસ્લિમ તેમજ ઔદ્યોગિક વસાહતને કારણે સ્થાયી થયેલા ગુજરાતના અન્ય જિલ્લાના વિવિધ સમાજના લોકો, યુપી, બિહાર, રાજસ્થાન સહિત દેશના દરેક રાજ્યના લોકો અહીંના મતદારો છે. પારડી વિધાનસભાની વર્ષ 2017ની ચૂંટણી પહેલા વર્ષ 2012માં પણ અહીં કનુભાઈ દેસાઈ ધારાસભ્ય હતાં. 2017માં કનુભાઈ દેસાઈએ કુલ માન્ય મતોની સંખ્યા 1,53,178 માંથી 98379 મત મેળવી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ મોહનભાઈ પટેલને 52,086 મતોથી કારમી હાર આપી હતી.
કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં રાજકારણના ચાણક્ય કહેવાય છે…….
વર્ષ 2017ની એ ઐતિહાસિક જીત મેળવ્યા બાદ કનુભાઈ દેસાઈ ભાજપ સરકાર તરફથી ગુજરાતના નાણાપ્રધાનનો હવાલો સંભાળી ચુક્યા છે. લગાતાર 6 વર્ષથી વધુ સમય માટે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ પદે રહી ચૂકેલા કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લામાં રાજકારણના ચાણક્ય કહેવાય છે. તેમની આગેવાની હેઠળ જિલ્લાની તમામ 5 વિધાનસભા અને ડાંગ મળી 6 વિધાનસભામાં ભાજપનું કમલ ખીલવ્યું છે. કનુભાઈ દેસાઈ માટે કહેવાય છે કે પાછલા 10 વર્ષમાં તેમણે જેટલા વિકાસના કામોનું ખાત મુહરત કર્યું હતું. તેમાંના મોટાભાગના કામો નું લોકાર્પણ પણ તેમણે જ કર્યું છે. તેમના કાર્યકાળ દરમ્યાન વાપી GIDC માં અને શહેરી-ગ્રામ્ય વિસ્તારમાં સારા માર્ગનું નિર્માણ થયું છે. આરોગ્યક્ષેત્રે CHC-PHC ની સુવિધા, ટ્રસ્ટ દ્વારા ચાલતી હોસ્પિટલમોમાં દાતાઓનો સહકાર મેળવી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની સુવિધા સાથે સારવાર મળતી થઈ છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને ઊચ્ચ અભ્યાસ માટે ગુજરાતી-અંગ્રેજી માધ્યમની સરકારી-ખાનગી શાળા કોલેજોની સુવિધા આપવામાં હંમેશા આગળ રહ્યા છે.
વાપીની UPL કંપનીમાં કનુભાઈ સર્વેસર્વા છે……
વર્ષ 2012માં કનુભાઈ દેસાઈ ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા જ્યારે કોંગ્રેસ તરફથી હેમંત મનુભાઈ દેસાઈ ચૂંટણી લડ્યા હતા જેમાં કનુભાઈ દેસાઈ 84,563 મત મેળવી વિજેતા બન્યા હતા. કનુભાઈ દેસાઈના સામાજિક જીવનની વાત કરીએ તો કનુભાઈ વાપીની જાણીતી કંપની UPL માં કોર્પોરેટ અફેર્સમાં ડાયરેકટર હતાં. આ સમયગાળાથી તેઓ વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે સંકળાયેલ એડવાયઝર છે. વાપી ગ્રેન એન્વાયરો લીમીટેડ (VGEL) ના ડાયરેકટર છે. એ ઉપરાંત રોટરી ક્લબ જેવી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
બી-કોમ્ એગ્રીકલચર અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે……
કનુભાઈ નો જન્મ 3 ફેબ્રુઆરી 1951ના રોજ પારડી તાલુકાના ઉમરસાડી ગામે થયો હતો. તેઓ અનાવિલ બ્રાહ્મણ છે. તેમના પિતાનું નામ મોહનલાલ દેસાઇ હતું. કનુભાઈએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી બી-કોમ્ એગ્રીકલચર અને LLB સુધીનો અભ્યાસ કર્યો છે. હાલમાં કનુભાઈ દેસાઈ વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ સંકલ્પ કો-ઓ-હા સોસાયટીમાં રહે છે. અહીં કનુભાઈ દેસાઈ તેમની પત્ની ભારતીબેન દેસાઈ સાથે રહે છે. કનુભાઈ ને 4 પુત્રીઓ છે ચારેય પુત્રીના લગ્ન થઈ ચૂક્યા છે. ભુપેન્દ્ર પટેલની સરકારમાં તે 72 વર્ષના સૌથી વધુ ઉંમરલાયક કેબિનેટ પ્રધાન છે.
વાપી GIDC ના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરી અનેક પ્રોજેકટને ગતિ આપી છે……
2021માં નાણાપ્રધાનનો હવાલો સાંભળ્યા બાદ કનુભાઈ દેસાઈએ 2022માં તેમનું પ્રથમ ગુજરાત સરકારનું બજેટ રજૂ કર્યું હતું. અંદાજિત અઢી લાખ કરોડના આ બજેટમાં તેમણે અનેક પ્રોજેકટ માટે તેમજ સામાજિક વિકાસ, ખેડૂતલક્ષી, વ્યાપારલક્ષી બજેટ રજૂ કરી પ્રશંસા મેળવી હતી. નાણાપ્રધાનનો હવાલો સાંભળ્યા બાદ કનુભાઈ દેસાઈએ વાપી સહિત વલસાડ જિલ્લાના અનેક રૂંધાયેલા પ્રોજેકટને આગળ ધપાવ્યા છે. વાપી નોટિફાઇડ અને GIDC ને લગતા CETP ના વિસ્તરણ પ્રોજેકટ માટે, ફોરલેન રોડ માટે, બ્રિજ માટે ખાસ જોગવાઈ કરી મંજુર કર્યા છે. ત્યારે કનુભાઈ દેસાઈને ફરી એ જ મંત્રાલય મળતા વલસાડ જિલ્લામાં અને ઔદ્યોગિક ક્ષેત્રે અટકેલા અન્ય પ્રોજેકટને આગળ ધપાવી જિલ્લાની જનતાને વધુ સુવિધાઓ પુરી પાડશે. ઉદ્યોગોને નવી ઉંચાઈએ લઈ જવામાં મદદરૂપ બનશે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *