Sunday, December 22News That Matters

પ્રથમ નોરતે દુર્ગા પૂજા અંતર્ગત વાપીના હરિયા પાર્ક થી લવાછા શિવ મંદિર સુધી નીકળી કળશ યાત્રા

વાપીમાં છેલ્લા 10 વર્ષથી નવરાત્રી પર્વ દરમ્યાન નવ દુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પંડાલમાં દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી 151 મહિલાઓની વિશાળ કળશ યાત્રાનું આયોજન કર્યું હતું.  કળશ યાત્રામાં જોડાયેલ મહિલાઓએ લવાછા ખાતે રામેશ્વર મહાદેવ ના સાનિધ્યમાંથી વહેતી દમણગંગા નદીનું જળ કળશમાં ભરી લાવી પંડાલમાં સ્થાપન કર્યું હતું.
વાપીમાં સેવાકીય પ્રવુતિ ક્ષેત્રે અગ્રેસર રહેતા અનુગ્રહ સિંઘાણીયા દ્વારા આ વર્ષે પણ દુર્ગા પર્વનું આયોજન કર્યું છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે, નવદુર્ગા સેવા ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી વાપીમાં નવરાત્રી પર્વ દરમિયાન માતાજીની આરાધના માટે દુર્ગા મહોત્સવનું આયોજન કરે છે. આ મહોત્સવમાં દર વર્ષે 151 મહિલાઓ સાથેની કળશ યાત્રાનું આયોજન કરે છે. આ વર્ષે પણ હરિયા પાર્કમાં ઉભા કરેલા દુર્ગા માતાના પંડાલથી લવાછા ખાતે આવેલ રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાંથી વહેતી દમણ ગંગા નદીનું જળ કળશમાં ભરી પંડાલ ખાતે લવાયું હતું. કળશ યાત્રામાં મહિલાઓને સાડી, ચુંદડી સહિતની સામગ્રી પણ ટ્રસ્ટ દ્વારા નિશુલ્ક ઉપલબ્ધ કરાઈ હતી.
પંડાલમાં કળશ ભરેલા જળોનું સ્થાપન કરી હવન પાઠ કરી માતાજીની ભવ્ય પ્રતિમાને ભક્તોના દર્શન માટે ખુલ્લી મૂકવામાં આવે છે. આ મહોત્સવમાં નવ દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. દરરોજ 7 વાગ્યે હવન પાઠ કરવામાં આવે છે. આઠ વાગ્યે મહા આરતીનું આયોજન કરવામાં આવે છે. આ પર્વ હિંદુ સંસ્કૃતિ અને પરંપરાને જીવંત રાખતું પર્વ હોય દરેક સમાજના લોકો ઉપસ્થિત રહે તે પ્રકારે સાર્વજનિક વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે.
પંડાલમાં માતાજીની સાડા દસ ફૂટની ભવ્ય પ્રતિમા અને 151 કળશની સ્થાપના કરી તેમનું પૂજન અર્ચન કરવામાં આવે છે. દરરોજ 18 મહિલાઓ દ્વારા હવનમાં બેસી હવન કરવામાં આવે છે. નવ દિવસની ઉપાસના અને આરાધના બાદ અંતિમ નવમા નોરતે ભક્તિ ભાવ ભર્યા માહોલ સાથે ભવ્ય વિસર્જન યાત્રા નીકળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ નોરતાથી નવમા નોરતા સુધી માતાજીની ભક્તિ ભાવપૂર્વક આરાધના કરી નવમા નોરતે ભવ્ય વિસર્જન યાત્રા કાઢી હરિયા પાર્ક ખાતે આવેલ દમણ ગંગા ની ખાડીમાં માતાની પ્રતિમા નું અને 151 કળશનું વિસર્જન કરી નવરાત્રી પર્વનું સમાપન કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *