વલસાડ જિલ્લાના તિથલ બીચ ખાતે 20 ફૂટ ઊંચા મોજા ઉછળતા વહીવટી તંત્રએ બીચ પર સહેલાણીઓ અને ખાણીપીણીની લારીવાળાઓ પર પ્રતિબંધ ફરમાવી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે.
વલસાડ જિલ્લો અરબી સમુદ્રને અડીને આવેલ જિલ્લો છે. અહીં તિથલ-નારગોલ જેવા સુંદર રમણીય બીચ છે. જો કે હાલમાં ચોમાસાની સિઝન શરૂ થઈ હોય ભારે પવન સાથે દરિયો તોફાની બન્યો છે. મંગળવારે જેઠ પૂર્ણિમા હોય તિથલ બીચ પર 20 ફૂટ ઊંચા દરિયાઈ મોજા ઉછળ્યા હતાં. બીચ પર ઉછડેલા મહાકાય મોજા બીચ પરની પ્રોટેક્શન વોલ કુદાવી બીચ પર લગાવવામાં આવેલા લારીઓના મંડપને ભારે નુકસાન પહોંચાડ્યું હતું. ઉછળતા મોજાને જોઈને આસપાસના રહીશોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો.
જો કે દરિયામાં ભારે પવન સાથે 20 ફૂટ સુધી મોજા ઉછળી શકે છે તેવી હવામાન વિભાગની આગાહી બાદ વલસાડ વહીવટી તંત્રએ બીચ પર સહેલાણીઓ અને ખાણીપીણીની લારીવાળાઓ પર પ્રતિબંધ ફરમાવી પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો છે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના સમુદ્ર કાંઠે તોફાની પવન સાથે દરિયો ગાંડો થયો હોય તેના તોફાની મોજાને જોવા મોટી સંખ્યામાં સહેલાણીઓ જીવના જોખમે બીચ તરફ નીકળ્યા હતા જેઓને પોલીસે અટકાવ્યા હતાં. હજુ પણ આગામી બે ચાર દિવસ આવા જ મોજાં ઉછળતા રહેવાના હોય તંત્ર એલર્ટ મોડમાં છે.