Thursday, January 30News That Matters

जिसका कोई नही उसका तो खुदा है यारो…. પુરમાં ઘર વિહોણા બનેલા દિવ્યાંગ વડીલને દાનની રકમમાંથી બનાવી આપ્યું ઘરનું ઘર!

ભગવાન દરેક પાસે નથી પહોંચી શકતો પણ દરેક માટે કોઈને કોઈ રસ્તો જરૂર બનાવી દે છે. જે વાક્યને સાર્થક કરતુ ઉદાહરણ વલસાડની સેવા મિત્ર મંડળ નામની સંસ્થાએ સાર્થક કરી પુરમાં ઘર વિહોણા બનેલા વડીલને દાનની રકમમાંથી ઘર બનાવી પોતાના ઘરના ઘરનો આશરો પૂરો પાડ્યો છે.
આંખે અંધ એવા બાબુભાઇ માટે હાલત ન ઘરના કે ઘાટના જેવી થઈ હતી…..
વાત જાણે એમ છે કે, વલસાડ જિલ્લામાં વરસેલા ભારે વરસાદમાં અનેક વિસ્તારોમાં તારાજી સર્જાઈ હતી. જેને લઈ અનેક લોકો પ્રભાવિત થયા હતા. અનેક પરિવારોએ પોતાના નો સરસામાન ગુમાવ્યો હતો. તો એક દિવ્યાંગ વડીલે તેમનુ ઝુંપડી જેવું ઘર ગુમાવ્યું હતું. વલસાડ હનુમાન ભાગડાના રહેવાસી બાબુભાઇ સોમાભાઈ રાઠોડ દિવ્યાંગ હોય એકલા રહેતા હતાં. જેમનું ઘર જમીનદોસ્ત થતા હાલત કફોડી બની હતી. તહસનહસ થયેલા ઘરમાં કાદવ કીચડ ભરાયો હતો. આંખે અંધ એવા બાબુભાઇ માટે હાલત ન ઘરના કે ઘાટના જેવી થઈ હતી. જેને જોઈ બાજુમાં રહેતા દીપક ટંડેલનું હૃદય દ્રવી ઉઠ્યું હતું. તે દરરોજ એમની દેખરેખ રાખી ચા-પાણી-જમવાનું પૂરું પડતા હતા. પણ ઘરની નાજુક સ્થિતિ માટે લાચાર હતા.
વડીલને ઉમળકાભેર ગૃહપ્રવેશ કરાવી શુભેચ્છા પાઠવી….
આ અંગે સ્થાનિક સેવાભાવી સંસ્થા સેવા મિત્ર મંડળને જાણ થતા સભ્યોએ આ ભગીરથ કામનું બીડું ઉપાડ્યું હતું. સેવા મિત્ર મંડળે દાતાઓનો સંપર્ક કર્યો અને દાતાઓએ પણ એમને નિરાશ ન કર્યા આ તબ્બકે વલસાડ પી.આઈ ડી.એમ.ઢોલ પણ સેવાના આ કાર્યમાં ભાગીદાર બન્યા. ઘટતી મદદમાં પોતાનો ફાળો આપ્યો હતો. સેવા મિત્ર મંડળને અનેક દાતાઓ દ્વારા જરૂરિયાત મુજબ અનેક સાધન સામગ્રી પહોંચાડવામાં આવી હતી. જેના થકી દિવ્યાંગ વડીલનું ઘર તૈયાર કરવામાં આવ્યું છે. આ તબક્કે વલસાડ જિલ્લાના ડી.વાય.એસ.પી પણ આ ભગીરથ કાર્યને બિરદાવવા ખાસ ઉપસ્થિત રહી બાબુભાઇના નવા ઘરની રિબન કાપી, નારિયળ વધેરી વડીલને ઉમળકાભેર ગૃહપ્રવેશ કરાવી શુભેચ્છા પાઠવી હતી.
ગણતરીના દિવસોમાં આ સેવાનું કાર્ય પાર પાડ્યું….
ઉલ્લેખનીય છે કે, સેવા મિત્ર મંડળ છેલ્લા ઘણા વર્ષોથી સેવાના અનેક ઉમદા કાર્યો કરી રહ્યા છે. જેઓએ જણાવ્યું હતું કે, સેવા મિત્ર મંડળે ફક્ત પોસ્ટ મેનની ફરજ બજાવી છે. સાચા સેવક તો દાતાઓ છે જેમના દ્વારા એમને મદદરૂપ બની ગણતરીના દિવસોમાં આ સેવાનું કાર્ય પાર પાડ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *