Friday, January 31News That Matters

સંઘ પ્રદેશ દમણના જામપોર અને દેવકા દરિયા કિનારે કલમ 144 લગાવતા દરિયો સુમસામ

સંભવિત બીપરજોય વાવાઝોડાને પગલે દરિયામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે દમણ પ્રશાસન દ્વારા બીચ વિસ્તારમાં કલમ 144 લગાવી અવરજવર માટે પ્રતિબન્ધ ફરમાવ્યો છે. જેને લઈને દરિયો પ્રવાસીઓના કલશોરથી સમી ગયો હતો. જ્યારે સુસવાટા મારતા પવન અને ઘૂઘવતા મોજાને દરિયો ગાંડોતૂર બન્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં.

સંઘપ્રદેશ દમણની સહેલગાહે આવતા પર્યટકો અને અન્ય સ્થાનિક લોકોના જીવ દરિયામાં ઉતરવાથી જોખમમાં મૂકતા હોવાની સ્થિતિ ને જોતા દમણના કલેકટર પ્રિયાંશું સિંઘ દ્વારા આગામી 15 જૂન સુધી દેવકા અને જામપોર દરિયા કિનારા પર લોકોની અવરજવર પર રોક લગાવી કલમ 144 લગાવી દીધી છે. સાથે બંને દરિયા કિનારાના બીચ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

બીપરજોય વાવાઝોડું જેમજેમ દરિયા કાંઠા તરફ નજીક આવી રહ્યું છે તેમ તેમ ગુજરાતના પશ્ચિમી તટ સહીત દમણનો દરિયો સામાન્ય દિવસોની સરખામણીમાં વધારે તોફાની બની રહ્યો છે. દમણ પ્રશાસને સાવચેતીના ભાગરૂપે દમણના દરિયા કિનારે 3 નંબરનું ભયસુચક સિગ્નલ લગાવ્યું છે. દમણ પ્રશાસન દરિયા કિનારામાં ઉદભવતી પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખી રહ્યું છે. સામાન્ય દિવસો કરતા આજે દમણના દરિયામાં ભારે ઊંચા મોજા ઉછળ્યા હતા.

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અગાઉથી જ દરિયા કિનારે 144મી કલમ લગાવવા સહીત પર્યટકો અને માછીમારોને દરિયા કિનારાથી દૂર રહેવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જેથી હંમેશા પ્રવાસીઓથી ધમધમતો દમણનો તોફાની દરિયો આજે સુમસામ બન્યો હતો.

144ની કલમના આદેશનો જે કોઈ પણ વ્યક્તિ ઉલ્લંઘન કરી દરિયામાં જવાનો પ્રયાસ કરશે તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે, ડીએમસી પ્રમુખ અસ્પી દમણિયા, ભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશ ટંડેલ અને જિલ્લા પંચાયતના પદાધિકારીઓએ પ્રશાસનિક અધિકારીઓ સાથે મળીને દમણના દરિયા કાંઠાનું નિરીક્ષણ હાથ ધર્યું હતું, તેમજ દરિયા કાંઠે ઉપસ્થિત સહેલાણીઓને કિનારાની નજીક ન જવા અને વાવાઝોડા સમયે સાવધાની રાખવાની સૂચનાઓ આપી સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો,

પ્રશાસન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને રિલીફ શેલ્ટર, એમ્બ્યલૂન્સ, ફાયર, હેલ્થ સહિતની તૈયારી પુરી કરી દેવામાં આવી છે, વાવાઝોડાની અસરને લઈને છેલ્લા 4 દિવસથી દમણના દરિયા કાંઠે ઉછળતા મોજાઓ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે દમણના આખા દરિયા કિનારે પોલીસની એક ટીમ લગાતાર પેટ્રોલિંગ કરી રહી છે,

પોલીસ તંત્ર દ્વારા દરિયા કિનારાની નજીક જતા લોકોને કાંઠાથી દૂર કરવાનું કાર્ય હાથ ધરી રહી છે, આ સાથે પ્રશાસને હોટેલ એસોસિયેશનને પણ તેની હોટલોમાં રોકાતા પ્રવાસીઓને દરિયા કિનારે ન જવા માટે એક એડવાઈઝરી જાહેર કરવાની સૂચના આપી દીધી છે, તો ત્રણેય પ્રદેશોમાં રહેતા લોકોને પ્રશાસન દ્વારા વાવાઝોડાની પરિસ્થિતિ માં કેવી તકેદારીઓ રાખવી તે અંગેના સંદેશાઓ મોકલી આપ્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *