Friday, January 31News That Matters

રામનવમીના પાવન પર્વ પર વાપીમાં જય શ્રીરામ ના નારા, કેસરી ધજાપતાકા સાથે નીકળી શોભાયાત્રા

વાપીમાં બે વર્ષ બાદ રામ નવમીએ માર્ગો ઉપર ભગવાન શ્રીરામની ભવ્ય પ્રતિમા સાથે વિશાળ શોભાયાત્રા નિકળી હતી. હાથમાં કેસરી ધજા, બાઇક, કાર રેલી અને ડીજેના તાલે જય શ્રીરામનો ગુંઝતો નાદ શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં. સવારે 10 વાગ્યાથી વાપીના અલગ અલગ સંગઠનો દ્વારા અલગ અલગ વિસ્તારમાંથી કરેલા શોભાયાત્રાના આયોજનો રાત્રીના 8 વાગ્યા સુધી ચાલ્યા હતાં. અને રાત્રે ભગવાન શ્રીરામ ની આરતી સાથે સંપન્ન થયા હતાં.

વાપીમાં રવિવારે રામનવમી નિમિત્તે શહેરભરમાં વિવિધ હિન્દૂ સંગઠનો દ્વારા રામલલ્લાનો જન્મોત્સવ ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. શ્રીરામની 13 ફૂટ ઊંચી શણગારેલી પ્રતિમા સાથે તો, ક્યાંક શણગારેલા રામરથ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જેમાં VHP, ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનના નેતાઓ જોડાયા હતાં. વાપી પંથકમાં રામનવમીના તહેવાર નિમિત્તે છેલ્લા બે વર્ષથી કો૨ોનાની મહામારીને કારણે યાત્રા કે તહેવાર માત્ર સાદાઈથી ઉજવણી કરવામાં આવતી હતી પરંતુ આ વખતે કોરોનાની મહામારી કાબુમાં રહેતા જ વાપી પંથકમાં પાંચથી વધુ સ્થળેથી શોભાયાત્રાનું આયોજન વિવિધ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું.

વાપી ગીતાનગર, વાપી-ટાઉનના હનુમાન મંદિર, વાપી જીઆઈડીસી ગુંજન, ડુંગરા, ડુંગરી ફળિયા તથા વાપીના ચલા વિસ્તારમાં ભગવાન શ્રીરામની પાલખી યાત્રા અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતાં. આ યાત્રાનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અનેક સ્થળે ઠંડા પાણી, સરબત અને છાશનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં બાળકો અને યુવતિઓ તથા યુવાનો વિવિધ ભગવાનના વેશ ધારણ કરીને આવ્યા હોય આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતાં.

ડુંગરા કોલીની વિસ્તારમાંથી નીકળેલી ભવ્ય પ્રતિમા સાથેની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં રામભક્તો જોડાયા હતા. કોઈ બાઇક પર ધજા લહેરાવતા હતા તો કોઈ કારના બોનેટ પર ચડી જયશ્રીરામ ના નારા લગાવતા હતાં. DJ ના તાલ સાથેની આ શોભયાત્રા માં અંદાજિત 25 હજાર લોકો જોડાયા હતા જેને જોવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટ્યા હતા અને રાત્રીના 8 વાગ્યે અંબામાતા મંદિરે રામ ની આરતી સાથે રામનવમી ઉત્સવ સંપન્ન થયો હતો. આખો દિવસ વિવિધ માર્ગો પર શોભાયાત્રા ફરી હોય આખું શહેર કેસરિયા રંગે રંગાયું હોવાનો એહસાસ શહેરીજનો એ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *