23 જૂન આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે તેમના હક્ક અને અધિકાર અંગે વિશ્વભરમાં કાર્યક્રમોનું આયોજન થાય છે. ત્યારે, ગુજરાત સરકાર દ્વારા વિધવા બહેનો આર્થિક રીતે પગભર બને તે માટે દર મહિને 1250ની સહાય ચૂકવે છે. જે મુજબ વલસાડ જિલ્લાની 38703 વિધવા બહેનોને મહિને 4,83,78,750 કરોડની સહાય ચૂકવવામાં આવી રહી છે.
પતિના અવસાન બાદ વિધવા બહેનો નિરાધર ન રહે અને સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે સરકાર દ્વારા વિધવા બેહેનોને દર મહિને ચોક્કસ રકમની સહાય ચૂકવવામાં આવે છે. જીવનસાથીના મૃત્યુ બાદ મોટેભાગની વિધવા મહિલાને ઘર-પરિવાર કે સમાજ તરફથી ઘણુ સહન કરવું પડતું હોય છે. ત્યારે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તેમના અધિકારોના ઉલ્લંઘન વિશે વૈશ્વિક સ્તરે જાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.
વલસાડ જિલ્લામાં વર્ષ 2017માં માત્ર 6557 લાભાર્થી હતા જે વધીને વર્ષ 2022માં અત્યારે 38703 થયા છે. જે આંકડો ગુજરાત સરકારની યોજનાનો લાભ દિવસે દિવસે વધુને વધુ સંખ્યામાં જરૂરીયાતમંદોને મળી રહ્યો છે.
સામાજિક માનસિકતામાં પરિવર્તન આવે તે માટે પુનઃ લગ્નનો સમાજ દ્વારા સાહજિકપણે સ્વીકાર થાય તે માટે સરકાર દ્વારા ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના પણ અમલમાં મુકી છે જે મુજબ મહિને 1250ની સહાય મેળવનાર વિધવા બહેન આ યોજના માટે પણ પાત્રતા ધરાવે છે. તેઓ પુનઃ લગ્ન કરે તો 25000 રૂપિયા સીધા મહિલાના ખાતામાં જમા કરવામાં આવે છે અને બાકીના 25000 રૂપિયા રાષ્ટ્રીય બચત પત્ર તરીકે સહાયમાં આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 6 વિધવા બહેનોએ આ લાભ લીધો છે.
વલસાડ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના કુલ લાભાર્થી 38703 છે જે પૈકી સૌથી વધુ વલસાડ તાલુકામાં અને સૌથી ઓછા ધરમપુર-કપરાડા તાલુકામાં હોવાથી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ ઈનેસેટીવ લઈને સરકારની યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે વનિતા વિશેષ પ્રોગ્રામ અમલમાં મુક્યો છે. જે મુજબ ધરમપુર-કપરાડા તાલુકામાં જનજાગૃતિ માટે દર બુધવારે 10 ગામના એક કલસ્ટર દીઠ કેમ્પ કરવામાં આવે છે. જ્યાં સ્થળ પર જ બહેનોને લાભ આપવાની સાથે જાગૃત કરવામાં આવે છે.
વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી કે.એ.ગિરાસેએ જણાવ્યું કે, સરકારની ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની સહાય મેળવવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 હોવી જોઈએ. અરજી કર્યા બાદ લાભાર્થીને 2 માસની અંદર સહાય સીધી તેમના પોસ્ટ ખાતામાં મળી જાય છે.
છેલ્લા પાંચ વર્ષમાં ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ તાલુકાવાર લાભાર્થીઓની સંખ્યા
વર્ષ લાભાર્થીઓ વલસાડ :- 13719
2017 6557 ધરમપુર :- 4381
2018 6696 વાપી :- 3295
2019 7214 પારડી :- 6695
2020 16715 કપરાડા :- 2912
2021 35381 ઉમરગામ :- 7701
2022 38703 કુલ :- 38703
ઉલ્લેખનીય છે કે, સરકારે વિધવા મહિલાઓને સમાજમાં સન્માન મળે તે માટે વિધવા તરીકે નહીં પણ ગંગા સ્વરૂપા તરીકે નામ આપી આપ્યું છે. જેઓને શરૂઆતમાં 750 રૂપિયા ત્યારબાદ 1000 રૂપિયા અને હવે સહાયની રકમમાં વધારો કરી 1250 રૂપિયાની માસિક સહાય ચૂકવવામાં આવી રહી છે. જે રકમ ગંગા સ્વરૂપા બહેનોના પોસ્ટ ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. આ અંગે પહેલા એવી શરત હતી કે, વિધવા બહેનનો પુત્ર 21 વર્ષનો થાય એટલે સહાય બંધ કરી દેવાની પરંતુ સરકારે આ બાબતનું ખાસ ધ્યાન રાખી આ શરતને જ રદ કરી નાંખી છે. હવે તેઓને આજીવન સહાય મળી રહે છે.