ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, આચારસંહિતા હેઠળ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન ના થાય, દારૂ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ના થાય તે માટે વલસાડ જિલ્લાની સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી ચેકીંગ હાથ ધરાયુ છે. જે અંતર્ગત વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની સરહદ પર આવેલ ભિલાડ ચેકપોસ્ટ પર 40 જેટલા જવાનો 24 કલાક ખડેપગે તૈનાત રહી વાહનોનું ચેકીંગ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લાના ભિલાડ અને મહારાષ્ટ્ર ના પાલઘર જિલ્લાને જોડતી ભિલાડ ચેકપોસ્ટ પર હાલ વાહનોની લાંબી કતારો લાગી રહી છે. અહીં વલસાડ પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાયુ છે. ચેકીંગ દરમ્યાન એકાદ બે દારૂની હેરાફેરીને બાદ કરતાં કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવુતિ પકડાઈ નથી. જો કે ભિલાડ ચેકપોસ્ટ પર મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું ચેકીંગ હાથ ધરાયુ હોય વાહનચાલકોમાં સમયના વેડફાટનો ગણગણાટ તો ગુન્હાખોરી સાથે સંકળાયેલ વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે.
આ અંગે મળતી માહિતી મુજબ હાલ ભિલાડ ચેકપોસ્ટ ખાતે જિલ્લાના 40 જેટલા પોલીસ જવાનો, હોમગાર્ડ, GRDને 24 કલાક સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ જવાનો દ્વારા મહારાષ્ટ્ર તરફથી આવતા તમામ વાહનોનું સઘન ચેકીંગ કરાઈ રહ્યું છે. ભિલાડ ચેકપોસ્ટ પર ચાલી રહેલ વાહનચેકીંગમાં દિવસ દરમ્યાન વાહનોની અવરજવર ઓછી હોય વાહનચાલકો ના વાહનોનું ચેકીંગ જલ્દી થઈ જતા અને કશુંજ વાંધાજનક ના લાગતા સમયની બરબાદી થતી નથી. પરન્તુ સવારે અને સાંજે વાહનોની લાંબી કતારો લાગી રહી છે.
ભિલાડ ચેકપોસ્ટ પર પોલીસ જવાનો દ્વારા તમામ વાહનો જેમાં કાર જેવા વાહનોની અંદર અને ડીકીમાં તપાસ કરી રવાના કરવામાં આવી રહ્યા છે. એ જ રીતે માલસમાન લઈને આવતી ટ્રક, કન્ટેઇનર કે પેસેન્જર બસમાં પોલીસ જવાનો ચોક્સાઇ સાથે ચેકીંગ કર્યા બાદ રવાના કરે છે. જો કે ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણી 2022ને લઈ આચારસંહિતા અમલમાં છે. ત્યારે, આચારસંહિતા હેઠળ ક્યાંય કાયદાનું ઉલ્લંઘન ના થાય, દારૂ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી ના થાય તે માટે વલસાડ જિલ્લાની સરહદી ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી ચેકીંગ હાથ ધરાયુ છે.
ચેકીંગ દરમ્યાન એકાદ બે દારૂની હેરાફેરીને બાદ કરતાં કોઈ અન્ય ગેરકાયદેસર પ્રવુતિ પકડાઈ નથી. તેમ છતાં પોલીસ જવાનો દ્વારા 2 પાળીમાં 24 કલાક ચાલતા સઘન ચેકીંગથી વાહનચાલકોમાં સમયના વેડફાટનો ગણગણાટ જોવા મળી રહ્યો છે. જ્યારે મહારાષ્ટ્રમાંથી દારૂ-ગાંજા જેવા નશીલા પદાર્થોની હેરાફેરીની ગુન્હાખોરીમાં સામેલ વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ અહીં ચેકીંગ દરમ્યાન એક લકઝરી બસમાંથી 102 બોટલ દારૂ મળી આવતા પોલીસે 10 લાખથી વધુનો મુદ્દામાલ અને 5 ઇસમોની અટકાયત કરી કડક કાર્યવાહી હાથ ધરી હતી.