Friday, October 18News That Matters

વાપીમાં રેલવે લાઇન પર ટ્રેન અડફેટે મોત ને ભેટેલા 2 યુવકોના મૃતદેહોને ઊંચકી ઇન્તેખાબ ખાનની ટીમે માનવતા મહેકાવી

વાપીમાં પશ્ચિમ રેલવે લાઇન પર બુધવારે 2 અલગ અલગ ટ્રેન અડફેટે 2 યુવકોના મોત થતા અરેરાટી ફેલાઈ હતી. અલગ અલગ સમયે અને અલગ અલગ સ્થળે ટ્રેન અડફેટે આવી મોતને ભેટેલા બન્ને ક્ષત વિક્ષત મૃતદેહોને વાપીમાં બિનવારસી લાશ ઉંચકતા ઇન્તેખાબ ખાનની ટીમે ઊંચકી એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ વાપી રેલવે સ્ટેશને અને ત્યાર બાદ સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલાવ્યા હતાં.

વરસતા વરસાદમાં બનેલ આ ઘટના દરમ્યાન રેલવે ટ્રેક પર ઘટના સ્થળ સુધી પહોંચવામાં ભારે મહેનત કરવી પડી હતી. ઇન્તેખાબ અને તેની ટીમે દોઢ કિલોમીટર સુધી ચાલીને જવું પડ્યું હતું. રેલવે ટ્રેક આસપાસ વરસાદી પાણી અને કિચ્ચડ હોય મૃતદેહને ઉંચકી ફરી દોઢ કિલોમીટર સુધી ચાલીને આવવું પડ્યું હતું. જે બાદ એમ્બ્યુલન્સ માં મૃતદેહને રવાના કરાવી માનવતાના દર્શન કરાવ્યા હતાં.

ઘટના અંગે મળતી વિગતો મુજબ બુધવારે વહેલી સવારે વાપી રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર પસાર થતી ટ્રેન અડફેટે એક યુવક આવી જતા મોતને ભેટ્યો હતો. જ્યારે બીજી ઘટના વાપી થી ઉદવાડા વચ્ચે બલિઠા નજીક ટ્રેન અડફેટે આવી જતા 38 વર્ષીય યુવક મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણકારી ઇન્તેખાબ ખાન અને તેમની ટીમને થતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે જઇ મૃતદેહોને ઉંચકી એમ્બ્યુલન્સ મારફતે વાપી ચલા સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતાં.

રેલવે પોલીસના જણાવ્યા મુજબ બન્ને મૃતકોના વાલી વારસ મળી આવ્યાં છે. મૃતકમાં એક 38 વર્ષીય યુવકનું નામ પરજીતસિંગ ગરીબ દાસ સિધ્ધુ છે. જે મૂળ પંજાબનો રહેવાસી હતો. જેના મૃત્યુની ખબર મળતા તેમના પરિવારજનો વાપી રેલવે સ્ટેશને પહોંચ્યા હતાં. અન્ય યુવકના પરિવારજનો પણ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા ત્યારે હોસ્પિટલ પર પહોંચ્યા હતાં. હાલ બન્ને ઘટનામાં રેલવે પોલીસના કર્મચારી ઇન્દુ બેન અને વિક્રમ સિંગ વધુ તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *