ગુજરાતના ગૌરવ તરીકે ઉમરગામ GIDC ને નામના અપાવવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) દ્વારા Umargam Industrial EXPO-2024 નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 14, 15 અને 16 ડિસેમ્બરના આયોજિત આ ત્રિદિવસીય EXPO નું રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ એક્સ્પોનો ઉદેશ્ય ઉદ્યોગ, ટેક્નોલોજી અને ઉદ્યોગોની નવીનતમ પ્રોડક્ટને એક જ પ્લેટફોર્મ પર રજૂ કરી તે અંગે વેપારીઓ, ઉદ્યોગકારો, દેશની જનતાને જાણકારી આપવાનો છે. અને ઉમરગામની વિશેષતાને આગવી ઓળખ પ્રદાન કરવાનો છે.
ઉમરગામ GIDC માં આવેલ પ્લેગ્રાઉન્ડ, GIDC કોલોની ખાતે હાલ આ એક્સપોના ડૉમ સહિતની તમામ સુવિધાઓની તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. જેને ભવ્ય બનાવવા UIA ટીમ સતત પ્રયાસ કરી રહી છે. આ EXPO ની ખાસિયત અંગે UIA પ્રમુખ નરેશ બાંથિયા અને તેની ટીમે એક પત્રકાર પરિષદ યોજી માહિતી પ્રદાન કરી હતી. તેમજ EXPO ની ચાલી રહેલી તૈયારીઓ અંગે સ્થળ વિઝીટ કરાવી હતી.
UIA પ્રમુખ નરેશ બાંથિયાએ આ EXPO અંગે જણાવ્યું હતું કે, ઉમરગામ GIDC 1967થી અસ્તિત્વમાં છે. જેમાં પ્રથમ વખત ભવ્ય Industrial EXPO નું આયોજન કરવામાં આવ્યું છે. આ EXPO માટે વિશાળ ડૉમ ઉભા કરવામાં આવ્યાં છે. જેમાં 170 જેટલા સ્ટોલ છે. દરેક સ્ટોલમાં ઉમરગામ GIDC સહિત વલસાડ જિલ્લો, દમણ, સેલવાસ અને સમગ્ર ભારતમાંથી જાણીતા ઉદ્યોગો તેમની પ્રોડક્ટને જનતા સમક્ષ પ્રદર્શનમાં મુકશે. જેને નિહાળવા માટે સમગ્ર ભારતના અંદાજીત 1 લાખ લોકો ઉપસ્થિત રહેવાના છે.
આ અનોખા Industrial EXPOના ઉદેશ્ય અંગે UIA પ્રમુખ નરેશ બાંથિયા એ વધુમાં જણાવ્યું હતું કે, ઉમરગામ GIDCના એકમો સ્ટેશનરી, મસાલા, એન્જિનિયરિંગ, પ્લાસ્ટિક, છત્રી અને વિવિધ પ્રકારની મશીનરી પ્રોડક્ટ તેમજ ઉત્પાદનનું મોટું હબ છે. જે તમામ ઉદ્યોગોની પ્રોડક્ટ અહીં ઉભા કરેલ સ્ટોલમાં પ્રદર્શિત થવાની છે. જે ઉમરગામની ઇન્ડસ્ટ્રીયલ હબ તરીકેની તાકાતનો પરચો બતાવશે. ત્યારે, આ તમામ ઔદ્યોગિક ઉત્પાદનો લોકો નિહાળે અને તે અંગે જાણકારી મેળવે તે દિશાનો પ્રયાસ UIA દ્વારા કરવામાં આવ્યો છે. લોકોની સુવિધા માટે ઉમરગામ રેલવે સ્ટેશને ત્રણ જેટલી સ્પેશિયલ ટ્રેનના સ્ટોપેજ માંગ્યા છે. જે રેલવે મંત્રાલય દ્વારા આપવામાં આવ્યા છે.
દરેક મોટી કંપનીઓએ તેમના ડીલર્સને આમંત્રણ આપ્યું છે. તો UIA દ્વારા પણ શાળા કોલેજના વિદ્યાર્થીઓ, સામાજિક સંસ્થાના કાર્યકરો, સમાજના અગ્રણીઓ, વેપારીઓને આમંત્રણ પાઠવ્યું છે. જેઓ અહીં પ્રદર્શિત તમામ કંપનીઓના ઉત્પાદનોને નિહાળશે. EXPO કુલ બે ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગમાં 600 લોકોની બેઠક વ્યવસ્થા સાથેનો AC ડૉમ છે જ્યાં એક્સપોના માનવંતા મહેમાનોનું સ્વાગત, પ્રવચન અને વિશેષ માર્ગદર્શનના સેમીનાર યોજાશે. તેમજ સાંજના સમયે મનોરંજનના કાર્યક્રમમાં પણ યોજાવવાના છે.
બીજા ભાગમાં દરેક કંપનીના સ્ટોલ ફૂડ કોર્ટને સમાવવામાં આવ્યા છે. એક્સપો માટે પાંચ એકરની વિશાળ જગ્યામાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સુરક્ષાને ધ્યાને રાખી મેડિકલ ટીમ, ફાયર ટીમ, એમ્બ્યુલન્સ સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. ડિસેમ્બરની 14, 15 અને 16 એમ ત્રિદિવસીય આ EXPO માં જિલ્લાની તમામ વિધાનસભાના ધારાસભ્યો, પંચાયત પ્રમુખ, રાજકીય આગેવાનો, મહારાષ્ટ્રના આગેવાનો ઉપસ્થિત રહેવાના છે. ગુજરાતના મુખ્યમંત્રીને પણ આમંત્રણ પાઠવ્યું છે તેઓ પણ કદાચ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે.
એક્સપોમાં પ્રખ્યાત નમન આનંદ દ્વારા મનોવૈજ્ઞાનિક જાદુ અને મનોરંજન પ્રદર્શિત થશે. જાણીતા પ્રેરક વક્તા હર્ષવર્ધન જૈન દ્વારા પ્રેરણાત્મક મોટિવેશનલ સ્પીચનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA) છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગોના વિકાસ માટે સક્રિયપણે કાર્યરત છે. આ એક્સ્પો દ્વારા એસોસિએશન ઉમરગામ અને આસપાસના વિસ્તારના ઉદ્યોગોને વૈશ્વિક મંચ પર લાવવાની પહેલ છે. જે ખરેખર આવકારદાયક છે. વાપી, સરીગામ GIDC ના એસોસિએશને પણ તેમાંથી પ્રેરણા લેવી જોઈએ.