વાપીમાં નગરપાલિકા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 13મી મેં શુક્રવારથી 22મી મેં 2022 સુધી IPL ની જેમ VPL (Vapi Premier League) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વાપી ક્રિકેટ ક્લબ આયોજિત આ VPL ટુર્નામેન્ટમાં વાપી તાલુકાની અલગ અલગ ક્રિકેટ ટીમમાંથી ઉત્તમ ખેલાડીઓની પસંદગી કરી 10 ટીમ તૈયાર કરવામાં આવી છે.
વાપી ક્રિકેટ ક્લબ દ્વારા વાપીમાં નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે 5 વર્ષથી IPL ની જેમ VPL ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં ઓક્શન ની જેમ ખેલાડીઓની પસંદગી કરવાને બદલે ચીઠ્ઠી ઉછાળી તાલુકાના બેસ્ટ પ્રતિભાવાન બેટ્સમેન, બોલર, કીપર, ફિલ્ડરની પસંદગી કરી ટીમ તૈયાર કરવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં આવા 14 ખેલાડી સાથેની 10 ટીમ તૈયાર કરવામાં આવી છે.
પ્રમુખ ગ્રુપ સ્પોન્સર્સ VPL ના શુભારંભ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ VCC ના સભ્યો, VPL ના ચેરમેન, સભ્યો, સ્પોન્સર્સ ની ઉપસ્થિતિમાં નારિયેળ ફોડી, ટોસ ઉછાળી ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કનુભાઈ દેસાઈએ જણાવ્યુ હતુ કે, ક્રિકેટ વ્યક્તિને જીવન જીવવાની કળા શીખવે છે. ક્રિકેટની ટીમ સ્પિરિટ થી દરેક વ્યક્તિ પરિવારમાં સમાજમાં કઈ રીતે તાલમેળ જાળવીને રહેવું જોઈએ તે શીખે છે. વાપીમાં 1936થી VCC ના પદાધિકારીઓ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી પ્રોત્સાહન પૂરું પાડે છે. આવી પ્રવૃત્તિ વિના વિધ્ને કરતા રહે તેવી આશા સાથે VPL ટુર્નામેન્ટ ના આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી.
ટુર્નામેન્ટ ના પ્રારંભ પ્રસંગે અભય શાહે VCC ની કામગીરી, ખેલાડીઓ ની અને ટીમની વિગતો આપી હતી. આ ટુર્નામેન્ટમાં વિવિધ સ્પોન્સર્સ દ્વારા વિજેતા ખેલાડીઓને રોકડ રકમને બદલે બાઇક, ટીવી, AC, ફ્રીજ જેવી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ ઇનામ તરીકે આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગ્રાઉન્ડ ને અદ્યતન બનાવવા હાલના બજેટમાં નાણાપ્રધાને 55 લાખની ગ્રાન્ટ ફાળવ્યા બાદ 53 લાખનું ટેન્ડર પણ મંજુર થયું છે. અને એકાદ મહિના બાદ ગ્રાઉન્ડને ડેવલપ કરવાની કામગીરી શરૂ કરાશે. ટુર્નામેન્ટ પ્રારંભે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ બેટિંગ કરી બેસ્ટમેનની ઝલક દેખાડતી બાઉન્ડરી ફટકારી હતી.