વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 73માં જન્મદિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7મા જરૂરિયાતમંદ અને ઘરવિહોણા પરિવારને વાપી નગરપાલિકાના ભાજપના સભ્ય દિલીપ યાદવ અને સતીશ પટેલ દ્વારા સ્વખર્ચે નવું મકાન બનાવી આપવાનું ખાતમુહરત રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17મી સપ્ટેમ્બરે જન્મદિવસ હોય. જેની ઉજવણીના ભાગરૂપે જરૂરિયાતમંદને મદદરૂપ થઇ શકાય તેવી ભાવના સાથે વાપી નગરપાલિકાના સભ્ય દિલીપ યાદવ સતત પાંચ વર્ષથી આ અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે. વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 7માં જ જન્મ બાદ યુવા વયે રાજકીય કારકિર્દી શરૂ કરનાર દિલીપ યાદવે પોતાના વિસ્તારમાં રહેતા અનેક લોકોને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ અપાવ્યો છે. ત્યારે, આ વિસ્તારમાં કેટલાક એવા ગરીબ પરિવારો પણ વસવાટ કરે છે. જેઓના ઘરના કોઈ પુરાવા ના હોય આવાસ યોજનાનો લાભ લઇ શકતા નથી. આવા જ એક વિધવા બહેન એવા 80 વર્ષના જસીબેન હળપતીના કાચા ઘરના સ્થાને પાકું ઘર બનાવી આપવાના નિર્ધાર સાથે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે ખાત મુહરત કરાવ્યું હતું.
વર્ષોથી કાચા ઝૂંપડામાં રહેતા આ વિધવા જસીબેનનો પરિવાર અહીં 100 વરસથી આ પરિસ્થિતિ ભોગવી રહ્યો છે. કાચા ઘરમાં ચોમાસા દરમ્યાન પડતા પાણીથી બચવા પ્લાસ્ટિક ઢાંકી વસવાટ કરે છે. ઘરમાં પાણી ભરાવાને કારણે અનેકવાર પરિસ્થિતિ દયનિય બની જાય છે. વિધવા મહિલાને એક નો એક દીકરો છે. જે પણ છેલ્લા પાંચ વર્ષથી લકવાગ્રસ્ત હાલતમાં છે. જેની આ દયનિય પરિસ્થિતિ જોઈ દિલીપ યાદવે 1 લાખ આસપાસના ખર્ચે તેને પાકું ઘર બનાવી આપવાનો સંકલ્પ સેવ્યો છે.
આ પરિવારને મદદરૂપ થવાની દિલીપ યાદવની ભાવનાને નાણાપ્રધા કનુભાઈ દેસાઈએ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસે જસીબેનને પાકું ઘર મળે તે માટે ઘરનું ખાત મુહરત કર્યું હતું. દિલીપ યાદવે જણાવ્યું હતું કે, નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ તે છેલ્લા પાંચ વર્ષથી જરૂરિયાતમંદ ઘરવિહોણાં ગરીબ પરિવારનું ઘર ના ઘરનું સપનું સાકાર કરી રહ્યા છે. આ તેમના દ્વારા સ્વખર્ચે બનનાર પાંચમું ઘર છે.
ઉલ્લેખનીય છે કે, દિલીપ યાદવ અને સતીશ પટેલ નામના આ બન્ને નગરસેવકે આ પહેલા આ જ વિસ્તારમાં 100 વર્ષથી ઝૂંપડામાં રહેતા એક ચમરીબેન નામના આદિવાસી મહિલા અને તેના અપંગ પુત્ર માટે, ગરીબ રતિલાલ પટેલના પરિવાર માટે તેમજ ગુલીબેન નામની મહિલાને પણ અંદાજિત 1 લાખ આસપાસના ખર્ચે ઘર બનાવી આપ્યું છે.