રિપોર્ટ- જાવીદ ખાં
વાપી : – વલસાડ જિલ્લાના વાપીમાં 5 દિવસ અગાઉ એક મહિલાના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી ભાગેલા અને એ ચેઇન વાપીના ડુંગરા ખાતે સોની વેપારીને વેંચવા નીકળેલા 2 રીઢા ચેઇન સ્નેચર અને સોનાની ચેઇન ખરીદનાર સોની સહિત ત્રણેય ઇસમોને વાપીની SOG ની ટીમે દબોચી લીધા છે. પકડાયેલ ઈસમો આ પહેલા પણ 11 જેટલા સ્નેચિંગ અને પ્રોહીબિશનના ગુન્હામાં સંડોવાયેલા રીઢા અપરાધી છે. પોલીસે તેમની પાસેથી 1,64,500 નો મુદ્દામાલ જપ્ત કરવા સાથે કુલ 6 ચોરીઓનો ભેદ પણ ઉકેલ્યો છે.
વાપીમાં દોઢેક મહિનાથી રાહદારીઓના ગળામાંથી સોનાની ચેઇન ખેંચી બાઇક પર ફરાર થઈ જતી સ્નેચિંગ ગેંગ સક્રિય થઈ હતી, જેમાં 15મી મેં ના વાપીમાં એક મહિલાના ગળામાંથી પણ સોનાની ચેઇન ખેંચી હોવાની ફરિયાદ નોંધાઇ હતી. જે અંગે જિલ્લા પોલીસવડાએ અપરાધીઓને ઝડપી પાડવા સૂચના આપી હતી. જે આધારે SOG ની ટીમને બાતમી મળી હતી કે વાપી નજીક ડુંગરા વિસ્તારના હરિયા પાર્કમાં તિરુપતિ જવેલર્સ નામની દુકાન ધરાવતાં ચંદ્રભાણ સિંહ ચૂડાવત નામના સોની વેપારી પાસે 2 ઈસમો જય અને પકીયો ચોરીનો માલ વેંચવા આવ્યાં છે. જે આધારે SOG ની ટીમે રેઇડ કરી તાત્કાલિક ત્રણેય ઇસમોની ધરપકડ કરી તેમની પાસેથી 54000 ની એક સોનાની ચેઇન, 5000 રૂપિયા રોકડા, 10,500 ના 3 મોબાઈલ, 1 લાખની બાઇક મળી કુલ 1,64,500 રૂપિયાના મુદ્દામાલ સાથે કુલ 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો હોવાનું DYSP વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.
DYSP વીરભદ્રસિંહ જાડેજાએ વધુમાં વિગતો આપી હતી કે પકડાયેલ ઈસમો રીઢા ગુનેગાર છે. આ પહેલા પણ વાપી અને સેલવાસમાં અલગ અલગ સ્થળોએ ચેઇન સ્નેચિંગ કરવી, દારૂની હેરાફેરી કરવી સહિતના 11 ગુન્હામાં પકડાઈ ચુક્યા છે. પકડાયેલ જયસિંહ ઉર્ફે જય અને પંકજ ઉર્ફે પકિયો બંને બાઇક પર નીકળતા હતાં. જેમાં બાઇકની નંબર પ્લેટ CCTV માં કેદ ના થાય એ માટે એક ઇસમ પાછળ ઉલટો ફરીને નંબર પ્લેટ આડે પગને આંટી મારીને બેસતો હતો. અને રાહદારીઓની ચેઇન સ્નેચિંગ કર્યા બાદ જે વિસ્તારમાં પોલીસના પોઇન્ટ ના હોય તેવા વિસ્તારમાંથી નાસી જતા હતાં.
DYSP જાડેજાએ સોનાની ચેઇન ખરીદનાર સોની વેપારી ચંદ્રભાણસિંહ ચૂડાવત અંગે જણાવ્યું હતું કે પકિયો અને જય જે ચેઇન ચોરી લાવતા તે ચેઇન તે ખરીદી કરતો હતો અને 70 ટકા લેખે રકમ ચૂકવતો હતો. તેણે હાલ એક ગુન્હો કબુલ્યો છે. અન્ય ગુન્હામાં તપાસ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે વાપી વિસ્તારમાં છેલ્લા એક દોઢ માસ દરમિયાન 6 જેટલા ચેઇન સ્નેચિંગના ગુન્હા બન્યા છે. જે ગુન્હાની કબૂલાત આરોપીઓએ કરી છે. પોલીસે ચેઇન સ્નેચિંગના ગુન્હામાં વધુ તપાસ માટે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી વાપી ટાઉન પોલીસને સુપ્રત કર્યા છે.