Meroo Gadhvi, Auranga Times
વાપીમાં આવેલ ચલા સોસાયટીમાં એક ગરીબ પરિવારની દીકરીએ લગ્ન બંધનમાં બંધાઈ ગૃહસ્થ જીવનમાં પગલાં પાડ્યા હતાં. આ દીકરીના માતાપિતા ગરીબ હોય દીકરીના લગ્નનો તમામ ખર્ચ મુસ્કાન NGO ની મહિલાઓએ ઉપાડ્યો હતો. જેઓએ નંદીની નામની આ ગરીબ દીકરીના સમીર નામના યુવક સાથે લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતાં. NGO ની બહેનો અને દાતાઓએ આ દંપતીને સુખી દામ્પત્ય જીવનના શુભ આશિષ સાથે વિદાય આપી હતી.
વાપીમાં મુસ્કાન NGO નામની સંસ્થા કાર્યરત છે. છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા મિશન ફૂટપાથ અભિયાન હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ આપવા સાથે તેમનો તમામ શૈક્ષણિક ખર્ચ ઉપાડે છે. તો, બીમાર અને સારવારની જરૂરિયાતવાળા ગરીબ બાળકોની સારવારનો ખર્ચ ઉપાડી સ્વસ્થ બનાવે છે. આ સંસ્થા વાપીના રીમાં કાલાણી નામની મહિલાએ શરૂ કરી હતી. જે બાદ તેમાં અન્ય મહિલાઓ જોડાતા આજે વટવૃક્ષ બની છે. શિક્ષા-સ્વાસ્થ્ય ક્ષેત્રે ગરીબ બાળકોના હોઠ પર મુસ્કાન લાવી રહી છે.
ગરીબ દીકરીના ધામધૂમથી લગ્ન કરાવ્યાના શુભ અવસરે મુસ્કાન NGO ના ફાઉન્ડર રીમાં કાલાણીએ જણાવ્યું હતું કે, તેમની સંસ્થા 12 વર્ષથી શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં કામ કરે છે. સંસ્થામાં તમામ કાર્યકરોમાં મહિલાઓ છે. જેઓ મિશન ફૂટપાથ હેઠળ ગરીબ બાળકોને શિક્ષણ આપવા સાથે તેમના ભણતરનો તમામ ખર્ચ ઉપાડી શિક્ષિત કરે છે. આવી જ એક ગરીબ દીકરી નંદીની છે. જેના ભણતરનો તમામ ખર્ચ આ સંસ્થાએ ઉપાડ્યો હતો. જે બાદ તેને કમ્પ્યુટર કલાસીસ કરાવી નોકરી અપાવી પગભર કરી છે.
મૂળ ઓરિસ્સાના પરિવારની દીકરી નંદીની જ્યારે પરણવા લાયક થઈ ત્યારે તેમના માતાપિતાએ સમીર નામના યુવક સાથે લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું. સમીર પણ મૂળ ઓરિસ્સાનો છે. વાપીના ચણોદમાં રહી તે વાપી GIDC માં અવેક કંપનીમાં નોકરી કરે છે. જો કે, બન્ને લગ્ન બંધને બંધાવા રાજી હતા પરંતુ નંદીનીનો પરિવાર લગ્નનો ખર્ચ ઉપાડી શકે તેવી સ્થિતિમાં નહોતો. આ વાત મુસ્કાન ગ્રુપને કરી એટલે તેઓએ આ બીડું ઝડપ્યું અને નંદિની-સમીરના ધામધૂમથી લગ્ન કરાવ્યા.
મુસ્કાન NGOના આ કાર્યમાં અન્ય દાતાઓ તરફથી સંપૂર્ણ સહકાર મળતા 9મી માર્ચે વાપીની ચલા સોસાયટીમાં લગ્ન મંડપની વેદીમાં લગ્ન કરાવી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતાં. આ પ્રસંગે આ લગ્નમાં સહકાર આપનાર તમામ દાતાઓ, મુસ્કાન NGO ની બહેનોએ નંદીની સમીરને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે, ગરીબ બાળકોને શિક્ષા અને સ્વાસ્થ્યમાં મદદરૂપ થનાર મુસ્કાન NGOએ આ પ્રથમ વખત દીકરીના લગ્નનો ખર્ચ ઉપાડ્યો છે. મિશન ફૂટપાથ હેઠળ આવા અન્ય બાળકો પણ છે જે આજે આ સંસ્થાની મદદથી શિક્ષણ મેળવી પગભર થયા છે. જેઓ પૈકી અન્ય કેટલાક લગ્નની ઉંમરે પહોંચ્યા છે. આવનારા દિવસોમાં એ યુવક-યુવતીઓના લગ્ન પણ મુસ્કાન NGO દાતાના સહકારથી કરાવશે તેવો સંકલ્પ લીધો હતો.
મુસ્કાન NGO એ દીકરીના લગ્નમાં દીકરીને સોનાનું મંગળસૂત્ર સહિત કાન, નાક, હાથ પગના સોનાચાંદીના આભૂષણો, ઘરવખરીનો સામાન સહિત જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ ભેટ આપી હતી. જે માટે દાતાઓ તરફથી મળેલા સહકાર બદલ તમામનો આભાર પ્રગટ કર્યો હતો.