વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 9ના કુંભારવાડ ફળિયાના લોકો પીવાના પાણી માટે ચાર વર્ષથી પરેશાન છે. 50 જેટલા પરિવાર વચ્ચે પાણીનો એક જ સરકારી નળ છે. જેમાં કલાક પૂરતું પાણી આવતું હોય અનેક પરિવાર પીવાના પાણી વિના રહી જાય છે. અહીં વધારાના કનેક્શન આપવા અનેક વખત રજુઆત કર્યા બાદ પણ હાલની ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્થાનિકોએ પૂરતું પાણી આપવા મોરચા સાથે પાલિકા ખાતે આવી પ્રમુખ સમક્ષ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
વાપી નગરપાલિકાએ હાલમાં જ ભારતમાં પાણી વિતરણ વ્યવસ્થાનું સુઆયોજિત વ્યવસ્થાપન માટે દેશનો પ્રથમ એવોર્ડ મેળવ્યો છે. જો કે આ એવોર્ડ મેળવનાર પાલિકાના વિસ્તારમાં જ છેલ્લા 4 વરસથી લોકો પાણી માટે ટળવળી રહ્યા છે. વાપી પાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં આવેલ કુંભારવાડના લોકોએ પાણી માટે મોરચો કાઢી પાલિકા કચેરીએ પાલિકા પ્રમુખ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સ્થાનિક મહિલાઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, કુંભારવાડમાં 50 જેટલા ઘર વચ્ચે એક સરકારી નળ છે. જેના લીધે પીવાનું પાણી પૂરું પડતું નથી. ઘણીવાર નગર પાલિકામાં રજુઆત કરી છે કે નળ કનેક્શન વધારવામાં આવે પણ પાલિકાના સત્તાધીશો ના પેટનું પાણી હલતું નથી. એટલે આખરે આમ આદમી પાર્ટીના વાપી શહેર મંત્રી ને આ અંગે ધ્યાન દોરતા તેમની આગેવાનીમાં તમામ મહિલાઓએ પાલિકા કચેરીએ આવી પાલિકા પ્રમુખ સાથે વાત કરી છે. હાલમાં તેમણે સ્થળ તપાસ કરી વધારાના કનેક્શન આપવાની ખાતરી છે.
ઉલ્લેખનીય છે કે, કુંભારવાડના રહીશો માત્ર પાણીની જ નહીં પરંતુ રસ્તા, ગટર, લાઈટ, સાફસફાઈની સમસ્યાથી પણ પીડાઈ રહ્યા છે. ત્યારે પાણી વિતરણ વ્યવસ્થામાં એવોર્ડ મેળવનારી વાપી પાલિકાના વોર્ડ નંબર 9માં પાણીની બુમરાણ ઉઠતા પાણીના સુદૃઢ વ્યવસ્થાપન એવોર્ડ પર પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. કે જો વોર્ડમાં પૂરતી પાણીની વ્યવસ્થા જ નથી તો આ એવોર્ડ ક્યાં આધારે મળ્યો,