Friday, October 18News That Matters

વાપીમાં LCB એ 12.69 લાખના દારૂ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી, ટેમ્પોમાં ઓલ્ડ યુઝડ સાયન્સ લેબ મટીરીયલ નોટ ફોર સેલ ના લેબલ મારેલા 304 બોક્ષમાં દારૂ ભર્યો હતો

ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની પ્રવુતિ સાથે સંકળાયેલ ઈસમો અજબગજબના કિમીયા વાપરતા હોય છે. આવી જ રીતે વપરાયેલ નકામા લેબ મટીરીયલનું ખોટું બિલ બનાવી તેની આડમાં 304 બોક્ષમાં મુંબઈના થાણેથી સુરતના કડોદરા જતા ટેમ્પોમાંથી પોલીસે 12,69,200 રૂપિયાનો દારૂ અને 5 લાખનો ટેમ્પો મળી કુલ 17,74,600 ના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


પૂંઠા ના બોક્ષમાં વ્યવસ્થિત પેક કરી સેલો ટેપ મારી માતબર દારૂ લઈ જવાની આ મોડ્સ ઓપરેન્ડી અંગે વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને વાપી GIDC પોલીસ મથકેથી વિગતો મળી હતી કે, LCB ની એક ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, મુંબઈના થાણેથી DD01-C-9021 નંબરના ટેમ્પોમાં દારૂ ભર્યો છે. જે નેશનલ હાઇવે નંબર 48 પરથી સુરત તરફ લઈ જવાય રહ્યો છે. આ બાતમી આધારે વાપી LCB ની ટીમે UPL ઓવર બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમ્યાન બાતમીવાળો ટેમ્પો આવતા તેને રોકી ડ્રાઈવરને પકડી ટેમ્પોમાં તપાસ કરી હતી. ટેમ્પોમાં 304 જેટલા પૂંઠા ના બોક્સ હતાં. દરેક બોક્ષ પર સેલો ટેપ લગાવી હતી. બોક્ષ પર સજ્જન ઇન્ડિયા લિમિટેડની મહોર મારી હતી. આ માલસમાનની બીલ્ટી હિન્દ લોજીસ્ટીક પેકર્સ એન્ડ મુવર્સના નામની હતી. જેમાં 172 કાર્ટૂન બોક્ષ માં ઓલ્ડ યુઝડ સાયન્સ લેબ મટીરીયલ નોટ ફોર સેલ લખ્યું હતું. બોક્ષ પર પણ આ પ્રકારનું લેબલ માર્યું હતું.

જો કે, આ બોક્ષને ખોલીને જોતા તેમાં લેબ મટીરીયલ ને બદલે મહારાષ્ટ્ર, દમણ, યુપી, MP ની બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તાત્કાલિક દારૂના જથ્થા સાથે ડ્રાઇવરની ધરપકડ કરી તમામ મુદ્દામાલ LCB કચેરીએ લાવી વધુ તપાસ માટે GIDC પોલીસને સુપ્રત કર્યો હતો. ટેમ્પોમાં કુલ 304 બોક્ષ હતાં. જેમાં 10,920 નંગ દારૂ બિયરની બાટલીઓ, ટીન નો જથ્થો હતો. જેની 12,69,200 રૂપિયાની કિંમત ગણીને તેમજ ટેમ્પોની 5 લાખની કિંમત ગણી કુલ 17,74,600ના મુદ્દામાલ સાથે ડ્રાઇવરની ધરપકડ કરી માલ ભરાવનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, દારૂના માતબર જથ્થા સાથે પકડાયેલ ટેમ્પો ડ્રાઇવરની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તે આ ટેમ્પોમાં બટાકા ભરી ભિવંડી ગયો હતો.  જ્યાં બટાકા ખાલી કરી તે વળતા ભાડાની રાહ જોતો હતો. ત્યારે, સાકીર નામના ટ્રાન્સપોર્ટરે તેને થાણેના પાંડે નામના ઇસમનો નંબર આપેલો. જેણે થાણેથી આ બોક્ષ ભરાવ્યાં હતાં. અને સુરત ના કડોદરા ખાતે એક ઇસમને ફોન કરી તે જ્યાં કહે ત્યાં ખાલી કરવા જણાવ્યું હતું. જો કે વલસાડ પોલીસના બાતમીદારોએ પોલીસને બાતમી આપી દેતા ઓલ્ડ યુઝડ સાયન્સ લેબ મટીરીયલ ના લેબલ હેઠળ ખોટા બિલ બનાવી ગુજરાતમાં ગેરકાયદેસર ઘુસાડાય રહેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

 

 

 

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *