વાપી, દમણ, ભિલાડ અને સરીગામ વિસ્તારમાં ધૂમ સ્ટાઇલમાં બાઇક પર આવી રાહદારીઓનાં મોબાઈલ ખેંચી તરખાટ માચાવતી ગેંગના 2 મોબાઈલ સ્નેચરો ને LCB ની ટીમે દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે અન્ય એક મોબાઈલ સ્નેચર ને વોન્ટેડ જાહેર કરી તેને પણ ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ LCB ની ટીમને બાતમી મળી હતી કે, વાપીમાં નેશનલ હાઇવે નંબર 48 પર ખોડિયાર હોટેલથી UPL બ્રિજ સુધીના રસ્તા પર એક પલ્સર બાઇક પર 2 યુવકો આંટાફેરા મારે છે. આ યુવકો રાહદારીઓનાં મોબાઈલ ફોન ખેંચી ભાગી જતી ગેંગના સભ્યો છે. આ બાતમી આધારે ખોડિયાર હોટેલ નજીક સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળી પલ્સર બાઇક નંબર GJ15-DS-2376 પર આવેલા 20-22 વર્ષના બે યુવકોને પોલીસની ટીમે દબોચી લીધા હતાં. જેઓની પાસેથી આધાર પુરાવા વગરના 9 હજારની કિંમતના ચોરી કરેલા 2 ફોન, 1 લાખનું બાઇક, 12000 રૂપિયા રોકડા મળી કુલ 1.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જે બાદ બને યુવકોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
પકડાયેલ બન્ને ઇસમોમાં એકનું નામ વિકાસ ઉર્ફે મેક્ષ ઉર્ફે ભૈયા રાજુ જયસ્વાલ છે. જે મૂળ યુપીનો રહેવાસી છે. અને હાલમાં વાપી નજીક આવેલ મોરાઈ ગામ ખાતે સાઈદર્શન રેસિડેન્સીમાં રહે છે. જ્યારે બીજા યુવકનું નામ ચેતન ઉર્ફે ચીનું વિક્રમસિંગ છે. જે મૂળ નેપાલનો છે. અને હાલમાં દમણના ડાભેલ વિસ્તારમાં આવેલ રમણની રૂમમાં રહે છે.
પોલીસે બન્નેને દબોચી લઈ પ્રાથમિક પૂછપરછ કરતા મૂળ યુપી ના ભૈયાએ જણાવ્યું હતું કે, તેમની પાસેથી મળેલો મોબાઈલ ફોન તેણે અને તેનો મિત્ર દેવરાજ નારાયણ શાહે 27મી જાન્યુઆરી ના ઇમરાન વિસ્તારમાં રસ્તા પર ફોન પર વાતો કરતા જતા એક રાહદારીના હાથમાંથી ઝુંટવ્યો હતો. જ્યારે બીજો મોબાઈલ નેપાળ ના ચિનુએ વાપી GIDC ના 40 શેડ વિસ્તારમાં ફોન પર વાતોમાં મશગુલ બની રસ્તા પરથી જતા રાહદારી પાસેથી છીનવી લીધો હતો. મોબાઈલ છીનવી બન્ને સ્નેચરો ધૂમ સ્ટાઈલમાં બાઇક પર નાસી છૂટ્યા હતાં.
પોલીસે હાલ આ બંને રીઢા મોબાઈલ સ્નેચરો ની ધરપકડ કરી તેના સાથીદારને વોન્ટેડ જાહેર કર્યો છે. તો, પોલીસ તપાસમાં આ બન્ને મોબાઈલ સ્નેચર રીઢા ગુનેગાર હોવાનું અને આ પહેલા પણ પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા હોવાની વિગતો મળી છે. આ યુવકો છેલ્લા ઘણા સમયથી વાપીમાં તેમજ દમણ, ભિલાડ, સરીગામ માં તરખાટ મચાવતા હતાં. યુવકો બાઇક પર આ વિસ્તારમાં આંટાફેરા મારતા હતાં. અને જેવો કોઈ રાહદારી ફોન પર વાતો કરતો જોવા મળે કે તરત ધૂમ સ્ટાઇલમાં બાઇક તેની નજીક લઈને જતા હતા જે બાદ પાછળ બેસેલ વ્યક્તિ રાહદારી નો મોબાઈલ ખેંચી લેતો હતો. મોબાઈલ ખેંચી લીધા બાદ બન્ને યુવકો પુરઝડપે બાઇક હંકારી નાસી જતા હતાં.
ત્યારે આખરે પોલીસે સતર્કતા બતાવી આ બંને રીઢા ગુનેગાર ને દબોચી લીધા છે. આ બન્ને રીઢા ગુનેગારના કારણે અનેક રાહદારીઓએ મોબાઈલ ગુમાવ્યા છે. અચાનક બનતી ઘટનામાં ઇજાગ્રસ્ત પણ થવું પડ્યું હશે તેવું અનુમાન લગાવી પોલીસ બન્ને મોબાઈલ સ્નેચર સહિત તેની ગેંગના અન્ય સભ્યોને પણ દબોચે અને કડકમાં કડક સજા કરે તેવી લોકમાંગ ઉઠી છે.