ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. સભાઓ, ડોર ટૂ ડોર ચૂંટણી પ્રચાર સાથે પક્ષોના ઉમેદવારો બાઇક રેલી કાઢી પ્રચારમાં જોડાયા છે. વાપીમાં પણ પારડી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કનું દેસાઈએ ખુલ્લી જીપ માં સવાર થઈ ભવ્ય બાઇક રેલીનું આયોજન કર્યું હતું. જો કે બાઇક રેલીમાં કેસરિયા કલરની મોદીના ફોટો સાથેની હેલ્મેટ પણ સુરક્ષા ના ભાગ રૂપે કાર્યકરો કમ બાઇક સવારોને અપાઈ હતી. પરંતુ શરમના માર્યા મોટા ભાગના કાર્યકરોએ હેલ્મેટ તો લીધી હતી પરંતુ પહેરવાનું ઉચિત સમજ્યું નહોતું.
વાપીમાં કોપરલી રોડ પર પેપીલોન હોટેલ ખાતે ભાજપના ઉમેદવાર કનું દેસાઈના મધ્યસ્થ કાર્યાલયથી વાપી નગરપાલિકા, વાપી નોટિફાઇડ વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી સાથે ચૂંટણી પ્રચારનું અયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીમાં પારડી વિધાનસભાના ઉમેદવાર કનું દેસાઈ અને ભાજપના ચૂંટણી ઇન્ચાર્જ મિતેષ દેસાઈ ખુલ્લી જીપ માં સવાર થઈ લોકોનું અભિવાદન ઝીલવા નીકળ્યા હતાં.
આ ભવ્ય બાઇક રેલીમાં ભાજપના કાર્યકરો મોદીના ફોટો વાળી ટીશર્ટ, કમળ ના ઝંડા, ધજા પતાકા, માથે ટોપી સાથે જોડાયા હતાં. જેઓની સુરક્ષા માટે ભાજપના આગેવાનોએ કેસરી કલરની અને મોદીના ફોટો વાળી હેલ્મેટનું વિતરણ કર્યું હતું.બાઇક પર કાર્યકરો સુરક્ષિત રહે તેવા આશયથી ભાજપના આગેવાનોની પહેલ આવકાર દાયક હતી. પરંતુ કેસરિયા હેલ્મેટ જોઈ કાર્યકરો જાણે શરમ માં મુકાયા હોય તેમ હેલ્મેટ લીધા બાદ પણ તેને પહેરવાનું ઉચિત સમજ્યું નહોતું. કેટલાક ટોપી પહેરીને તો કેટલાક ટોપી કે હેલ્મેટ પહેર્યા વિના જ બાઇક રેલીમાં જોડાયા હતા.
અંદાજિત 100 જેટલા બાઇક સવાર કાર્યકરો સાથે પ્રસ્થાન પામેલી રેલીમાં અન્ય વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. રેલી DJ ના તાલે તૈયાર કરેલા ભાજપના અને મોદી સરકારના ગીતો પર રવાના થઈ હતી. ત્યારે કેટલાક છેલબટાઉ કાર્યકરો બાઇક પર ઉભા થઇ કનુભાઈ માટે મતની અપીલ સાથે ભાજપનો, મોદી સરકારનો જયઘોષ કરતા હતાં. રેલીમાં સામેલ ખુલ્લી જીપમાં સવાર થઈ કનુભાઈ દેસાઈએ વાપીના લોકોનું-મતદારોનું અભિવાદન ઝીલ્યું હતું.