વાપીના ભડકમોરા વિસ્તારમાં રહેતી 2 સગીરવયની બાળા સહિત ત્રણ બાળકિશોરીઓની ગુમ કે અપહરણ થયાની ફરિયાદ વાપી ટાઉન પોલીસમાં નોંધાઇ હતી. જેની ગણતરીના કલાકોમાં LCB ની ટીમે સુરત, નંદુરબાર, ભુસાવલ રેલવે પોલીસ સાથે સંકલનમાં શોધી કાઢી પરત વાપી લાવી તેના માતા-પિતાને સુપ્રત કરી હતી.
ઘટના અંગેની હકિકત એવી છે કે, વાપી ટાઉન ભડકમોરા વિસ્તારમાં શ્રમજીવી પરીવારની બે સગીર બહેનો તથા અન્ય પરીવારની સગીર દિકરી સવારે સ્કુલે જવાનું કહી ઘરેથી નીકળી હતી. જે સાંજે સ્કુલેથી પરત ન આવતા તેઓના માતા-પિતા તથા પરીવારના સભ્યોએ આજુ-બાજુના સગા સબંધીઓના ત્યાં તપાસ કર્યા બાદ પણ નહિ મળતા મળી આવેલ નહી. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આવી બનાવની જાણ કરી હતી.
વાપી ટાઉન પોલીસે વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરણરાજ વાઘેલા સાહેબને જાણકારી આપી તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું. પોલીસ અધિક્ષકે બનાવને ખુબજ ગંભીરતાથી લઇ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં તરત જ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરવા સુચના આપી હતી.
વાપી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.એન.દવેએ ગુમ/અપહરણ થયેલ ત્રણેય બાળકિશોરીઓને તાત્કાલીક શોધી કાઢવા LCB PI યુ.બી.બારોટ, SOG PI એ. યુ. રોઝ, વાપી ટાઉન PI કે. જે. રાઠોડને સૂચના આપી સર્વેલન્સની અલગ-અલગ ટીમો બનાવી ગુમ/અપહરણ થનાર ત્રણેય બાળકીઓને શોધી કાઢવા પ્રયાસ હાથ ધર્યા હતાં. ટેકનીકલ એનાલીસીસ, તેમજ સી.સી.ટી.વી ફુટેજ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ દ્વારા વર્ક આઉટ કરી આ કામે ગુમ/અપહરણ થનાર ત્રણેય બાળાઓ વાપી રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં બેસી સુરત ખાતે ગયેલાનું જણાઇ આવ્યું હતું.
સુરત GRP ના પો.કો.પી.ટી.ઉલ્વા નો સંપર્ક કરી સુરત રેલ્વે સ્ટેશનના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા ત્રણેય બાળકિશોરીઓ સુરતથી શાલીમાર એક્સપ્રેસમાં બેસેલ હોવાની હકિકત જણાઇ આવતા પોલીસ ઇન્સપેક્ટર નંદુરબાર રેલ્વે પો.સ્ટે તથા પોલીસ ઇન્સપેક્ટર ભુસાવલ રેલ્વે પો.સ્ટે ના સંકલનમાં રહી સદર ગુમ થનાર બાળાઓની માહિતી મોકલી આપી ભુસાવલ મહારાષ્ટ્ર ખાતે રેલ્વે પોલીસ સ્ટાફના માણસો દ્વારા શાલીમાર એક્સપ્રેસ ટ્રેનમાં શોધખોળ કરતા ગુમ થનાર ત્રણેય બાળાઓ તેમની અન્ય એક બહેનપણી સાથે મળી આવી હતી.
વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે તે અંગેની જાણ કરતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PSI વી.એ.સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો તથા મહીલા પોલીસ સાથે ભુસાવલ મહારાષ્ટ્ર ખાતે જઇ ત્રણેય બાળાઓને પરત લઇ આવી હતી. ગુમ થયેલ સગીરવયની બાળાઓની વાલીવારસની રૂબરૂમાં પુછપરછ કરતા ત્રણેય બાળકિશોરીઓ તેમની બહેનપણી સાથે દિલ્લી ખાતે ફરવા જતા હતા તેમજ તેમની સાથે કોઇ ગુનાહિત થયેલ ન હોવાનું જણાવતા બાળકિશોરીઓનો કબ્જો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો હતો.
ગુમ થનાર બંને સગી બહેનોએ પોતાની બહેનપણી સાથે દિલ્લી જવાનું પ્લાનિંગ કર્યું હતું. તે માટે તેઓએ એકઠા કરેલા પૈસા માટે ગલ્લો તોડી તેમાંથી 400 રૂપિયા નીકળ્યા હતાં. જે પૈસા લઈ હાલમાં લવાછા ખાતે ભરાયેલા મેળામાં જઇ 2 જોડી નવા કપડાં લીધા હતાં. સવારે સ્કૂલ બેગમાં જ એ કપડાં નાખી શાળા જવાને બહાને નીકળી હતી. તેમની સાથે અન્ય એક બહેનપણી પણ જોડાઈ હતી. ત્રણેય બહેનપણી તેની નજીકમાં રહેતી અને મૂળ દિલ્લીથી વાપી આવેલી બહેનપણી સાથે દિલ્લી જવા નીકળી હતી. જે માટે તેઓએ વાપી સ્ટેશનને બદલે ભિલાડ સ્ટેશન થી ટ્રેન પકડી સુરત ગઈ હતી. સુરત રેલવે સ્ટેશનથી શાલીમાર એક્સપ્રેસ માં દિલ્લી જવા બેસી ગઈ હતી. જો કે દિલ્લી પહોંચે તે પહેલાં જ ભૂંસાવલ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી શોધી કાઢી પરત વાપી લવાય હતી.
સદર કામગીરી પોલીસ ઇન્સપેક્ટર યુ.બી.બારોટ, LCB શાખા વલસાડ પોલીસ તથા ઇન્સ્પેકટર કે. જે. રાઠોડ વાપી ટાઉન પોલીસ સ્ટેશનની સુચના અને માર્ગદર્શન મુજબ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના (1) PSI વી. એ. સોલંકી સાહેબ (2) PSI જે. બી. શનેશા LCB શાખા વલસાડ (3) PSI આર. બી. પરમાર SOG શાખા વલસાડ (4) ASI અજયભાઇ અમલાભાઇ (5) અ.હે.કો. ઋતુરાજસિંહ (6) અ.હે.કો.અરૂણભાઇ સીતારામ (7) અ.પો.કો. પ્રશાંત અન્નાભાઇ (8) વુ.પો.કો. દિવ્યાબેન ભરતભાઇએ ટીમવર્કથી કરી હતી.