વલસાડ :- વલસાડ જિલ્લા પોલીસ વિભાગની કામગીરીની સમીક્ષા બેઠકમાં હાજરી અને પોલીસ મથકના ભૂમિપૂજન સહિત અનેક જાહેરાતો કરવા રાજયકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા શનિવારે વલસાડ આવ્યાં હતા. વલસાડમાં જિલ્લા પોલીસવડાની કચેરી ખાતે બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, વલસાડ રૂરલ, પારડી અને ડુંગરાને PI કક્ષાનું તેમજ સરીગામ ખાતે નવું પોલીસ સ્ટેશન બનાવશે. વાપી, ઉમરગામ અને પારડી નગરપાલિકા વિસ્તારોમાં 152 સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થા સુદૃઢ બનાવશે. રાજ્યની પોલીસને સ્માર્ટ નહીં શાર્પ બનાવશે. જો કે વાપીમાં વર્ષોથી DYSP ઓફીસ, LCB, SOG માટે પોતાનું પોલીસ સ્ટેશન કે ઓફીસ નથી બની. વાપીના પોલીસ લાઈનમાં કર્મચારીઓ માટે આવાસની ઘટ જેવા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવાનું કે જાહેરાત કરવાની ભૂલી ગયા હતાં.
વલસાડ જિલ્લો સરહદી જિલ્લો છે. અહીં મોટાપાયે દારૂની હેરાફેરી તો તે સાથે બીજી અનેક બદીઓ પોલીસ અને પ્રજા માટે પડકાર સમાન રહી છે. જેમાં ક્યારેક નીડર અને પ્રામાણિક પોલીસ અધિકારીએ બહાદુરીથી સામનો કર્યો છે. તો ક્યારેક પોલીસ વિભાગના કરપ્ટ અધિકારીઓએ જ તેને ફુલવા ફાલવા દિધી છે. એવામાં બુધવારે રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ વલસાડ પધારી અનેક મોટી મોટી જાહેરાતો કરી હતી અને હાલમાં જ ઉકેલાયેલા કેટલાક મહત્વના કેસ અંગે પોલીસને શિરપાવ આપ્યો હતો.
મંત્રીએ જણાવ્યું હતું કે, વલસાડ એ રાજ્યનો સરહદી જિલ્લો છે અને રાજ્યના નેશનલ હાઇવે અને ઔદ્યોગિક રીતે ઝડપથી વિકાસ પામેલા આ જિલ્લામાં આગામી દિવસોમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનનું નવું મકાન બનાવી તેને પી.આઇ. કક્ષાથી અપગ્રેડ કરશે, સાથે-સાથે પારડી અને ડુંગરા પોલીસ સ્ટેશન પણ પીઆઇ કક્ષાથી અપગ્રેડ કરશે. જેથી વધારાનો મેન પાવર અને મુખ્ય અધિકારીઓ મળતાં લો અને ઓર્ડરની વ્યવસ્થાનું સારી રીતે સંચાલન કરી શકાશે. પરંતુ વલસાડ જિલ્લામાં પહેલેથી જ જરૂરી મહેકમ સામે ઘટ ચાલી રહી છે. તે અંગે કોઈ જાહેરાત કરી નહોતી.
આ ઉપરાંત સરીગામ ખાતે નવું પોલીસ સ્ટેશન, સીસીટીવીના નેટવર્ક પ્રોજેકટના કારણે ક્રાઇમ ડીટેકશનમાં મહત્તમ ટેકનોલોજીનો ઉપયોગ, વલસાડ જિલ્લામાં 140 CCTV બાદ પારડી, વાપી અને ઉમરગામ નગરપાલિકા વિસ્તારોમાં વધુ 152 સીસીટીવી કેમેરા લગાવી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવી, એન્ટી હયુમન ટ્રાફિકિંગ માટ 5 સ્થળોએ પેરોફલો સ્કોર્ડ માટે 9 મળી કુલ 14 જગ્યાઓ મંજૂર કરવી જેવી જાહેરાતો કરી હતી.
તો, સાઇબર પોલીસ સ્ટેશનથી ટેકનોજીકલ સમસ્યા થઇ હશે તો તે માટે માર્ગદર્શન અને ફ્રોડથી ગયેલા પૈસા પરત લાવવા, ગૌ તસ્કરી કરવાવાળા લોકોના કારણે વલસાડના હાર્દિક કંસારાનું અવસાન થયું હતું તે આરોપીને પકડી તેમને કાયદાના આધારે સજા થાય તે માટે સ્પેશિયલ પી.પી.ની નિમણુક, ગરીબોની જમીન લૂંટી ખોટા સહિ સિક્કા કરી જમીન પડાવનારા લેન્ડ ગ્રેબિંગ એકટ, વિધર્મીઓ દ્વારા ખોટા નામ ધારણ કરી હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરી ધર્મ પરિવર્તન કરવાની પ્રક્રિયા રાજ્ય સરકારને ધ્યાને આવતાં વિધાનસભામાં લવ જેહાદનો કડક કાયદો બનાવવા સહિતની ગાથા વાગોળી હતી.
રાજ્યનું યુવાધન નશાખોરીનો શિકાર ન બને તે માટે ગાંજો, ચરસ કે એમડી ડ્રગ્સના નામે થતા વેચાણ તેમજ બાયો ડિઝલના નામે તેમાં ભેળસેળ કરનારા કારોબારીઓ સામે પાસા હેઠળની કડક કાર્યવાહી, ઉમરગામના જીતુભાઇ અપહરણ કેસમાં કરવામાં આવેલી યશસ્વી કામગીરી, ગુનેગારો હાઇફાઇ બની વાઇફાઇના ઉપયોગ થકી લોકોના પૈસાની ઉઠાંતરી કરે છે. જે માટે જરૂરી પ્રશિક્ષણ આપીને આવો કોઇ ગુનો આચરે તો તેની ધરપકડ, સોશિયલ મીડિયામાં અનેક પ્રકારની વિકૃત પોસ્ટ મૂકીને કોઇ વ્યક્તિને બદનામ કરનારા ધર્મ-કોમ-જાતિ વચ્ચે લડાઇ કરાવનારાઓ સામે ગુનો નોંધી કડક કાર્યવાહી, પોલીસ સ્માર્ટ પોલીસ જ નહીં શાર્પ પોલીસ બને તે માટે ટેકનોલોજી અપગ્રેડેશન કરી 71 કરોડના ખર્ચે 10 હજાર બોડી વોર્મ કેમેરા આપવાનો રાજ્ય સરકારના નિર્ણય જેવા અનેક કાર્યો ની ગાથા વર્ણવી હતી.
ઉલ્લેખનીય છે કે ગૃહમંત્રી વલસાડ જિલ્લાની અન્ય પોલીસ જવાનો માટેની જરૂરિયાત ભૂલી ગયા હતાં. વાપીમાં DYSP કચેરીના સંકુલ માટે જમીન મળી ગઈ હોવા છતાં તેના ટેન્ડર ભરાતા નથી. એટલે DYSP ઓફીસ સહિત LCB અને SOG પોલીસ સ્ટેશન આજે પણ પોતીકા પોલીસ સ્ટેશન વિહોણા છે. વાપી, ધરમપુર, કપરાડામાં આવેલ પોલીસ માટેના આવાસ દયનિય હાલતમાં છે. કેટલાય પોલીસ કર્મચારીઓ ભાડાના મકાનમાં રહે છે. ખુદ પોલીસ સ્ટેશનના PI પણ બહાર ભાડે બંગલા રાખી રહે છે. જેઓ માટે આવાસની તાતી જરૂરિયાત છે. આવા અનેક મહત્વના મુદ્દા પરની જાહેરાત કરવાનું પ્રદીપસિંહ ભૂલી ગયા હતાં. અથવા તો કદાચ તેને આ અંગે માહિતગાર કરવાનું જ માંડી વળાયું હતું.