Sunday, March 16News That Matters

વલસાડ જિલ્લામાં ત્રીજા દિવસે પણ વરસાદ અવિરત રહેતા લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો 

વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલને કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર પાણી ભરાવા સાથે મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા યથાવત રહેતા લોકો તૌબા પોકારી ઉઠ્યા છે.
વલસાડ જિલ્લામાં શુક્રવારે વહેલી સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પડેલા તાલુકા મુજબના વરસાદની વિગતો જોઈએ તો, ઉમરગામ તાલુકામાં 137mm, કપરાડા તાલુકામાં 96mm, ધરમપુર તાલુકામાં 47mm, પારડી તાલુકામાં 104mm, વલસાડ તાલુકામાં 60mm અને વાપી તાલુકામાં 110mm વરસાદ નોંધાયો છે.
સારા વરસાદને કારણે મધુબન ડેમનું લેવલ 78.50 મીટરે સ્થિર રાખી 29,351 ક્યુસેક નવા પાણીની આવક સામે ડેમના 5 દરવાજા 1 મીટર સુધી ખોલી 41,127 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે. વહેલી સવારથી વરસી રહેલા વરસાદને કારણે વલસાડ અને વાપી શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાના બનાવો બન્યાં છે. હાઇવે સમાંતર સર્વિસ રોડ પર પણ વરસાદી પાણીનો ભરાવો થતા વાપીમાં હાઇવે નજીક આવેલ છરવાળા રોડ પરની સોસાયટી, જલારામ મંદિર નજીકની સોસાયટીઓ તેમજ વાપી રેલવે ગરનાળા સહિતના વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકી સહન કરવી પડી રહી છે. જ્યારે વાપી દમણ ચલા માર્ગ પર સવારથી સાંજ સુધી સતત ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતાં. વરસાદને કારણે મોટેભાગે દરેક મુખ્ય માર્ગ પર વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *