વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમનું વાપીમાં VIA હોલ ખાતે તેમજ જિલ્લાના તમામ 6 તાલુકા મથકોએ આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે PMJAY-માં PVC કાર્ડ વિતરણને સમગ્ર રાજ્યના તમામ તાલુકાઓમાં શરૂ કરવાના કાર્યક્રમમાં વડાપ્રધાને વર્ચ્યુલી જોડાય શરૂઆત કરાવી હતી. તેમજ કેટલાક લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો.
સમગ્ર રાજ્યના તમામ તાલુકામાં આયોજિત કાર્યક્રમમાં PMJAY-માં અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમ અંગે VIA હોલ વાપી ખાતે ઉપસ્થિત રહેલા વલસાડ જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. અનિલ પટેલે આ યોજના કેટલી ઉપયોગી છે. તેનું માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર રાજ્યમાં 50 લાખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ VIA હોલ ખાતે ઉપસ્થિત તાલુકાના લાભાર્થીઓએ નિહાળ્યું હતું. જે બાદ ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયુષ્યમાન-માં કાર્ડ યોજના હેઠળ નોંધાયેલ પરિવારોને 5 લાખ સુધી વિના મૂલ્યે સારવાર પુરી પાડવામાં આવે છે. વાપી તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વલસાડ જિલ્લામાં PMJAY PVC કાર્ડ વિતરણ કાર્યક્રમમાં વાપી તાલુકાના 2672 જેટલા કાર્ડનું લાભાર્થીઓને વિતરણ કરાયું હતું. જ્યારે સમગ્ર વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ તાલુકામાં 31965, પારડી તાલુકામાં 13233, ઉમરગામ તાલુકામાં 12835, ધરમપુર તાલુકામાં 7639, કપરાડા તાલુકામાં 4390 એ ઉપરાંત અન્ય મળીને કુલ 82762 કાર્ડ લાભાર્થીઓ નોંધાયેલ છે.
આ અંગે ડૉ. અનિલ પટેલે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, જિલ્લામાં કુલ 4.72 લાખ PMJAY કાર્ડ ના લાભાર્થીઓ છે. જિલ્લાની 13 મહત્વની હોસ્પિટલમાં આ કાર્ડનો લાભ લઇ વિનામૂલ્યે સારવાર કરાવી શકે છે. આયુષ્યમાન કાર્ડ માટે જે પરિવારની વાર્ષિક આવક 4 લાખથી ઓછી હોય તેવા તમામ પરિવારોના દરેક સભ્યો આવકનો દાખલો, રાશન કાર્ડ, આધાર કાર્ડ સહિતના પુરાવાઓ આપી મેળવી શકે છે.
વલસાડ જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓ હાર્ટને લાગતી બીમારીમાં એન્જયોપ્લાસ્ટિ, એન્જયોગ્રાફી, બાયપાસ સર્જરી, ઘૂંટણની સર્જરી અને કેન્સર જેવી બીમારીઓમાં 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવાર મેળવી શકે છે. એ ઉપરાંત ઇનડોર પેશન્ટ માટે કેટલીક બીમારીઓમાં લાભ મેળવી શકે છે. સિનિયર સિટીઝનને આ કાર્ડ મારફતે 6 લાખ સુધીની સારવાર નિઃશુલ્ક મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા આયોજિત આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી સંબોધન કર્યું હતું. વાપીમાં VIA હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના CDHO ડૉ. અનિલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. મૌનિક પટેલ, પાલિકા વિસ્તારના હેલ્થ ઓફિસર સીની પાંડે, નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ભાજપના મહામંત્રી શિલ્પેશ દેસાઈ, VIA પ્રમુખ કમલેશ પટેલ, વાપી શહેર પ્રમુખ સતીશ પટેલ સહિત તાલુકા પ્રમુખ, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો-સરપંચોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.