પર્વનું મહાપર્વ એટલે દિવાળી, સામાન્ય રીતે દિવાળી એટલે રંગ બેરંગી અને ધૂમધડાકા વાળા ફટાકડા ફોડવાનો ઉત્સવ છે. જો કે કોરોના કાળના 2 વર્ષમાં દિવાળી પર્વને હર્ષોલ્લાસભેર નહિ ઉજવી શકનાર લોકોએ આ વર્ષે ઉત્સાહભેર દિવાળી પર્વ ઉજવવાનું મન બનાવ્યું છે. જેને લઈને અત્યારથી જ ફટાકડા બજારમાં તેજી જોવા મળી રહી છે.
વલસાડ જિલ્લામાં ફટાકડાના વેપારમાં ખૂબ જ જાણીતા એવા ભિલાડના લક્ષ્મી જનરલ સ્ટોરના પ્રોપરાઈટર નરેશ કુમાર શાહને ત્યાં અત્યારથી જ વલસાડ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી તેમજ વાપી-વલસાડ ઉમરગામ શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા આવી રહ્યા છે. સપ્તાહ પહેલા જ ફટાકડા ખરીદીમાં ઘરાકી જોવા મળતા નરેશ શાહે જણાવ્યું હતું કે, કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે સારી ઘરાકી જોવા મળી રહી છે. પરંતુ તામિલનાડુના શિવા કાશી અને રાજકોટ અમદાવાદ જેવા શહેરોમાં થી આવતા ફાટકડામાં 30 થી 40 ટકા જેટલો ભાવ વધારો ગ્રાહકોના બજેટને ખોરવી રહ્યો છે.
દર વર્ષની સરખામણીએ આ વર્ષે કેમિકલના, લેબરમાં અને પેપરમાં ભાવ વધારો થતાં ફાટકડામાં પણ ભાવ વધારો થયો છે. એટલે કોરોના કાળના 2 વર્ષ બાદ લોકોમાં દિવાળી પર્વ મનાવવાનો ઉત્સાહ જરૂર છે. પરંતુ ભાવ વધારો હોય ખરીદી પર વેપારીઓના નફો સીમિત થયો છે. જ્યારે વિશેષ પ્રકારના કેમિકલમાંથી બનતા ફટાકડા પર પાબંધી હોય ફાટકડામાં શોર્ટેજ જોવા મળી રહી છે.
વલસાડના ભિલાડ ખાતે છેક વલસાડ શહેરમાંથી ફટાકડાની ખરીદી કરવા આવનાર હરીશ ગોહિલ અને તેમના મિત્રોએ જણાવ્યું હતું કે, અહીં ભીલાડમાં સારા અને ફ્રેશ ફટાકડા રિઝનેબલ ભાવે મળે છે. એ ઉપરાંત બાળકોને ગમતા તેમજ મોટેરાઓની પસંદના તમામ પ્રકારની વેરાયટીના ફટાકડા મળી રહે છે. એટલે દિવાળીના સપ્તાહ પહેલાં જ દર વર્ષે અહીં ખરીદી કરવા આવે છે.
ઉલ્લેખનીય છે કે ફટાકડા બજારમાં 30 થી 40 ટકા નો ભાવ વધારો થયો હોય આ વર્ષે લોકોએ ફટાકડા ની ખરીદી માટે અન્ય ખરીદી પર કાપ મૂકી બજેટ મુજબ ફટાકડાની ખરીદી કરી છે. આ વર્ષે દર વર્ષની જેમ સુતરી બૉમ્બ, ગોવા-28 પ્રકારના ફટાકડાની ડિમાન્ડ છે. જેમાં ગોવા-28 ની તો અત્યારથી જ શોર્ટેજ વર્તાઈ રહી છે. લોકોએ ઉત્સાહભેર સુતરી બૉમ્બ સહિત બાળકો માટે તારાં, કોઠી, ભોંય ચકરી જેવી વિવિધ આઈટમોની ખરીદી કરી હતી. જો કે વેપારીઓએ ભાવવધારા સાથે વરસાદનું વિઘ્ન ધ્યાને રાખી જરૂરિયાત મુજબનો જથ્થો મંગાવવાનું હાલ પૂરતું મુનાસીબ માન્યું છે.