Friday, October 18News That Matters

વલસાડ, દમણ, સેલવાસમાં શ્રમયોગીઓને ચૂકવવા પાત્ર લઘુતમ વેતનના નિયમોને કોન્ટ્રાક્ટરો, ઉદ્યોગ સંચાલકો, વ્યવસાયકારો ઘોળી ને પી ગયા છે. ત્યારે 21 રૂપિયાનું વધારાનું ભથ્થું માત્ર કાગળ પર……?

હાલમાં જ સરકારે કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ,1970 હેઠળના લઘુત્તમ વેતન દર અને તેમાં 6 મહિના માટે કરાયેલ 21 રૂપિયાનો વધારો કરવા ખાસ પરિપત્ર બહાર પાડ્યો છે. જો કે, આ અંગે વલસાડ જિલ્લામાં કાર્યરત GIDC ના ઉદ્યોગો હોય કે સેલવાસ-દમણ ના ઉદ્યોગો કે પછી વાપી, વલસાડ, દમણ, સેલવાસ નગરપાલિકા વિસ્તાર આ તમામ સ્થળોએ શ્રમયોગીઓ સાથે હળાહળનો અન્યાય થતો હોવાનું અને શ્રમયોગીઓ પાસે 8 કલાકથી વધુ તનતોડ મજૂરી કારાવાતી હોવાનું ફલિત થયું છે.

Labor Commissioner કચેરી દ્વારા હાલમાં 30/09/2023ના એક પરિપત્ર બહાર પાડી કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ, 1970 અને ગુજરાત નિયમો, 1972 હેઠળ કોન્ટ્રાકટરોને આપવામાં આવતા લાયસન્સની શરત નં(4)માં સ્પષ્ટ જણાવ્યા મુજબ લઘુત્તમ વેતન અધિનિયમ, 1948 હેઠળ જે અનુસૂચિત વ્યવસાયો માટે સરકારશ્રીએ લઘુત્તમ વેતન નકકી કરેલ છે. તેવા વ્યવસાયોમાં કામે રાખતા કોન્ટ્રાકટરોએ તેમના શ્રમયોગીઓને જે-તે અનુસૂચિમાં સરકારે નકકી કરેલ લઘુત્તમ વેતન દરે પગાર તથા વખતો વખત જાહેર થતું જીવનનિર્વાહ ભથ્થું ચૂકવવાનું રહે છે. પરંતુ જે વ્યવસાયોનો લઘુત્તમ વેતન અધિનિયમ હેઠળની અનુસૂચિમાં સમાવેશ થતો ન હોય તેવા વ્યવસાયોમાં સંકળાયેલ કોન્ટ્રાકટ શ્રમયોગીઓને આ પરિપત્રથી નકકી થયા મુજબનું વેતન ચૂકવવાનું જાહેર કર્યું છે.

લઘુત્તમ વેતન અધિનિયમ,1948 હેઠળ જાહેર થયેલ અનુસૂચિત વ્યવસાય સિવાયના વ્યવસાયમાં કોન્ટ્રાકટ મજૂર (નિયમન અને નાબુદી) અધિનિયમ,1970 અને ગુજરાત નિયમો, 1972ના નિયમ-23 અન્વયે આપવામાં આવતા લાયસન્સની શરત નં (6) થી મળેલ સતાની રૂએ, શ્રમ આયુકત, ગુજરાત રાજય, ગાંધીનગરે શ્રમયોગીઓને ચૂકવવાની થતી મજૂરીના દર નીચે મુજબ નકકી કરેલ છે. જે તા.24-04-2023થી અમલમાં છે.

જે મુજબ ઝોન-2 એટલે કે નગરપાલિકા કે મહા નગર પાલિકા સિવાયના વિસ્તારોમાં કુશળ કારીગરને દૈનિક 462 રૂપિયા, અર્ધકુશળ કારીગરને દૈનિક 452 રૂપિયા અને બિન કુશળ કારીગરને 441 રૂપિયા ચુકવવામાં આવતા હતા. તેમાં 01/10/2023 થી વધારાનું 21 રૂપિયા દૈનિક ભથ્થું આપવા આદેશ કર્યો છે.

એ જ પ્રમાણે ઝોન-1 એટલે કે ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસીપલ કોર્પોરેશન અધિનિયમ,1949 હેઠળ રચાયા પ્રમાણેના મ્યુનિસીપલ કોપોરેશનની હદોની અંદરના વિસ્તારોનો અને ગુજરાત નગરપાલિકા અધિનિયમ, 1963 હેઠળ રચાયા પ્રમાણેની નગરપાલિકા હદોની અંદરના વિસ્તારોમાં અને સબંધિત શહેરી વિકાસ સતામંડળોની હકુમતની અંદર આવતા વિસ્તારોમાં કુશળ કારીગરને દૈનિક વેતન 474 રૂપિયા, અર્ધ કુશળ ને 462 રૂપિયા અને બિન કુશળ ને 452 રૂપિયા ચુકવવામાં આવે છે. જેમાં પણ 21 રૂપિયાનું વધારાનું ખાસ ભથ્થુ આપવા આદેશ કર્યો છે.

નકકી કરવામાં આવેલ વેતનદરો ઉપરાંત કોન્ટ્રાકટરોએ કોન્ટ્રાકટ શ્રમયોગીઓને જીવન- નિર્વાહ ખર્ચ આંક સાથે સંકળાયેલ ખાસ 21 રૂપિયાનું ભથ્થું તા.01/10/2023 થી તા.32/03/2024 સુધીના 6 (છ) માસના સમય માટે લાયસન્સની શરત નં.6 હેઠળ મળેલ સતાની રૂએ નકકી કરવામાં આવે છે, જે ઠરાવેલ વેતનના દરની રકમ ઉપરાંત કોન્ટ્રાકટરોએ કોન્ટ્રાકટ શ્રમયોગીઓને ચૂકવવાના રહેશે. આ હુકમનો સબંધિત કોન્ટ્રાકટરો અમલ કરે તે જોવા શ્રમ આયુક્ત વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓને સૂચના આપી છે.

જો કે, ખાટલે મોટી ખોટ એ છે કે, આ નિયમ મુજબનું વેતન શ્રમયોગીઓ ને ચુકવવામાં કોન્ટ્રાક્ટરો, ઉદ્યોગ સંચાલકો, વ્યવસાયકારો છડેચોક ઉલ્લંઘન કરે છે. ક્યાંક તો વળી 8 કલાકની નોકરીને બદલે 12 કલાક નોકરી કરાવી ને પણ સરકારે નક્કી કરેલ વેતન ચુકવવામાં આવતું નથી. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ મોટેભાગે શ્રમયોગીઓને 400 રૂપિયા સુધી વેતન ચુકવવામાં આવે છે. ક્યાંક વળી 8 કલાકની સામે 12 કલાક મજૂરી કરાવીને પણ માંડ 450 રૂપિયા ચુકવવામાં આવે છે. અનેક કંપનીઓમાં શ્રમયોગીઓને ESIC નો લાભ, આકસ્મિક મૃત્યુ દરમ્યાન મળતી રકમ કે, ઇજાઓ દરમ્યાન ચુકવવામાં આવતી સારવારની અને પરિવારનો નિભાવ ખર્ચ પણ કંપનીઓ દ્વારા ચુકવવામાં આવતો નથી.

હાલ આ મામલે દાદરા નગર હવેલીની અનેક કંપનીઓમાં કામદારો હડતાળ પર ઉતરી ન્યાય માંગી રહ્યા છે. જો કે, વલસાડ જિલ્લામાં કામદારો સંગઠિત ના હોય એ અંગે હજુ કામદારોનું શોષણ યથાવત છે. ઉલ્લેખનીય છે કે, દૈનિક વેતન, સ્વાસ્થ્ય વીમો, સુરક્ષા સલામતી જેવી બાબતોમાં શ્રમયોગીઓ સાથે અન્યાય કરતી કેટલીક કંપનીઓમાં તો, દિવાળી બોનસના નામે પણ શ્રમયોગીઓને ઉઠા ભણાવવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *