આર્યવર્તની ધન્ય ધરા પર ભારતભરમાં સેંકડો જૈન તીર્થો અનાદિકાળથી અસ્તિત્વ ધરાવે છે. જે તે સમયે આ તીર્થોનો જિર્ણોદ્વાર થતો આવ્યો છે. આજે પણ જૈન સંઘોની મોટી આસ્થાના ધામ આ જૈન તીર્થો છે. વર્ષોવર્ષ હજારો – લાખો જૈન યાત્રિકો તીર્થયાત્રાનો લાભ લઈને પોતાના આત્માને પવિત્ર બનાવવાનો પુરુષાર્થ કરે છે, જે અંગે હાલમાં જ જૈન સમાજની લાગણી દુભાય તેવા કૃત્ય થતા આ અંગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જૈન સમાજે રેલી યોજી આવેદનપત્ર પાઠવી પોતાની રજુઆત કરી હતી.
તાજેતરમાં પાલીતાણાના જૈનોના મહાન તીર્થ શ્રી શત્રુંજય ગિરિરાજ પર અતિક્રમણ કરી શ્રી આદિનાથ ભગવાનના પગલાંને ખંડિત કરવાનું જધન્ય કૃત્ય આચરી જૈન મહાતીર્થની પવિત્ર મર્યાદાનો ભંગ થતા જૈન સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તેમજ બિહાર ઝારખંડમાં આવેલ જૈનોના 20-20 તીર્થંકર ભગવાનોની નિર્વાણ ભૂમિ એવા શ્રી સમ્મેતશિખર તીર્થ માટે એવો કોઈપણ સરકારી નિર્ણય ન થાય કે જેનાથી તીર્થની પવિત્રતા અને સુરક્ષા બાધિત બનેં બીજા પણ જૈન તીર્થોની આજુબાજુ તીર્થના પવિત્ર વાતાવરણમાં બાધક બને તેવી પ્રવૃત્તિઓ થઇ રહી છે તે અટકે તેવી માંગ સાથે વલસાડ જિલ્લાના ઉમરગામ ટાઉનમાં જૈન સમાજ દ્વારા બેનર સાથેની વિશાળ રેલી યોજી મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર માં જૈન સમાજે કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને ઝારખંડ સરકારને લાગણીસભર વેદના સાથે અપીલ કરી છે કે, જૈન તીર્થો પર કોઈપણ અતિક્રમણ કોઈપણ વ્યક્તિ કે સમૂહ દ્વારા ન થાય, જૈન તીર્થોની પવિત્રતામાં બાધક એવી ખાન – પાન કે હરવા – ફરવાની પ્રવૃત્તિ ન થાય, ભારતભરમાં જૈન તીર્થો – જિનાલયોમાં બિરાજમાન તીર્થંકર ભગવંતોની પ્રતિમા પગલાંને કોઈપણ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવા કે તેની આશાતના કરવા જેવા બનાવ ન બને તેની સુરક્ષા મળે અને કોઇ જૈનતીર્થને પર્યટન સ્થળ તરીકે જાહેર કરીને જૈન તીર્થોની મર્યાદાનો છડેચોક ભંગ થાય તેવી પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય તેવું ન બને તેવી રજુઆત કરી હતી.