વલસાડ જિલ્લો જળ, જંગલ અને જમીનની ફળદ્રુપતતા માટે સમગ્ર ગુજરાતમાં જાણીતો જિલ્લો છે. ત્યારે, ઔદ્યોગિકરણ સાથે જળ, જમીનને ઉલેચી લેનારા માફિયાઓ જેમ સક્રિય છે. તેમ હવે બીજા પડકારો પણ ઉભા થયા છે. જિલ્લાના ઉમરગામ તાલુકામાં જંગલની જમીન ધીરે ધીરે અદ્રશ્ય થઈ રહી છે. જંગલની જમીન ઉપર બેફામ અતિક્રમણ કરી લાકડા ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવ્યા બાદ પણ તંત્રનું ભૈદી મૌન છે. FRC Act 2006 બાદ જંગલની જમીન ઉપર દબાણ વધ્યા છે. જંગલની દેખરેખની જવાબદારી સંભાળી રહેલા ફોરેસ્ટર અને RFO મહિના સુધી જંગલમાં આંટો મારતા નથી જેનું આ પરિણામ છે.
ઉમરગામ તાલુકામાં વન વિભાગની જમીન તેમજ વન અસુરક્ષિત સ્થિતિમાં જોવા મળી રહ્યું છે.
ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ સરકાર તેમજ સંસ્થાઓ વૃક્ષારોપણ કાર્યક્રમો કરી વૃક્ષનું વાવેતર અને જતન કરવા માટે અભિયાન હાથ ધરે છે. સરકારના વન વિભાગની મુખ્ય જવાબદારી વનીકરણ કરવાનું હોય છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત સરકારના દક્ષિણ વિસ્તારમાં ઉમરગામ તાલુકામાં વન વિભાગ ખાડે પડેલુ એવું હોય તેવું જણાય આવે છે. આ પ્રકારની સ્થિતિ અન્ય તાલુકામાં પણ હોવાનું જાણવા મળે છે.
ઉમરગામ તાલુકાની વાત કરીએ તો કાંઠા વિસ્તારમાં રહેલું વન વિભાગનું સરું વન બોડી બામણીનું ખેતર બની ચૂક્યું છે. દેહરીથી લઈ છેક તડગામ સુધી સુંદર સરું વનને ગ્રહણ લાગ્યું હોય તેમ દરિયાઈ ધોવાણમાં અનેક નુકસાન થઈ રહ્યું છે. ચોમાસાની ઋતુમાં પવનના કારણે ધરી પડતા શરૂના ઝાડો ગણતરીના મિનિટોની અંદર ચોરાઈ જતા હોય છે. કેટલાક અસામાજિક તત્વો પોતાને વન વિભાગના વોચમેન ગણાવી વિરપ્પનની ભૂમિકા ભજવી ઝાડો કાપી વેચી મારી રહ્યા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કહેવાતા ફોરેસ્ટ વોચમેનો ઝાડ કાપવાના મશીનો વસાવી બેફામ ઝાડ કાપી વર્ષમાં લાખોની કમાણી કરે છે તો બીજી તરફ વન વિભાગના જવાબદાર બીટ ફોરેસ્ટરો ફરજ ઉપર અનિયમિત રહેતા વન વિભાગની જમીન ઉપર બેફામ અતિક્રમણ, ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા છે તેમજ ઝાડ કપાઈ રહ્યા છે. આગામી દિવસોમાં ઉમરગામ તાલુકામાં વન વિભાગની જમીન ઉપર ગેરકાયદેસર કબજો થવાથી સમગ્ર વન નાબૂદ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.