ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં નિયમોનું ઉલ્લંઘન સામાન્ય બાબત બની છે. મુખ્ય માર્ગો પર દબાણ, સરકારી જમીન ઉપર દબાણ, રહેઠાણ વિસ્તારમાં ચાલતી વ્યવસાયિક અને ભંગારીયાઓની પ્રવૃત્તિ જેવા અનેક નિયમ વિરોધી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તંત્રની રહેમ નજર હેઠળ ચાલી રહી હોય પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.
ઉમરગામ નગરપાલિકા વોર્ડ નં.3 અને 6માં પરપ્રાંતીઓની સંખ્યા નોંધપાત્ર છે. મુખ્યત્વે વોર્ડ નંબર ત્રણમાં વર્ષોથી ભંગારીયાઓ દ્વારા જાહેરમાં ભંગારની ચીજ વસ્તુઓ ઠાલવી રહેઠાણ વિસ્તારમાં છડે ચોક નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળે છે.નગરપાલિકા તંત્ર ના અધિકારી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારાઓ સામે આંખ આડા કાન કરી બેઠા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,અગાઉ ભંગારના ગોડાઉનમાં ધડાકો થતા લોકોમાં ભયનો માલ જોવા મળી રહ્યો હતો. જેને લઇ વર્ષો બાદ પણ ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં રહેતા રહીશોની સ્થિતિ કફોડી બની છે .ભંગારીયાઓ દ્વારા જાહેરમાં કચરો સળગાવતા વાયુ પ્રદુષણને કારણે સ્થાનિક રહીશોને આંખમાં બળતરા તેમજ પ્રદુષિત ધુમાડાને કારણે શ્વાસની તકલીફની ફરિયાદો ઉઠી રહી છે. કહેવા માટે ઉમરગામ નગરપાલિકામાં આરોગ્ય સમિતિની રચના કરાઈ છે. ચીફ ઓફિસર પ્રમુખ અને ત્યારબાદ આરોગ્ય સમિતિના ચેરમેન ઉમરગામ નગરપાલિકાની ઉપરોક્ત પરિસ્થિતિ બાબતે ગંભીરતાથી વિચારે તે જરૂરી બન્યું છે.