Friday, October 18News That Matters

વલસાડ જિલ્લામાં વરસાદના બીજા રાઉન્ડમાં ઠેરઠેર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત

વલસાડ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ 2 દિવસથી તોફાની બેટિંગની શરૂઆત કરી છે. જેમાં મંગળવારે જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક 2 થી 4 ઇંચ જેટલું આકાશી પાણી વરસાવ્યું છે. તમામ નદીનાળા છલકાયા છે. નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મધુબન ડેમ નું લેવલ વધતા 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
 
વલસાડ જિલ્લામાં 15મી ઓગસ્ટના સાર્વત્રિક વરસાદ વરસવાની શરૂઆત બીજા દિવસે 16મી ઓગસ્ટ મંગળવારે પણ યથાવત રહી છે. મંગળવારે વલસાડ જિલ્લામાં સરેરાશ 2 થી 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જેને લઈને તમામ નદીનાળા છલકાયા છે વલસાડ નજીક ઔરંગા ભૈરવી નદીની સપાટી વધુ એક વાર વધી છે. વલસાડ જિલ્લામાં સવારના 6 વાગ્યાથી લઈને બપોરના ચાર વાગ્યા સુધીમાં વરસેલા વરસાદની કંટ્રોલ રૂમ તરફથી મળેલી વિગતો મુજબ ઉમરગામ તાલુકામાં 39 mm કપરાડા તાલુકામાં 71 mm, ધરમપુર તાલુકામાં 87 mm, પારડી તાલુકામાં 60 mm, વલસાડ તાલુકામાં 55 અને વાપી તાલુકામાં સૌથી વધુ 99 mm વરસાદ વરસ્યો છે. 
 
વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ વરસેલા વરસાદની વિગતો જોઈએ તો સરેરાશ તમામ તાલુકાઓમાં 133 થી 72 ઇંચ જેટલો સિઝનનો વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કપરાડા તાલુકામાં સૌથી વધુ 3400 mm વરસાદ વરસ્યો છે. એ જ રીતે વાપીમાં 2392 mm વરસાદ વરસી ચુક્યો છે. વલસાડ તાલુકામાં 2048 mm, પારડીમાં 2223 mm ધરમપુરમાં 2807 mm, અને ઉમરગામમાં 1849 mm સીઝનનો કુલ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. 
 
તો વલસાડ જિલ્લામાં અને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં નોંધાયેલા સાર્વત્રિક વરસાદના કારણે સવારથી જ અનેક નીચાણ વાળા વિસ્તારોમાં વોટર લોગીગના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેમાં પણ વાપીમાં મુખ્ય બજાર વિસ્તારમાં આવેલી દુકાનોમાં વરસાદી પાણી ભરાતા દુકાનદારોમાં નુકસાનની દહેશત વ્યાપી છે. વાપી નગરપાલિકા ઇસ્ટ અને વેસ્ટને જોડતા રેલવે ગરનાળામાં પણ પાણી ભરાતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. 
જિલ્લાના સૌથી મોટા ડેમ મધુબન ડેમમાં પણ ઉપરવાસમાં વરસતા ભારે વરસાદને કારણે 82,851 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમની જળ સપાટી 74.70 મીટર સુધી પહોંચી છે. ડેમના હાલ 8 દરવાજા 2.2 મીટર સુધી ખોલવામાં આવ્યાં છે. જેના થકી 1 લાખ ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવતા દમણગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *