વાપી ગુંજન વિસ્તારમાં ગિરનાર ખુશ્બૂ પ્લાઝા કોમ્પ્લેક્ષમાં આધાર ફાયનાન્સ લીમીટેડ નામની ઓફિસમાં નવીનવગરીના લોન ધારકે લોનના હપ્તા અને વ્યાજ બાબતે ગાળાગાળી કરી પોતાના માણસો બોલાવી તોડફોડ કરી હતી. માથાભારે લોન ધારકે લાકડા અને ઢીક્કામુક્કી નો માર મારી ફાયનાન્સ ઓફિસના બ્રાન્ચ મેનેજર, ઓપરેશન મેનેજર, કલેક્શન મેનેજર, એક્ઝિક્યુટિવ મેમ્બર સહિત 4 લોકોને ઘાયલ કરી મુકતા તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
ઘટના અંગે વાપી GIDC માં નોંધાયેલ ફરિયાદ મુજબ વાપીના ગુંજન વિસ્તારમાં ગિરનાર ખુશ્બૂ પ્લાઝા કોમ્પ્લેક્ષ માં હાઉસિંગની લોન આપતી આધાર ફાયનાન્સ નામની ઓફિસમાં 11થી 1 વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી. જેમાં ઓફિસમાં કામ કરતા વિપુલ ઠાકોર પટેલ- એક્ઝિક્યુટિવ મેમ્બર, ધર્મેશ નાનું પટેલ -આધાર હાઉસિંગ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર, યજ્ઞેશ રાણા – ઓપરેશન મેનેજર (કેશિયર), ભાવિક રમેશ પટેલ- બ્રાન્ચ કલેકશન મેનેજર સહિતનો સ્ટાફ હાજર હતો. ત્યારે નામધા નવીનગરીમાં રહેતા કંપનીના લોનધારક રીંકુ રામાં યાદવનો ભાઈ વિજયરાજ બહાદુર ઉર્ફે પિન્ટુ રામાં યાદવ, રામજી રામાં યાદવે ઓફિસમાં આવી લોન ટ્રાન્સફર કરવા બાબતે વાતચીત શરૂ કરી હતી.
જેમાં લોનના હપ્તા અને વ્યાજ બાબતે ની વાતચીત દરમ્યાન રામજી રામાં યાદવ અપશબ્દો બોલતો હોય અન્ય ગ્રાહકો સામે અશોભનીય વર્તન થતું જોઈ કલેક્શન મેનેજર ભાવિક પટેલે રામજી ને હાથ પકડી ઓફીસ બહાર લઈ ગયેલ એટલે રામજી ને ખોટું લાગી આવતા તેમણે તેમના અન્ય સાગરીતોને બોલાવી ફાયનાન્સ ઓફિસમાં કામ કરતા ભાવિક પટેલ, વિપુલ પટેલ, ધર્મેશ પટેલ યજ્ઞેશ પટેલ પર લાકડા વડે હુમલો કરી ઓફિસમાં તોડફોડ કરી હતી.
માથાભારે ઈસમોએ લાકડા વડે હુમલો કરતા એક્ઝિક્યુટિવ મેમ્બર વિપુલ પટેલને માથાના ભાગે નાના મગજ પાસે લાકડાનો ફટકો અને ઢીક્કા મુકીનો માર મારી ઘાયલ કર્યો હતો. એવી જ રીતે આધાર હાઉસિંગ ફાઇનાન્સ બ્રાન્ચ મેનેજર ધર્મેશ પટેલને પણ ઢીક્કા મુકીનો માર માર્યો હતો. ઓપરેશન મેનેજર (કેશિયર) યજ્ઞેશ રાણાને હાથ માં લાકડા ના ફટકા અને ઢીક્કા મૂકી નો માર માર્યો હતો. જ્યારે બ્રાન્ચ કલેકશન મેનેજર ભાવિક પટેલનેે માથાના ભાગે લાકડાના ફટકા, જમણા કાને, આંખના ભાગે ગળાના ભાગે, હાથ, પેટ, પીઠના ભાગે લાકડા અને લોખંડના પંચ થી બેફામ માર મારી ઘાયલ કરી મુકતા તમામને વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા પડ્યા હતાં. મારામારીની ઘટના દરમ્યાન ભાવિક પાસે રહેલા કલેક્શનના રૂપિયા 15,000 પણ લઈ તમામ ઈસમો નાસી ગયા હતા.
જે અંગે ઘાયલ યજ્ઞેશ પટેલે વાપી GIDC પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી ફાયનાન્સ ઓફિસમાં તોડફોડ કરી 4 લોકોને ઇજાગ્રસ્ત કરનાર નવીનગરીના લોન ધારકના માથાભારે ભાઈ રામજી યાદવ, શૈલેષ રામજી યાદવ અને 2 અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.