વાપી નજીકના રાતા ગામે ગુલાબ નગરમાં આવેલ 2 ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી. આગની ઘટના બનતા વાપી નગરપાલિકા અને નોટિફાઇડ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેઓએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. ઘટના અંગે પોલીસને જાણકારી મળતા પોલીસે ભંગારના ગોડાઉનના માલિક ની અટક કરી પૂછપરછ હાથ ધરી છે.
વાપી GIDCના ઉદ્યોગોમાંથી નીકળતો વેસ્ટ એકઠો કરી તગડી કમાણી કરનારા ભંગારીયાઓના વાપી નજીકના ડુંગરા, રાતા, છીરી, છરવાળા, બલિઠા, સલવાવ જેવા ગામમાં રાફડા ફાટયા છે. આ ભંગારીયાઓ કોઈપણ પ્રકારના લાયસન્સ કે પરવાના વિના જ અત્યંત નુકસાનકારક વેસ્ટ ગોડાઉનમાં એકઠો કરતા હોય છે. જેમાં છાશવારે આગની ઘટના બનતા આસપાસના લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. તેમજ પર્યાવરણને પારાવાર નુકસાન પહોંચાડે છે. તેમ છતાં GPCB, વહીવટીતંત્ર કે ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો આવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની બદલે આંખ આડા કાન કરતા આવ્યા છે.
જેનો વધુ એક પુરાવો રાતા ગામમાંથી સામે આવ્યો છે. રાતા ગામે ગુલાબ નગર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગમાં સ્વાહા થઈ ગયેલ ગોડાઉનમાં રોહિત ગુપ્તા નામના ભંગારીયાનો વેસ્ટ પડ્યો હતો. આગની ચપેટમાં આવેલ ગોડાઉન કોઈ મુંબઈના રમઝાન અલી નું છે. જેના નિધન બાદ તેનો કોઈ રખેવાળ ના હોય રોહિત નામના ભંગારીયાએ તેમાં પોતાનો વેસ્ટ ભર્યો હતો.
ગોડાઉનમાં વાપીની કંપનીમાંથી લાવેલ કેમિકલ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને કેમિકલની ટાંકીઓ હતી. જેનું કટિંગ કરતી વખતે તણખા ઝરતા ગોડાઉનમાં આગ લાગી હતી. આ આગમાં આ ગોડાઉન નજીક આવેલ વધુ એક ગોડાઉન પણ ચપેટમાં આવી ગયું હતું. વિકરાળ આગ ને કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.
ઘટનાની જાણકારી બાદ ફાયર વિભાગે 6 જેટલા બંબા વડે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. તો પોલીસે ઘટના સ્થળે પહોંચી ત્રણેક ભંગારીયાઓ ની પૂછપરછ કરી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આગની ઘટના બાદ રાતા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ સહિતના આગેવાનો પણ પહોંચ્યા હતાં. જેઓ ભંગારીયાઓને દબડાવવા સાથે પોતાનો રોટલો શેકવાની કોશિશ કરતા જોવા મળ્યા હતાં.