વાપી નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના હોદ્દેદારો, પદાધિકારીઓ, નવરસેવકોની ઉપસ્થિતિમાં સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે નગરપાલિકાના 3 તળાવનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરનો કોન્ટ્રાકટ રદ્દ કરતો ઠરાવ પસાર કર્યો હતો. જ્યારે વિપક્ષી નેતાએ પાલિકાના સત્તાધીશોએ નળ-ગટર કનેક્શનના ટેક્સમાં કરેલો વધારો પાછો ખેંચી દરેક વિસ્તારમાં પૂરતું પાણી આપવા આકરા પ્રહાર કર્યા હતાં.
વાપી નગરપાલિકાના સભાખંડ માં શનિવાર 29મી એપ્રિલે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ, ઉપપ્રમુખ અભય શાહ, કારોબારી ચેરમેન મિતેષ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં સૌ પ્રથમ વાપી નગરપાલિકામાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધની બહાલી આપવામાં આવી હતી. તે બાદ ગત કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપી હતી. તો, વાપી નગરપાલિકાનો સને 2022–23નો વાર્ષિક હિસાબ રજૂ કરી તેને મંજુર કરી હતી.
સામાન્ય સભામાં જે મહત્વના મુદ્દે ચર્ચા થઈ તેમાં વાપી નગરપાલિકા દ્વારા લખમદેવ તળાવ, ડુંગરા ગામ તળાવ, ચલા નું અટલ બિહારી વાજપેયી જલ ઉદ્યાનની માવજત અને ૨ખરખાવ માટે આપેલ શશીજીત ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.નો કરાર રદ કરવા બાબતની થઈ હતી. આ તળાવના કોન્ટ્રાકટ મેળવ્યા બાદ કોન્ટ્રાક્ટરે તેની માવજત કરવામાં સતત નિષ્કાળજી બતાવી હોય તેને રદ્દ કરવા ચર્ચા થઈ હતી.
જો કે, સામાન્ય સભામાં વિપક્ષી નેતા ખંડુંભાઈ પટેલે ફરી એકવાર તેની આગવી સ્ટાઈલમાં સત્તાધીશો સામે આકરા પ્રહાર કર્યા હતાં. વિપક્ષી નેતાએ આક્ષેપ કર્યા હતાં કે પાલિકાના અનેક વિસ્તારમાં પાણી મળતું નથી. ત્યારે પૂરતું પાણી આપવાને બદલે પાલિકાના સત્તાધીશો નળ કનેક્શન પેટે 600 રૂપિયા વધારો ઝીંકી વસૂલી રહ્યા છે. ગટરના 600 રૂપિયા વસૂલી રહ્યા છે. જે ગેરવ્યાજબી છે. વાપી નગરપાલીકાનું ભૂર્ગભ ગટરનું કામ પુરુ કરવામાં આવેલ નથી. ગટરના ઘણા જોડાણો આપવાના બાકી છે છતા પણ વાપી નગરપાલીકા તરફથી ગટરના જોડાણનો ખોટી રીતે ટેક્ષ લેવામાં આવે છે. ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની પાઈપ લાઈનમાં પાણી આવતુ નથી. છતા પણ વોટર ટેક્ષ લેવામાં આવે છે આ અંગે યોગ્ય નિર્ણય નહિ લેવાય તો વિપક્ષ ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
સામાન્ય સભા બાદ પ્રમુખ કાશ્મીરા શાહે જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં ત્રણ ગાર્ડનનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે તે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવા માટે ચર્ચા કરી કોર કમિટી બનાવવામાં આવી છે. ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં બનાવેલ આ કમિટી આ અંગે ચર્ચા કરી કાર્યવાહી કરશે. જ્યારે મચ્છી માર્કેટના પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે મચ્છી માર્કેટમાં મચ્છી વેચતા તમામ વિક્રેતાઓ અને તેના લીડર સાથે પાલિકાએ ચર્ચા વિચારણા કર્યા બાદ જ તેમની જરૂરિયાતને ધ્યાનમાં રાખી ફિશ માર્કેટ ઊભું કર્યું છે. હવે તે મામલાને મચ્છી વિક્રેતાઓ ચગાવી રહ્યા છે. અને પોતાનો સમય વેઠી રહ્યા છે. મચ્છી માર્કેટમાં સ્ટોલની ફાળવણી બાબતે કોઈ અન્યાય કરવામાં આવ્યો નથી.
સામાન્ય સભા દરમિયાન વાપી નગરપાલિકા વિસ્તારમાં ક્રાઈમ રેટ પર અંકુશ લાવવા સીસીટીવી કેમેરા લગાડવાની પહેલ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે અંગે પણ આગામી દિવસોમાં વાપી ટાઉન પોલીસ સાથે ચર્ચા કરી એરીયા ઓળખ કરી સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે. આરો પ્લાન્ટમાં પાણી વેચતા આરો પ્લાન્ટ ધારકો સામે હાલમાંજ નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. જે અંગે તેમણે જણાવ્યું હતું કે સરકારનો જે પરિપત્ર છે તે મુજબ ભૂગર્ભ જળ પર નિયંત્રણ થવું જરૂરી છે. લોકો વધુ પડતા બોર બનાવે છે. આરો પ્લાન્ટ વાળા વેપારીઓ વધારાનું પાણી જે રીતે બગાડી રહ્યા છે તેના પર નિયંત્રણ આવે તે માટે થઈને જે કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે પણ જરૂરી ચર્ચા કરવામાં આવી હતી
ઉલ્લેખનીય છે કે સામાન્ય સભામાં મોટી સંખ્યામાં પાલિકાના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતાં. જેમા વિવિધ સમિતીઓ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના વિવિધ વિભાગ તરફથી મળેલ નોંધ/દરખાસ્ત/સુચનો/ભલામણ તથા સરકારશ્રીના વિવિધ પરીપત્રો તથા હુકમો વંચાણે લઈ જરૂરી નિર્ણય લેવા સહિતની ચર્ચા કરી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી હતી.