Friday, January 31News That Matters

પહેલા વરસાદમાં જ સંજાણ નજીક DFCCIL ના રેલવે ટ્રેકની માટી ધસી, સંજાણ સર્વિસ રોડનું પણ ધોવાણ, તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું…!

વલસાડ જિલ્લામાં વિધિવત ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે. ઉમરગામમાં પ્રથમ વરસાદમાં જ 10 ઇંચ આકાશી પાણીએ તંત્રની પોલ ખોલી નાખી છે. સંજાણ નજીક DFCCIL નિર્મિત રેલવે ટ્રેકની માટી ધસી પડવા ઉપરાંત નવા બનેલા સર્વિસ રોડનું ધોવાણ થતા 10 કલાકમાં 3 અકસ્માત થયા છે. આસપાસના અસંખ્ય લોકો રસ્તાના કારણે અટવાયા છે. તો તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે.

વલસાડ જિલ્લાના ઉમરગામમાં ખાબકેલા અનરાધાર વરસાદના પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અનેક નીચાણવાળા વિસ્તારમાં તેમજ ઘરોમાં પાણીનો ભરાવો થયો છે, સંજાણ માં મુંબઈ-અમદાવાદ વચ્ચે બની રહેલ DFCCIL ની રેલવે લાઈનની માટી ધસી પડતા ટ્રેક ને નુકસાન થયું છે. DFCCIL ના સંજાણ બ્રિજમાં ગાબડું પડ્યા બાદ બનાવેલ સર્વિસ રોડનું પણ પહેલા વરસાદમાં જ ધોવાણ થઈ ગયું છે.

મેઘરાજાના આ પ્રથમ રાઉન્ડમાં જ થયેલી ખાનાખરાબીમાં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન પણ જોવા મળ્યું છે. સંજાણ રેલવે અંડરપાસ નંબર 229 પાસે, વેસ્ટર્ન ડીએફસીની અપ લાઈન પર કરવામાં આવેલું માટી પુરાણ, વરસાદને કારણે ધીરે ધીરે ધસી રહ્યું હતું. જેને કારણે રેલ લાઇન તથા રેલ બેડનું નુકસાન અટકાવવા તથા માટી પુરાણને ધસતુ અટકાવવા પ્લાસ્ટિકની ચાદર/કાગળ પાથરી ધસતી માટીને અટકાવવાના નાકામ પ્રયાસો કર્યા હતાં.

શું…! DFCCIL કે તેનાં ઠેકેદારો આ પ્લાસ્ટિકની ચાદર કે કાગળ ઓઢાળી, ધસતી માટીને અટકાવી શકશે ખરાં? શું પવનમાં આ પ્લાસ્ટિક ઉડી નહિ જાય? કોઈ ચોર ચોરી નહિ કરે? એ હાલ કહેવું મુશ્કેલ છે..! જો કે, આ પ્રથમ વરસાદે માત્ર DFCCIL અને તેના ઠેકેદારોની જ પોલ નથી ખોલી, આવી જ બીજી પોલ સંજાણમાં હાલમાં જ બનાવેલ સર્વિસ રોડની પણ ખોલી નાખી છે. સપ્તાહ પહેલા બનાવેલ સંજાણ ધીમસા તરફનો સર્વિસ રોડ ઉદવા તરફનો રોડ પણ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો છે.

રસ્તાના ધોવાણ સાથે મસમોટા ખાડાઓના કારણે છેલ્લા 10 કલાકમાં અહીં એક ટેમ્પો પલ્ટી મારી ગયો છે. 2 બાઇક સવાર સ્લીપ થયા છે. સર્વિસ રોડ બનાવનાર ઠેકેદાર ની આ તકલાદી કામગીરીનું પરિણામ સ્થાનિક લોકો ભોગવી રહ્યા છે. સંજાણ-ધીમસા-ઉદવા તરફનો આ માર્ગ તકલાદી હોવાનું અને ચોમાસામાં લોકો માટે પારાવાર મુશ્કેલી ઉભી કરશે તેવો અંદેશો સ્થાનિક સંજાણ ગ્રામપંચાયતના માજી સરપંચ કાંતિભાઈએ વ્યક્ત કરી તંત્રનું ધ્યાન દોર્યું હતું. પરંતુ તે વાત તંત્રએ કાને નહિ ધરતા હવે લોકોએ હાડમારી વેઠવાનો વખત આવ્યો છે.

આ માર્ગ સંજાણના લોકો માટે તેમજ ઉમરગામ GIDC માં જતા કામદારો માટે, શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન માર્ગ છે. પ્રથમ વરસાદે જ ધોવાઇ ગયેલા માર્ગને કારણે DGVCL ના કર્મચારીઓ પણ અટવાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં GEB ની લાઇન પર સર્જાતા વીજ વિક્ષેપ ને દૂર કરવા નીકળતા DGVCL ના કર્મચારીઓ માટે આ મહત્વનો ઉપયોગી માર્ગ છે. જે ધોવાઈ જતા હવે લોકોએ વિજવિક્ષેપ નો પણ સામનો કરવો પડી શકે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *