Friday, October 18News That Matters

વાપી નજીક તલવાડામાં પોલીસે જપ્ત કરી ખડકલો કરેલા વાહનોમાં આગ ભભૂકી! 20 વાહનો બળીને ખાખ! આગ લાગવાનું કારણ અકબંધ

વાપી :- વાપી પોલીસ ડિવિઝન હસ્તક આવતા પોલીસ મથકોમાં જપ્ત કરાયેલ વાહનોને ભિલાડ નજીક આવેલ તલવાડા ખાતે બનાવેલ યાર્ડમાં રાખવામાં આવ્યા છે. આ યાર્ડમાં શુક્રવારે બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠતા 20 જેટલા વાહનો આગમાં સ્વાહા થયા છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

વાપી નજીક ભિલાડ પોલીસ મથકથી 1કિમિ દૂર નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ તલવાડા ગામ સ્થિત પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ પૈકી વાહનોના યાર્ડમાં બપોરે સવા 2 વાગ્યા આસપાસ અચાનક એક ફોર વ્હીલર વાહનમાં આગ ભભૂકી ઉઠી હતી. જે આગ એટલી વિકરાળ બની કે અન્ય આજુબાજુમાં પાર્ક કરેલ 20 જેટલા વાહનોને લપેટમાં લેતા તમામ વાહનો આગમાં સ્વાહા થયાં છે.

 

 

પોલીસે વિવિધ ગુન્હા સબબ જપ્ત કરેલા વાહનોના યાર્ડમાં લાગેલી આગથી આસપાસના લોકોમાં અફરાતફરી સાથે ભયનો માહોલ ઉત્પન્ન થયો હતો. આગ લાગી કે લગાડવામાં આવી તેવા તર્ક વહેતા થયા હતાં. જ્યારે આગ લાગવાની ઘટનાની જાણ ભીલાડ પોલીસ મથકના PSI ભગવતસિંહ રાઠોડને થતા તેઓએ પોલીસ કાફલા સહિત ફાયરના જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતાં. વિકરાળ આગ સામે પોલીસ કર્મીઓએ પ્રથમ તબક્કામાં પોતાની જાન હથેળી ઉપર મુકી આગને બુઝાવવાનું કાર્ય આરંભ્યું હતું. પણ આગ એટલી વિકરાળ બની હતી કે, પોલીસે ફાયર વિભાગને જાણ કરવી પડી હતી.

 

 

ત્યાર બાદ ઉમરગામ નગર પાલિકા, વાપી નગર પાલિકા સહિત વાપી નોટિફાઇડ એરિયાના ફાયર વિભાગના કર્મીઓ સહિત ફાયર બોલની ટીમે પહોંચી સતત પાણીનો મારો ચલાવી 4 કલાકે આગને કાબુ માં લેવામાં લીધી હતી. આગ લાગવાનું તારણ વાહનમાં સંપર્ક અથવા શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. આગની લપેટમાં બાઇક, ટ્રક અને કાર સહિતના વાહનો ખાખ થયા છે. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની ન જણાતા પોલીસે રાહતનો દમ લીધો હતો.

 

જ્યારે આ ઘટના સંદર્ભે વાપી ડિવિઝનના ASP શ્રીપાલ શેષમાં સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે હાલ આગ કેવી રીતે લાગી તે અંગે FSL ની મદદ લેવાય છે. તેમજ જાણવાજોગ દાખલ કરી રિપોર્ટ એકત્ર કરવામાં આવશે. અને તે બાદ જ કુલ કેટલું નુકસાન થયું છે. તે જાણી શકાશે પ્રાથમિક તારણ મુજબ 20 જેટલા વાહનો આ આગમાં બળીને ખાખ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *