ચોમાસાની સીઝનમાં ઉમરગામમાં ઠેરઠેર પાણી ભરાવાના કારણે લોકો ત્રાહિમામ છે. ત્યારે, સોળસુંબા ગામના લોકોએ એક ઠેકેદારના તકલાદી કામમાં પ્રતાપે પારાવાર મુશ્કેલી સહન કરવાની નોબત આવી છે.
ઉમરગામ રેલ્વે ઓવરબ્રિજનું કામકાજ જે દિવસ થી શરૂ થયું છે તેના થોડા દિવસો બાદ સોળસુંબા પૂર્વ તરફનો વિસ્તાર નર્કાગાર બની ગયો છે. મહારાષ્ટ્ર તથા સોલસુંબા વિસ્તારના લોકોએ ઠેરઠેર પડેલા ખાડાવાળા કામ ચલાવું રસ્તાઓ પર હાડકા તોડી ચાલવું પડી રહ્યું છે.
આ ઉમરગામ રેલ્વે ઓવરબ્રિજનું કામ છેલ્લા ત્રણ ચાર વર્ષોથી ચાલી રહ્યું છે. પ્રજા ને પડતી હાલાકી બાબતે સોળસુંબા ગ્રામ પંચાયત/ DFCCIL/ માર્ગ અને મકાન વિભાગ જવાબદારી લેવા તૈયાર નથી હાલ માં પડી રહેલાં વરસાદ ને કારણે સોળસુંબાના જૈન મંદિરમાં ઉમરગામ ધારાસભ્ય રમણ પાટકર સહિતનો કાફલો સદર ઓવરબ્રિજને લાગુ સર્વિસ રોડની ઉણપ પુરી કરવાની, અને ગટર વ્યવસ્થાની સુવિધા ઉભી કરવાની માંગ સાથે પહોંચ્યા હતા.
ઘટનાને ગંભીર ગણી લાગતા વળગતા ઠેકેદારો ને પણ બોલાવ્યા હતા. આ વિસ્તારની પ્રજા નું કહેવું છે કે સર્વિસ રોડનું નિર્માણ/ખુલ્લી ગંધાતી ગટરો નું કામ ઝડપથી પૂરું કરવામાં આવે. સર્વિસ રોડ ના ઠેકેદાર પાસે જાણવા મળ્યું હતું કે આ ગટરની ઠેકેદારીનું કામ આર્વી એન્ટરપ્રાઈઝને આપ્યું છે. જેની સામે પ્રજામાં ભારોભાર નારાજગી હોવાનું જોવા મળ્યું હતું.
લોકોએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું હતું કે, આ રેલવે ઓવરબ્રિજ નું કામ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે. કામની ગતિ આગળ વધતી નથી. લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આ વિસ્તારમાં બેન્કો, દવાખાના, વેપારી સંસ્થાનો આવેલા હોય કામકાજ માટે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે. તકલાદી કામ અને ગટરના અભાવે ઠેરઠેર પાણીનો ભરાવો થયો છે. લોકોએ, મહિલાઓએ, બાળકોએ આ માર્ગ પસાર થતી વખતે ખાડાઓમાં પડવાની ભીતિ સાથે પસાર થવું પડે છે. અનેક વખતે કેટલાક લોકો વરસાદી પાણીમાં ખાડા નજરે નહિ ચડતા હાડકા ભાંગ્યા છે. વારંવાર તંત્રને રજુઆત કરી છે પરંતુ, પરિણામ શૂન્ય છે. એક ઠેકેદારના કારણે લોકો પારાવાર નુકસાન ભોગવી રહ્યા છે.