ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઈ વલસાડ જિલ્લાની 182 ઉમરગામ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકરના ચૂંટણી પ્રચાર માટે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ સરીગામ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું હતું.
પોતાના જન સંબોધનમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અને આપ પર પ્રહારો કર્યા હતાં. ઈરાની એ રાહુલ ગાંધી પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, ભારત તોડવા વાળા ભારત જોડવા નીકળ્યા છે.
વધુમાં તેમણે રાહુલ ગાંધી અને આપ પાર્ટીના કેઝરીવાલ પર સવાલ કર્યા હતા કે આ ચૂંટણીમાં ગુજરાતીઓ જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ની વિરુદ્ધમાં ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા આજે પોતાની યાત્રામાં પાકિસ્તાન જિંદાબાદના નારાઓ લગાવે છે. એવી પાર્ટીને કોઈ સમર્થન આપે નહીં જેના ગૌ હત્યારાઓ ઉપર આશીર્વાદ છે. ડેવિડ હેડલી ના પરિવારને સમર્થન કરવા વાળાને યાત્રામાં જોડે તો રાહુલ ગાંધીએ જવાબ આપવો પડે.
કેઝરીવાલે હજુ સુધી કેમ એ વ્યક્તિનું ખંડન નથી કર્યું જે એક બળાત્કારીથી સેવા લઈ રહ્યો છે. કેમ તેમણે નરેન્દ્ર મોદીની માતાજી પર અપમાન જનક શબ્દ કહ્યા છે તેનું ખંડન નથી કર્યું. તેમની ખ્યાતિ વધી રહી છે પરંતુ સુરતમાં તેમના કાર્યાલય પર તાળા લાગ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર ના પ્રચારમાં આવેલા સ્મૃતિ ઈરાનીએ ઉપસ્થિત જનમેદનીને 1લી ડિસેમ્બરે કમળ પર બટન દબાવી ગુજરાતમાં ભાજપને જીત અપાવવા અપીલ કરી હતી.