વાપીમાં સરદાર માર્કેટમાં વેલ્ડીંગ નું કામ કરતા એક યુવક પર અજાણ્યા ઈસમોએ હુમલો કરી ઘાયલ કરી દેતા યુવક હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. જૂની અદાવતમાં આ ઘટના બની હોવાના અંદેશા પર ઘટનાને લઈને વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વાપીમાં પોતાના બનેવીને ત્યાં વેલ્ડીંગનું કામ કરી ગુજરાન ચલાવતા કયુમ મુક્તાર નામનો યુવક શુક્રવારે સાંજે 4 થી 5 વાગ્યાના સમયગાળા દરમ્યાન સરદાર માર્કેટ ખાતે વેલ્ડીંગનું કામ કરી રહ્યો હતો. ત્યારે, કોઈ અજાણ્યા ઈસમોએ તેના માથાના પાછળના ભાગે અને પગ પર રોડ (સળિયો) મારી ગંભીર ઇજા પહોંચાડી ફરાર થઈ ગયા હતાં. માથાના ભાગે ગંભીર ઇજા થતાં કયુમ મુક્તાર ત્યાંજ ઢળી પડ્યો હતો. જેને લોહીલુહાણ હાલતમાં વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો.
ગંભીર ઇજાના કારણે ઘાયલ યુવક ખાનગી હોસ્પિટલમાં હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ત્યારે આ ઘટના અંગે જૂની અદાવત કારણભૂત માની ગાંજા ની હેરાફેરીમાં જેલવાસ ભોગવી ચૂકેલા સરીફ સલીમ મોહંમદ શેખ નામના ઇસમ સામે વાપી ટાઉન પોલીસ મથકમાં અલગ અલગ 3 ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી છે.
વાપી ટાઉન પોલીસ મથકમાં ઘાયલ યુવકના બનેવી કામરુદ્દીન નજીમુદ્દીન શેખે ફરિયાદ લખાવી છે કે તેનો સાળો કયુમ મુક્તાર મોહંમદ નફિસ શેખ અને અબ્દુલ રહેમાન જબ્બાર ખલિફાનો મિત્ર હોય થોડા દિવસ પહેલા તે બંને સાથે વાપી કોર્ટમાં મુદ્દતે ગયો હતો. ત્યારે સરીફ સલીમ મોહંમદ શેખે જામીન આપવા બદલ તેની સાથે બોલાચાલી કરી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ કયુમ પર આ હુમલો થયો છે જે સરીફ સલીમ મોહંમદ શેખે અથવા તેમના મળતીયાઓએ કર્યો છે.
તો, ઘાયલ યુવકના મિત્રો મોહંમદ નફિસ શેખ અને અબ્દુલ રહેમાન જબ્બાર ખલિફાએ લખાવેલ ફરિયાદ મુજબ…….
ઘાયલ કયુમ મુક્તાર તેમનો મિત્ર છે. જેમાં ટ્રાવેલ્સનો ધંધો કરતા મોહંમદ નફિસ શેખ પાસે વર્ષ 2019 માં સરીફ સલીમ મોહંમદ શેખ નામના ઇસમેં કલ્યાણથી વાપી કાર ભાડે કરી કારમાં ગાંજો લઈને આવતો હતો ત્યારે ભિલાડ ચેકપોસ્ટ પાસે પકડાઈ ગયો હતો. આ ઘટનામાં ગાંજા ના કેસમાં આરોપી ઠરેલ સરીફ સલીમ મોહંમદ શેખને નવસારી જેલ હવાલે કર્યો હતો. જેને મળવા માટે 8 મહીંના સુધી તેની પત્નીને કારમાં લઈને ગયા બાદ ભાડું માંગતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે બીજા ફરિયાદી અબ્દુલ રહેમાન જબ્બાર ખલિફાએ ફરિયાદ લખાવતા જણાવ્યું છે કે તે રીક્ષા ભાડે ચલાવી ગુજરાન ચલાવે છે. જેને વાપી ગીતાનગરના મેજેસ્ટિક એપાર્ટમેન્ટમાં રહેતો સરીફ સલીમ મોહંમદ શેખ અવારનવાર તેની રીક્ષા ભાડે કરીને લઈ જતો હતો. જો કે એક દિવસ તે ગાંજા સાથે પકડાઈ ગયો હતો. જે બાદ ગાંજા ની હેરાફેરી અંગે તેણે બાતમી આપી હોવાનો વહેમ રાખી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
હાલ માં બંને ફરિયાદીના મિત્ર પર અચાનક જાનલેવા હુમલો થયો હોય આ હુમલો ગાંજા ના કેસમાં 2 વાર પકડાઈ ચુકેલ સલીમ મોહંમદ શેખ દ્વારા કરવામાં કે કરાવવામાં આવ્યો હોય અને તેમની જાન ને પણ ખતરો હોય ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર મામલો ફરિયાદીઓએ લખાવેલ ફરિયાદ સાથે સંલગ્ન છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.