Friday, October 18News That Matters

ધરમપુરના સજનીબરડા ગામે ખેતરમાં કામ કરતા વૃદ્ધ પર વીજળી પડતા કરુણ મોત

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી આપી છે. જેને પગલે ગુરુવારે વલસાડ જિલ્લામાં અસહ્ય ઉકળાટ બાદ ગાજ વીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેમાં ધરમપુર તાલુકાના સજનીબરડા ગામે ખેતરમાં કામ કરવા ગયેલ 50 વર્ષીય વૃદ્ધ પર વીજળી પડતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લામાં ગુરુવારે અસહ્ય ઉકળાટ બાદ બપોરે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. એ સમયે ધરમપુર તાલુકાના સજનીબરડા ગામે રહેતા 50 વર્ષીય રાજીરામ લચુભાઈ સુરકા તેમની પત્ની સાથે ખેતરમાં વાવેલા અડદ માં નિંદામણ કરવા ગયા હતાં. અચાનક વરસાદ વરસતા દંપતીએ એક ઝાડ નીચે આશરો લીધો હતો. જે દરમ્યાન ઝાડ પર વીજળી પડી હતી. જેનો ભોગ બનતા રાજીરામ લચુભાઈ સુરકા ઘટના સ્થળે જ મોતને ભેટ્યા હતાં.
વીજળી પડતા મોત થવા અંગેની જાણ ગામલોકોને થતા તેઓએ તાત્કાલિક એક પિકઅપ ટેમ્પો ભાડે કરી મૃત્યુ પામેલા વૃદ્ધને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમાં ખસેડયા હતાં. જ્યાં તેમનું PM કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઘટનાની જાણકારી પોલીસને આપતા પોલીસે પણ હોસ્પિટલ ખાતે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *