વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામે એક પિતાએ તેમના 2 સંતાનોને નાયલોનથી દોરીથી ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી. ઘટના અંગે નાનાપોંઢા પોલીસ મથકે જાણ કરતા પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહને હોસ્પિટલમાં PM કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
ઘટના અંગે કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ મથકમાંથી મળતી વિગતો મુજબ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પીપરોણી ગામે મૂળગામ ફળિયામાં રહેતા સંજય બોબા નામના વ્યક્તિને પત્ની સુનિતા સાથે મનમેળ ના હોય 6 મહિના પહેલા તેમની પત્ની તેમના પિયરે ચાલી ગઈ હતી. જેથી સંજય પોતાની 8 વર્ષની દીકરી સંધ્યા અને 5 વર્ષના સૂરજ સાથે રહેતો હતો.
એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓ મોત ને ભેટ્યા…..
પત્નીના પિયર જવાથી સંજય સતત ડિપ્રેશનમાં રહેતો હતો. અને કોઈ કામધંધો કરતો નહોતો. એવામાં 23મી નવેમ્બરે આવેશમાં આવી જઇ પોતાના ઘરે અલગ અલગ 2 નાયલોનની દોરીથી બને સંતાનોને ઘરની છત સાથે લટકાવી ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ઘરના મોભ સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ લેતા એક જ પરિવારના ત્રણેય વ્યક્તિઓ મોત ને ભેટ્યા હતાં.
સંજયની પત્ની સુનિતા તેમના બન્ને સંતાનોને સંજય પાસે છોડી પિયર જતી રહી હતી……..
પોલીસે આપેલી વિગત મુજબ સંતાનોને મોતને ઘાટ ઉતારી આપઘાત કરનાર સંજયના પહેલા જાગૃતિ નામની યુવતી સાથે લગ્ન થયા હતાં. જેના થકી તેને એક દીકરો હતો. પ્રથમ પત્ની જાગૃતિ ના નિધન બાદ તેમણે સુનિતા સાથે બીજા લગ્ન કર્યા હતાં. જેના 2 સંતાનો હતા. જો કે સંજય-સુનિતાનો ઘણા સમયથી મનમેળ ના હોય સુનિતા તેમના બન્ને સંતાનોને સંજય પાસે છોડી પિયર જતી રહી હતી. જેના કારણે સતત ડિપ્રેશનમાં રહેતા સંજયે પ્રથમ તેમના દીકરા-દીકરીને ગળેફાંસો આપી મોત નિપજાવી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
ત્રણેય ઘરની છત સાથે બાંધેલ દોરીએ લટકતા જોવા મળ્યા……
23મી નવેમ્બરે સંજય અને તેના સંતાનોની ઘર બહાર અવરજવર ના જોતા સંજયની માતા અને માસીએ તેમના ઘરે જઈ તપાસ કરતા ત્રણેય ઘરની છત સાથે બાંધેલ દોરીએ લટકતા જોવા મળ્યા હતાં. જે બાદ મૃતકના ભાઈઓને જાણ કરતા તેઓએ ઘરનો દરવાજો ખોલી ત્રણેયના મૃતદેહ અંગે પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. નાનાપોંઢા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ PM કરાવી મૃતદેહને તેમના વાલી વારસોને સુપ્રત કરી વધુ તપાસ હાથ ધરી છે.